India

ભારત–ઇઝરાયેલ FTA ચર્ચાઓનો પ્રથમ રાઉન્ડ પૂર્ણ: મે 2026માં બીજી બેઠક

ભારત અને ઇઝરાયેલ વચ્ચે મુક્ત વેપાર કરાર (FTA) માટેની મહત્વપૂર્ણ ચર્ચાઓનો પ્રથમ રાઉન્ડ નવી દિલ્હીમાં સફળતા પૂર્વક પૂર્ણ થયો છે. બંને દેશોએ વેપાર અને આર્થિક સહકાર વધારવાના હેતુથી આગળ વધીને આગામી રાઉન્ડ મે 2026માં ઇઝરાયેલમાં યોજવાનો નિર્ણય કર્યો છે.આ વિકાસ એવા સમયે થયો છે જ્યારે ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી બે દિવસીય રાજ્ય મુલાકાતે ઇઝરાયેલમાં છે. તેમણે 25 ફેબ્રુઆરીએ યેરુશલમમાં કનેસેટના વિશેષ સત્રને સંબોધિત કરતા બંને દેશો વચ્ચેના FTAને વહેલી તકે અંતિમ સ્વરૂપ આપવાની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો. મોદીએ કહ્યું કે ભારત અને ઇઝરાયેલ વચ્ચે હજુ પણ વિશાળ વેપાર સંભાવનાઓ અજમાવાની બાકી છે.

આ પ્રથમ રાઉન્ડ 23થી 26 ફેબ્રુઆરી દરમિયાન યોજાયો હતો. નવેમ્બર 2025માં બંને દેશોએ ચર્ચા માટેના ટર્મ્સ ઓફ રેફરન્સ (ToR) પર હસ્તાક્ષર કર્યા બાદ આ બેઠક યોજાઈ હતી. ચર્ચાઓ દરમિયાન માલ અને સેવાઓના વેપાર, કસ્ટમ પ્રક્રિયા, ટેકનિકલ અવરોધો, ડિજિટલ ટ્રેડ, બૌદ્ધિક સંપત્તિ અધિકાર અને અન્ય મહત્વપૂર્ણ મુદ્દાઓ પર વિસ્તૃત ચર્ચા થઈ ભારતના વાણિજ્ય પ્રધાન પિયુષ ગોયલએ 24 ફેબ્રુઆરીએ ઇઝરાયેલી પ્રતિનિધિમંડળ સાથે બેઠક કરીને બંને દેશોએ વેપાર, નવોચાર અને વૃદ્ધિના નવા અવસર ઉભા કરવા માટે નજીકથી કામ કરવાની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો. બંને પક્ષોએ ચર્ચાઓને રચનાત્મક અને આગાહીદ્રષ્ટિ સાથે આગળ વધારવાનો સંકલ્પ વ્યક્ત કર્યો છે.

ઉલ્લેખનીય છે કે સપ્ટેમ્બર 8, 2025ના રોજ ભારત અને ઇઝરાયેલ વચ્ચે દ્વિપક્ષીય રોકાણ કરાર (BIA) પર પણ હસ્તાક્ષર થયા હતા. આ કરાર ભારતની નાણાં પ્રધાન નિર્મલા સીતારામન અને ઇઝરાયેલના નાણાં પ્રધાન બેઝાલેલ સ્મોટ્રિચ દ્વારા કરવામાં આવ્યો હતો.બંને દેશો વચ્ચે FTA અંગેની ચર્ચાઓ લગભગ 15 વર્ષ પહેલા શરૂ થઈ હતી. પ્રથમ રાઉન્ડ 26 મે 2010ના રોજ નવી દિલ્હીમાં યોજાયો હતો, જ્યારે 2013માં આઠમા રાઉન્ડ પછી ચર્ચાઓ અટકી ગઈ હતી.

1992માં રાજદ્વારી સંબંધો સ્થાપિત થયા બાદ ભારત–ઇઝરાયેલ વેપારમાં નોંધપાત્ર વૃદ્ધિ થઈ છે. 200 મિલિયન ડોલરથી શરૂ થયેલો વેપાર 2022-23માં 10.77 બિલિયન ડોલર સુધી પહોંચ્યો હતો. જોકે છેલ્લા વર્ષોમાં સુરક્ષા પરિસ્થિતિ અને ટ્રેડ રૂટમાં વિક્ષેપને કારણે વેપાર ઘટ્યો છે. 2023-24માં કુલ વેપાર 6.53 બિલિયન ડોલર રહ્યો હતો, જ્યારે 2024-25માં તે ઘટીને 3.63 બિલિયન ડોલર થયો છે.વિશ્લેષકોનું માનવું છે કે જો FTA ઝડપથી પૂર્ણ થાય તો બંને દેશો વચ્ચે વેપાર, ટેક્નોલોજી અને રોકાણના ક્ષેત્રોમાં નવી ગતિ મળશે.

Most Popular

To Top