Charchapatra

ભારત યુવાનોના આપઘાતનું કેપિટલ છે

હાલમાં સોશ્યલ મીડિયા પર એક નાના બાળકનો” મને ઘરે જ આવડે….” વીડિયો વાયરલ થયો છે. સૌ કોઈ એ વીડિયો જોઈ મજા લે છે.  હસીને બીજાને બતાવે છે. કેટલાક એ જોઈને બાળકની એક્ટિંગના વખાણ કરે છે.દરેક જણ જુદી જુદી રીતે એ વીડિયોને મૂલવી રહ્યા છે. શિક્ષણ બાબતે માતા-પિતાની આકાંક્ષાઓ વધી રહી છે. દરેકે પોતાના બાળકને ખૂબ ભણાવવો છે ,ડોક્ટર ,ઇજનેર કલેકટર કે ઉચ્ચ હોદ્દા સિવાય કંઈ ખપતું જ નથી! જે અનુસંધાને બાળકને નાની ઉંમરથી જ “ તારે આ જ બનવાનું છે “ જેવી વાતો મનમાં ઘુસાડી માનસિક રીતે ખૂબ જ દબાણ અનુભવતો કરી મૂક્યો છે.

વીડિયો સાચો હોય કે રમૂજ પણ સમાજની કડવી વાસ્તવિકતા રજૂ કરે છે. શિક્ષણ માટે આ ચિત્ર ચિંતાજનક છે . સિનિયર સાઈકોલોજીસ્ટ ડૉ. પ્રશાંત ભીમાણીએ આ વીડિયો અનુસંધાને પ્રતિક્રિયા આપતાં કહ્યું કે “ બાળક જે ભય કે ડર અનુભવે છે તેના ઉપરનો આ વીડિયો છે. તેમજ અંતમાં જે બોલ્યું “ મને પંખે લટકાવી દો તો પણ વાંધો નથી “ આ બાબત બહુ ભયંકર છે. તેમણે માતા-પિતાને ઉદ્દેશીને સ્પષ્ટ કહ્યું કે “ તમે ભણવા માટે થઈને બાળકને પ્રેશર ન આપો. આટલા નાના બાળકને ટ્યુશનમાં મૂકવો જરૂરી જ નથી. “ બાળકને ખબર છે કે કોઈ તકલીફ આવે કે દુઃખ આવે તો મરી જવાય.

“ આ ઘટના સમાજ માટે લાલબત્તી સમાન છે. સાચે જ બાળક પોતાના નહીં પણ પેરન્ટ્સના અધૂરા કે સમજ્યા વગરનાં સ્વપ્નો માટે ભણે છે – જીવે છે . માત્ર ગ્રેડ જરૂરી નથી, ડિગ્રી હશે તો જ તમારું બાળક કમાઈ શકશે એવી ગ્રંથીમાંથી બહાર આવવું જરૂરી છે. ટ્યુશન કરતાંય બાળકને તમારી હૂંફ, પ્રેમ ,લાગણીની વિશેષ જરૂર છે. બાળકને ગુમાવવા કરતાં તેને સમય ફાળવી, તેની મરજી પ્રમાણે આગળ વધવા પ્રોત્સાહિત કરવો ખૂબ જરૂરી છે.નહીં તો તમારું બાળક ગુમરાહ થશે કે સતત માનસિક તાણનો ભોગ બનશે! બાળકો પર ત્રાસ ગુજારવો બંધ કરો, પ્લીઝ.
સુરત        – અરુણ પંડયા-આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top