ભારત હવે આંતરરાષ્ટ્રીય કૌભાંડ અને સાયબર ઠગો માટે વિશ્વનું બીજું સૌથી મોટું ટાર્ગેટ બની ગયું છે. ફેસબૂક અને ઈન્સ્ટાગ્રામની પેરેન્ટ કંપની Metaના તાજેતરના અર્ધવાર્ષિક રિપોર્ટ મુજબ, અમેરિકાના અંગ્રેજી બોલતા યુઝર્સને પહેલા ટાર્ગેટ કરવામાં આવે છે, અને બીજા ક્રમે ભારતીયોને નિશાન બનાવવામાં આવે છે. રિપોર્ટમાં જણાવાયું છે કે મેટાએ ફેસબૂક અને ઈન્સ્ટાગ્રામ પર કુલ 1.09 કરોડ એકાઉન્ટ્સ, 6 લાખ વેબ પેજ અને 1.12 લાખ જાહેરાતના એકાઉન્ટ્સ સસ્પેન્ડ કર્યા છે. હેતુ એ છે કે યુઝર્સને ફ્રોડ અને સ્કેમથી સુરક્ષિત રાખી શકાય.આ સાયબર ગુનેગારો હવે સામાન્ય હેકર્સ નથી. તેઓ નકલી એકાઉન્ટ્સ બનાવે છે, જેમાં સંપૂર્ણ બેકસ્ટોરી, અસલી જેવા પ્રોફાઈલ ફોટો અને વીડિયો હોય છે. તેમની મેસેજિંગ એટલી પર્સનલાઈઝ્ડ હોય છે કે વપરાશકર્તાને લાગે છે. આ મેસેજ મારી માટે જ છે. મેટાના રિપોર્ટ મુજબ, ભારતીયોને ટાર્ગેટ કરતી ગેંગ પણ ઝડપાઈ છે.
પાકિસ્તાન સ્થિત એક સિન્ડિકેટ માત્ર ભારતને ટાર્ગેટ કરતી હતી અને એઆઈની મદદથી અલગ અલગ ભાષાઓમાં કન્ટેન્ટ તૈયાર કરતી હતી. હવે સાયબર ઠગ એટલા સ્માર્ટ થયા છે કે તમને લાગશે કે એ તમારા નજીકના મિત્ર હોય. મેટાએ યુઝર્સને સલાહ આપી છે કે અજાણી લિંકને ક્લિક ન કરે, કોઈને નાણાં ન મોકલે અને શંકાસ્પદ ઓફર આવતી હોય તો બેવાર વિચારે. રિપોર્ટ અનુસાર, ફ્રોડ અને સ્કેમ સામે, 1.09 કરોડ એકાઉન્ટ, 6 લાખ પેજ અને 1.12 લાખ જાહેરાતના એકાઉન્ટ્સ હટાવવામાં આવ્યા છે અને 21 લોકો જેલ ભેગા પણ થયા છે. મેટાએ આ સાથે ડ્રગ્સ કાર્ટેલ અને દાણચોરીવાળી ગેંગ્સ પણ સક્રિય હોવાનું જાહેર કર્યું છે, જે પ્લેટફોર્મ્સનો ઉપયોગ ભરતી, બ્લેકમેલ અને પ્રચાર માટે કરતી હોય છે. કંબોડિયા, મ્યાંમાર અને લાઓસમાંના મોટા સ્કેમ સેન્ટરો સાથે સંકળાયેલા અનેક એકાઉન્ટ્સને પણ હટાવવામાં આવ્યા છે.