Comments

નવા ચીની રાજદૂતની ડાહી વાતોથી ભારતે બહુ ખુશ થઇ જવા જેવું નથી

પૂર્વ લડાખમાં ચીન સાથે ભારતની લાંબા સમયથી મડાગાંઠ ચાલી રહી છે  તેવા સમયે બંને દેશો વચ્ચના રાજદ્વારી સંબંધો પણ તંગ રહ્યા છે. કોરોનાનો રોગચાળો જ્યારે દુનિયાભરમાં  ચાલી રહ્યો હતો તેવા સમયે ૨૦૨૦માં લડાખમાં ભારત અને ચીનના સૈનિકો વચ્ચે શારિરીક સંઘર્ષનો પણ એક મોટો બનાવ બની ગયો જેમાં મોટી જાનહાની બાદ બંને દેશોના સંબંધો ખૂબ તંગ બન્યા. ત્યારબાદ સમાધાનોના અનેક પ્રયાસો તો  થયા, બંને દેશો વચ્ચે રાજદ્વારી અને લશ્કરી મંત્રણાના અનેક રાઉન્ડ યોજાયા તે છતાં કોઇ સ્થાયી ઉકેલ હજી સુધી શોધી શકાયો નથી.

આ તંગદીલી વચ્ચે જ ચીનના ભારત ખાતેના રાજદૂતનો કાર્યકાળ પુરો થયો અને તેઓ ગયા ત્યારબાદથી દોઢ વર્ષથી આ જગ્યા ખાલી પડેલી હતી તે ચીને હવે છેક હમણા પુરી છે અને શુ ફેઇહોંગ નામના એક રાજદ્વારીની નિમણૂક ભારત ખાતેના  પોતાના રાજદૂત તરીકે કરી છે. આ રાજદૂતે હાલ તો હકારાત્મક સૂર કાઢ્યા છે. ચીન એકબીજાની ચિંતાઓને હાથ ધરવા અને ચોક્કસ મુદ્દાઓ પર પરસ્પરને સ્વીકાર્ય એવો એક ઉકેલ એક વહેલી તારીખે મંત્રણા યોજીને શોધવા માટે તૈયાર છે એમ ભારત ખાતેના બૈજિંગના નવા રાજદૂત શુ ફેઇહોંગે જણાવ્યું છે. આ ટિપ્પણી પૂર્વ લડાખમાં લાંબી લશ્કરી મડાગાંઠના સંજોગો વચ્ચે આવી છે પણ વાસ્તવમાં ચીન કેવું વર્તન કરે છે તે આપણે જાણીએ છીએ.

એક સહાયક મંત્રીની રેન્કના અધિકારી એવા ૬૦ વર્ષીય શુની નિમણૂક ચીનના પ્રમુખ ઝી જિનપિંગ્ દ્વારા ભારત ખાતેના રાજદૂત તરીકે કરાઇ છે. બીજા શબ્દોમાં તેમની નિમણૂક એક  સંવેદનશીલ કાર્ય માટે કરવામાં આવી છે. તેમણે નવી દિલ્હી ખાતેની પોતાની નિમણૂકને એક સન્માનીય મિશન અને પવિત્ર ફરજ ગણાવી હતી. હું બંને દેશોના લોકો વચ્ચે સમજણ અને મિત્રતા ઉંડી બનાવવા મારા શ્રેષ્ઠ પ્રયાસો કરીશ, વિવિધ ક્ષેત્રોમાં આદાન પ્રદાન અને સહકાર વિસ્તૃત બનાવવા અને દ્વિપક્ષી સંબંધોને આગળ વધારવા માટે પ્રયાસ કરીશ.

એમ શુએ ભારતીય સમાચાર સંસ્થા પીટીઆઇને અને ચીનના સરકાર સંચાલિત સીજીટીએન-ટીવીને પોતાનો નવો હોદ્દો સંભાળવા માટે નવી દિલ્હી જવા રવાના થતા પહેલાના એક મીડિયા વાર્તાલાપમાં જણાવ્યું હતું. અત્રે ઉલ્લેખનીય છે કે શુ ફેઇહોંગ આ પહેલા અફઘાનિસ્તાન અને રોમાનિયા ખાતે ચીનના રાજદૂત રહી ચુક્યા છે, આ ઉપરાંત તેઓ ચીનના શાસક પક્ષ કોમ્યુનિસ્ટ પાર્ટી ઓફ ચાઇના(સીપીસી)માં સિનિયર કેડર લેવલના હોદ્દા પર રહી ચુક્યા છે. ભારતમાં તેઓ સુન વેઇડોંગના અનુગામી બન્યા છે જેમનો કાર્યકાળ ઓકટોબર ૨૦૨૨માં પુરો થઇ ગયો હતો. તેઓ હાલમાં ચીનના નાયબ વિદેશ મંત્રી છે.

શુની નિમણૂક ૧૮ મહિનાના અસાધારણ લાંબા સમયગાળા પછી થઇ છે જયારે બંને દેશો વચ્ચે લડાખની લશ્કરી મડાગાંઠ વચ્ચે સંબંધો તંગ ચાલી રહ્યા છે. ભારત ખાતેના આ નવા ચીની રાજદૂતે એમ પણ જણાવ્યું હતું કે ચીની બજાર ભારત સહિત તમામ દેશો માટે ખુલ્લું છે. તેમણે એમ પણ કહ્યું હતું કે વધુ ભારતીય કંપનીઓ ચીની બજારમાં ધંધો કરી શકે તે માટે સગવડ કરી આપવા માટે ચીન તૈયાર છે. અત્રે ઉલ્લેખનીય છે કે ચીન સાથે વેપાર ખાધ એ ભારત માટે મોટી સમસ્યા છે જે ૨૦૨૩માં ૯૯.૨ અબજ ડોલર પર ઉભી હતી જ્યારે બંને દેશો વચ્ચેનો દ્વિપક્ષી વેપાર ૧૩૬.૨ અબજ ડોલરનો હતો.

ભારત ખાતે નિમાયેલા ચીનના નવા રાજદૂતની વાતો તો ડાહી ડાહી લાગે છે.  તેમણે ભારતીય કંપનીઓ માટે ચીનમાં ધંધો કરવા માટે સગવડ કરી આપવાની જે વાત કરવામાં આવી છે તે તો ઘણી જ સારી લાગવાની સાથે આશ્ચર્યજનક પણ લાગે છે. બની શકે કે ચીનનો આમાં કોઇ સ્વાર્થ હોય અને  ચીની સરકાર દ્વારા જ તેના રાજદૂત  પાસે આ બોલાવડાવવામાં આવ્યું હોય. પરંતુ  ચીનનો જરાયે ભરોસો કરી શકાય  તેમ નથી. લડાખમાં મડાગાંઠ તો ચાલુ જ છે ,તે ઉપરાંત અરૂણાચલ પ્રદેશમાં ચીનના ઉધામાઓ પણ ઓછા નથી. ભારત જેના પર પોતાનો દાવો કરે છે તે પીઓકેના એક વિસ્તારમાં પણ ચીને હાલમાં માળખાગત બાંધકામ કર્યું હોવાની વિગતો બહાર આવી છે. એટલે ચીની રાજદૂત ગમે  તેટલી ડાહી વાતો કરે પરંતુ ભારતે ચીન પ્રત્યે હંમેશા સાવધ રહેવું જરૂરી છે.

Most Popular

To Top