જયારથી ભારતનું બંધારણ નક્કી થયું ત્યારથી ભારતમાં દરેક સંપ્રદાયને યોગ્ય ન્યાય, સવલત અને સંરક્ષણ સરખા જ મળવાપાત્ર છે. હવે ધીરે ધીરે બિનસાંપ્રદાયિકતા, સંપ્રદાયમાં પરિણમી છે. ચૂંટણી દરમ્યાન જે તે વિસ્તારના સંપ્રદાય મુજબ ઉમેદવાર પસંદ કરવામાં આવે છે. ચૂંટણી પ્રચાર દરમ્યાન પણ આનું વારંવાર ઉલ્લંઘન થાય છે. હાલમાં જ કોંગ્રેસ તરફથી બહાર પાડવામાં આવેલ ચૂંટણી ઢંઢેરાની ટીકા કરતાં આ ચૂંટણી ઢંઢેરાને મુસ્લિમ લીગની છાપ ધરાવતો ઢંઢેરો છે એમ જાહેરમાં કહેવામાં આવે છે. એક સંપ્રદાય જે તે પક્ષને સ્વીકાર્ય ન હોય એ ભારતના બંધારણ વિરુધ્ધ જણાય અને જો એમ જ હોય તો પોતાની બહુમતી દરમ્યાન સુધારો થવો જોઇતો હતો. રોહિંગ્યા બિનઅધિકૃત ભારત દેશમાં ભરાયાં તેમને આશરો આપવામાં આવ્યો. હવે એની જ ચૂંટણી ટાણે ટીકા? શું યોગ્ય છે?
અમરોલી – બળવંત ટેલર-આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.
મોલમાંથી ખરીદી કરતાં પહેલાં વિચારો
આજે સુરતના દરેક વિસ્તારોમાં અનેક લકઝયુરીયસ મોલ આવેલા છે. સામાન્ય રીતે ગ્રાહકોના મનમાં એક એવી વિચારસરણી ફીટ થઇ ગઇ છે કે મોલમાંથી ખરીદી કરતાં વસ્તુઓ સસ્તી અને સારી મળે છે. પરંતુ બુધ્ધિ સહિત વિચારો તો ગ્રાહકોને કોઇ વસ્તુ સસ્તી મળતી નથી. મોલના સંચાલકો લોકસેવા કરવા બેઠા નથી. આ એક ચાલાકીપૂર્વકની માર્કેટ પોલીસી છે, જેમાં ગ્રાહકો સાથે સ્માર્ટલી માઇન્ડ ગેમ રમાય છે.
આજના આધુનિક યુગમાં ગ્રાહકોના માઇન્ડમાં એવી ગ્રંથિ છે કે મોલમાંથી ખરીદી કરવી એ પણ સ્ટેટસ સિમ્બોલ છે એટલે ગ્રાહકો મોલમાંથી ખરીદી કરવાને પ્રાથમિકતા આપે છે. તમે તમારા નજીકના સ્ટોર્સ કે દુકાનોમાંથી જે વસ્તુની ખરીદી કરો એ જ વસ્તુઓ મોલમાંથી ખરીદો અને તમારા રહેઠાણથી મોલમાં આવવા જવાનું રીક્ષા ભાડું કે પેટ્રોલની રકમ મોલના બિલમાં ઉમેરો કરો તો સરેરાશ બધું જ સરખું જ પડશે. હવે જાગૃત ગ્રાહકોએ વિચારવું કે ખરીદી કયાંથી કરવી?
સુરત – રાજુ રાવલ-આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.