ઈરાનના (Iran) ઈઝરાયેલ (Israel) પર હુમલા બાદ ઈઝરાયેલમાં ભારતીય દૂતાવાસે (Indian Embassy) પોતાના નાગરિકો માટે નવી એડવાઈઝરી જારી કરી છે. એડવાઈઝરીમાં ભારતીય નાગરિકોને શાંત રહેવા અને તમામ સુરક્ષા પ્રોટોકોલનું પાલન કરવાની સૂચના આપવામાં આવી છે. ઈરાન અને તેના સહયોગીઓએ શનિવારે ઈઝરાયેલ પર 330 મિસાઈલો અને ડ્રોનથી જોરદાર હુમલો કર્યો હતો. દમાસ્કસમાં ઈરાનના રાજદ્વારી મિશન પર કથિત હુમલાના જવાબમાં ઈઝરાયેલ પર આ હુમલો કરવામાં આવ્યો હતો.
સીરિયામાં ઈરાની ઠેકાણાઓ પર ઈઝરાયેલે હવાઈ હુમલો કર્યો ત્યારથી પશ્ચિમ એશિયામાં કંઈક મોટું થવાની આશંકા હતી. હવે આ આશંકા સાચી સાબિત થઈ છે. ઈરાને ડઝનબંધ ડ્રોન અને મિસાઈલો વડે ઈઝરાયેલ પર હુમલો કર્યો છે. જો કે ઇઝરાયેલના સૈન્ય અધિકારીઓએ માત્ર એક જ સૈન્ય મથકને નજીવું નુકસાન હોવાનો દાવો કર્યો છે. મીડિયા રિપોર્ટ્સ કહે છે કે એક છોકરી ઘાયલ થઈ છે. બીજી તરફ અન્ય એક અહેવાલ મુજબ ઈરાને 185 ડ્રોન દ્વારા ઈઝરાયેલ પર હુમલો કર્યો હતો. આ સાથે તહેરાનથી 110 સરફેસ ટુ સરફેસ મિસાઈલ પણ છોડવામાં આવી હતી. ક્રુઝ મિસાઈલ છોડવાની પણ વાત છે.
ઈરાનની સેનાએ શનિવારે મોડી રાત્રે ભારતીય સમય મુજબ લગભગ 3 વાગ્યે 300 ડ્રોન અને મિસાઈલ વડે ઈઝરાયેલ પર હુમલો કર્યો. ઈઝરાયેલી સેનાએ આ હુમલાની જાણકારી આપી હતી. અમેરિકી સેનાએ કેટલાક ડ્રોન તોડી પાડ્યા છે. ઇઝરાયેલના આયર્ન ડોમે ઇરાન દ્વારા છોડવામાં આવેલી મિસાઇલોને અટકાવી દીધી હતી. મીડિયા રિપોર્ટ્સ અનુસાર ઈરાને ઈઝરાયેલ પરના આ હુમલાને ‘ઓપરેશન ટ્રુ પ્રોમિસ’ નામ આપ્યું છે.
ભારતીય દૂતાવાસે એડવાઈઝરી જારી કરી
ઇઝરાયેલમાં ભારતીય દૂતાવાસે સોશિયલ મીડિયા પર શેર કરેલી એક પોસ્ટમાં લખ્યું છે કે પ્રદેશમાં તાજેતરની સ્થિતિને ધ્યાનમાં રાખીને ઇઝરાયેલમાં રહેતા તમામ ભારતીય નાગરિકોને સલાહ આપવામાં આવે છે કે તેઓ સ્થાનિક વહીવટીતંત્ર દ્વારા આપવામાં આવેલા તમામ સુરક્ષા પ્રોટોકોલનું પાલન કરે. પોસ્ટમાં લખ્યું છે કે દૂતાવાસ પરિસ્થિતિ પર નજીકથી નજર રાખી રહ્યું છે અને અમારા તમામ નાગરિકોની સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે ઇઝરાયેલ સરકાર અને ભારતીય સમુદાયના સંપર્કમાં છે.
ભારતીય નાગરિકોની નોંધણી શરૂ થઈ
ભારતીય દૂતાવાસે ભારતીય નાગરિકો માટે એક લિંક જારી કરી છે જેના પર ભારતીય નાગરિકોને નોંધણી કરાવવા માટે કહેવામાં આવ્યું છે. એવું માનવામાં આવે છે કે જો ઇઝરાયેલમાં સ્થિતિ વધુ ખરાબ થશે તો ભારતીય નાગરિકોને ત્યાંથી બહાર કાઢવાના ભયને ધ્યાનમાં રાખીને આ નોંધણી કરવામાં આવી રહી છે. દૂતાવાસે ભારતીય નાગરિકોને સલાહ આપી છે કે જ્યાં સુધી એકદમ જરૂરી ન હોય ત્યાં સુધી મુસાફરી ન કરો.
ઈરાનમાં ભારતીય દૂતાવાસે હેલ્પલાઈન નંબર જારી કર્યા
પરિસ્થિતિને જોતા ઈરાનમાં ભારતીય દૂતાવાસે હેલ્પલાઈન નંબર પણ જારી કર્યા છે. કોઈપણ ઈમરજન્સીના કિસ્સામાં ઈરાનમાં રહેતા ભારતીય નાગરિકો આ નંબરો પર એમ્બેસીનો સંપર્ક કરી શકે છે. જે નંબર જારી કરવામાં આવ્યા છે તે છે- +989128109115, +98993179567, +989932179359, +98-21-88755103-5.