Sports

પૂણે ટેસ્ટમાં ભારત ભારે સંકટમાંઃ ન્યુઝીલેન્ડની લીડ 300 પાર પહોંચી, હજુ અડધી ટીમની બેટિંગ બાકી

પૂણેઃ ભારત-ન્યુઝીલેન્ડ ટેસ્ટ સિરિઝની અહીં પૂણેના સ્ટેડિયમમાં રમાઈ રહેલી બીજી ટેસ્ટના બીજા દિવસે જ પ્રવાસી ટીમ ન્યુઝીલેન્ડે મેચ પર પ્રભુત્વ જમાવી લીધું છે. ભારતની પહેલી ઈનિંગ 156 પર સમેટાયા બાદ બીજી ઈનિંગ માટે બેટિંગમાં ઉતરેલી ન્યુઝીલેન્ડની ટીમના બેટ્સમેનોએ મક્કમતાપૂર્વક બેટિંગ કરી ભારત પર મોટી લીડ મેળવી લીધી છે.

દિવસના અંતે ન્યુઝીલેન્ડે 5 વિકેટ ગુમાવી 198 રન બનાવી લીધા હતા. આ સાથે જ ન્યુઝીલેન્ડે ભારત પર 301 રનની લીડ મેળવી લીધી છે. હજુ ન્યુઝીલેન્ડની અડધી ટીમની બેટિંગ બાકી છે, ત્યારે આવતીકાલે ત્રીજા દિવસે ન્યુઝીલેન્ડ વધુ રન જોડે તેવી શક્યતા છે, તે જોતાં ભારત માટે આ મેચમાં પરત ફરવું મુશ્કેલ લાગી રહ્યું છે. બીજી ઈનિંગમાં ભારત તરફથી વોશિંગ્ટન સુંદરે 4 અને અશ્વિને 1 વિકેટ લીધી હતી.

આ અગાઉ આજે સવારે ભારતીય બેટ્સમેનો 16/1ના સ્કોરથી આગળ રમવા ઉતર્યા હતા. ગિલ અને જયસ્વાલે સારી શરૂઆત કરી હતી, પરંતુ બાદમાં ગિલ આઉટ થયો હતો. ગિલના આઉટ થયા બાદ કોઈ બેટ્સમેન ટકી શક્યો નહોતો. સતત વિકેટો પડતી રહી હતી અને ભારત 156 પર ઓલ આઉટ થઈ ગયું હતું. ન્યુઝીલેન્ડે પહેલી ઈનિંગમાં 259 રન બનાવ્યા હોય ભારત 103 રન પાછળ રહ્યું હતું. બાદમાં ન્યુઝીલેન્ડના બેટ્સમેનો મેદાનમાં ઉતર્યા હતા. કેપ્ટન લેથમે મક્કમ બેટિંગ પ્રદર્શન દર્શાવતા 86 રન ફટકાર્યા હતા. દિવસના અંતે ટોમબ્લન્ડેલ (30) અને ગ્લેન ફિલિપ્સ (9) રને રમતમાં હતા.

કોહલી ફૂલટોસ બોલ પર બોલ્ડ થયો
પૂણેની સ્પીન ફ્રેન્ડલી પીચ પર ભારતીય બેટ્સમેનો સારું પ્રદર્શન કરશે તેમ માનવામાં આવતું હતું, પરંતુ ભારતનો એકેય બેટ્સમેન ક્રીઝ પર ટકી શક્યો નહોતો. ગિલ થોડા સારા શોટ રમ્યો હતો, પરંતુ તે લાંબુ ટકી શક્યો નહોતો. લગભગ તમામ બેટ્સમેનોએ વિકેટો ફેંકી દીધી હતી. સૌથી ખરાબ રીતે વિરાટ કોહલી આઉટ થયો હતો. સેન્ટનરની ફૂલટોસ બોલ પર કોહલી બોલ્ડ થયો હતો. કારકિર્દીમાં સૌથી ખરાબ રીતે કોહલી આઉટ થયો હતો.

મિચલ સેન્ટનરે 7 વિકેટ લીધી
સ્પીન ફ્રેન્ડલી પીચ પર સ્પીનરોનું પ્રભુત્વ રહ્યું છે. ન્યુઝીલેન્ડની પહેલી ઈનિંગમાં વોશિંગ્ટન સુંદરે 7 અને અશ્વિને 3 વિકેટ લીધી હતી. તો ભારતની પહેલી ઈનિંગમાં ન્યુઝીલેન્ડ તરફથી મિશેલ સેન્ટનરે 7 વિકેટ લીધી હતી. હેનરીના સ્થાને સેન્ટનરને રમાડવામાં આવ્યો હતો. ટીમના નિર્ણયને સેન્ટનરે સાચો સાબિત કર્યો હતો.

Most Popular

To Top