અમદાવાદમાં ભારતની ૧૦૦૦મી એક દિવસીય આંતરરાષ્ટ્રીય મેચ!

આજે ભારતીય ક્રિકેટ ટીમ એક નવો રેકોર્ડ કરવાની છે. નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં વેસ્ટ ઈન્ડિઝ સામે જ્યારે રમવા ઉતરશે ત્યારે તે એક દિવસીય આંતરરાષ્ટ્રીય રમતની 1000મી મેચ રમશે. ભારતીય ટીમ આ સિદ્ધિ મેળવનારી વિશ્વની પ્રથમ ક્રિકેટ ટીમ હશે! આંતરરાષ્ટ્રીય એક દિવસીય ક્રિકેટ સૌ પ્રથમ 5 જાન્યુઆરી 1971ના રમાઈ હતી.   ભારતીય ટીમ 13 જુલાઈ 1974ના રોજ લીડ્ઝમાં ઈંગ્લેન્ડ સામે તેની પ્રથમ ODI રમી હતી. ત્યારથી ભારતની ક્રિકેટ ટીમ 999 વન ડે રમી છે. તેમાંથી ભારતીય ટીમે 518 મેચ જીતી છે. 431 મેચમાં હારનો સામનો કરવો પડ્યો છે. 9 મેચ ટાઈ થઈ છે. ભારતની જીતની ટકાવારી 54.71 છે. જીતમાં 581 મેચ જીતવાનો ઓસ્ટ્રેલિયાનો રેકોર્ડ છે તે પછી ભારતે સૌથી વધુ જીત મેળવી છે. સૌથી વધુ હારમાં શ્રીલંકા 432 મેચ હારી ટોચ પર છે.

ટીમ ઈન્ડિયા હવે વિશ્વ ક્રિકેટમાં પોતાનો સિકકો દરેક પ્રકારની મેચોમાં પાડી ચૂકી છે પણ આ મુકામ સુધી પહોંચતાં ઘણાં પડાવ પર ટીમને સંઘર્ષ કરવો પડ્યો છે. પહેલી વન ડે  48 વરસ પહેલાં ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે 13 જુલાઈ 1974ના હેડિંગલે લીડ્ઝ ખાતે રમાઈ હતી. ભારતના કેપ્ટન ડાબોડી બેટસમેન અજિત વાડેકર હતા. તે 55 ઓવરની મેચ હતી. ટીમમાં ફારૂખ એન્જીનિયર, સુનીલ ગાવસ્કર, અશોક માંકડ, બિશનસિંઘ બેદી, ગુડપ્પા વિશ્વનાથ, આબિદ અલી અને કર્ણાટકથી રણજી ટ્રોફી રમતાં ગુજરાતી ક્રિકેટર બ્રિજેશ પટેલ હતા. પહેલી વન ડે ભારત માટે નવો અનુભવ હતો તેમાં સફળતા ન મળી પણ બ્રિજેશ પટેલના 82 રનનો ફાળો અને એક્સ્ટ્રા કવર પર તેમની ફિલ્ડિંગ યાદગાર બન્યા. બે મેચ હાર્યા પણ બ્રિજેશ પટેલ મેન ઓફ સિરીઝ બન્યા હતા.

જો કે  13 જુલાઈ 2002 ભારતીય ક્રિકેટ ટીમ માટે વન ડેમાં સૌથી મોટી જીતનો દિવસ ગણાય છે. લોર્ડસના મેદાન પર ભારતીય ટીમના કેપ્ટન સૌરવ ગાંગુલીએ ઈંગ્લેન્ડને હરાવી મોટી જીત મેળવી હતી. આ મેચ ખાસ એટલે બની કે ભારતીય ટીમ લક્ષ્યનો પીછો કરવા ઉતરી હતી અને 326 રનનો ટાર્ગેટ સિદ્ધ કર્યો હતો. જેમાં યુવા ખેલાડી યુવરાજ સિંહ અને મહંમદ કૈફની ઝમકદાર બેટિંગને કારણે આ શક્ય બન્યું હતું,વીરેન્દ્ર સહેવાગ અને સૌરવ ગાંગુલીએ સારી શરૂઆત કરી હતી, બંનેની ભાગીદારીમાં પંદર ઓવરમાં ટીમ 100નો આંકડો પાર કરી ગઈ હતી.તે પછી સહેવાગ,ગાંગુલી, દિનેશ મોંગિયા, સચિન તેંડુલકર અને રાહુલ દ્રવિડ સહિત ટોપ પાંચ વિકેટ ફક્ત 40 રનમાં ખખડી ગઈ હતી. જ્યારે ભારતને 26 ઓવરમાં એટલે 156 બોલમાં 180 રન કરવાના હતા ત્યારે યુવા જોડી યુવરાજ સિંહ અને મહંમદ કૈફ મેદાનમાં આવ્યા. યુવરાજ સિંહે 63 બોલમાં નવ ચોગ્ગા અને એક છક્કા સાથે 69 રન કર્યા અને 42 મી ઓવરમાં આઉટ થઈ ગયા. કૈફ અને હરભજનસિંહની જોડીએ સાતમી વિકેટની ભાગીદારીમાં 47 રન જોડયા. ભજ્જી પછી બે બોલ રમી અનિલ કુંબલે પણ સસ્તામાં ગયા.

આ મેચમાં કૈફ 75 બોલમાં છ ચોગ્ગા અને બે છક્કા ઝૂડી આઉટ થયા હતા .ઓગણપચાસમી ઓવરમાં ભારે ઉત્તેજના હતી. ભારતને છ બોલમાં બે રન કરવાના હતા, બે વિકેટ હાથમાં હતી, પહેલાં બે બોલમાં કંઇ મળ્યું નહીં. ઝહીર ખાને ત્રીજો બોલ બેટને અડાડી દોડવાનું શરૂ કર્યું, પહેલો રન ઝડપથી લીધો, બીજો ખોટી દિશામાં થ્રોને કારણે મળ્યો અને ઇતિહાસ રચાઈ ગયો! આ મેચમાં છેલ્લી ઓવરો દરમ્યાન ડ્રેસિંગ રૂમમાં સન્નાટો છવાઈ ગયો હતો પણ મોટી જીત પછી સુકાની સૌરવ ગાંગુલીએ શર્ટ ઉતારી ફૂટબોલના ખેલાડીની જેમ વિજયનો હર્ષ છલકાવ્યો તે પણ એક ઈતિહાસ છે! રન એ ક્રિકેટમાં સ્કોરિંગનું મૂળભૂત માધ્યમ છે. ભારત વતી સચિન તેંડુલકરનો ODIમાં 18246 રન સાથે સૌથી વધુ રન સ્કોર છે, સચિને 463 મેચોમાં  452 દાવ રમ્યા બાદ આ વિક્રમ કર્યો છે. ત્યાર બાદ શ્રીલંકાના કુમાર સંગાકારા 14234 રન સાથે અને ઓસ્ટ્રેલિયાના રિકી પોન્ટિંગ 13704 રન સાથે બીજા ક્રમે છે. વિરાટ કોહલી, રાહુલ દ્રવિડ, સૌરવ ગાંગુલી અને એમ. એસ ધોની એવા અન્ય ભારતીય બેટ્સમેન છે જેમણે ODIમાં 10000 થી વધુ રન બનાવ્યા છે.

2014માં શ્રીલંકાના ભારત પ્રવાસની ચોથી ODIમાં હિટમેન રોહિત શર્માએ સૌથી વધુ વ્યક્તિગત સ્કોર 264 બનાવ્યા છે.  1983 માં ભારતીય ટીમ કપિલ દેવના નેતૃત્વમાં એક દિવસીય મેચોની વર્લ્ડ કપ જીતી. તેમાં એક મેચ ઝિમ્બાબ્વે સામે નેવીલ ગ્રાઉન્ડમાં રમાઈ, જેમાં શરૂઆતમાં ધબડકો થયો. કપિલ દેવે આવી બાજી સંભાળી 72 બોલમાં સદી ફટકારી. વન ડે ક્રિકેટમાં ભારતીય ખેલાડીની આ પ્રથમ સદી હતી! કપિલે કુલ સોળ ચોગ્ગા અને છ છક્કા ફટકારી અણનમ 175 બનાવ્યા, તેમાં પણ વિકેટ કીપર કિરમાણી સાથે નવમી વિકેટની ભાગીદારીમાં 126  રન બનાવ્યા જે એક અતૂટ વિક્રમ છે. વન ડે ક્રિકેટમાં કપિલદેવ ભારતનો શ્રેષ્ઠ ઓલરાઉન્ડર ગણાય છે. ODIમાં બેટિંગમાં એવેરેજમાં વિરાટ કોહલી સૌથી આગળ છે. ત્યાર પછી મહેન્દ્રસિંહ ધોની અને રોહિત શર્મા છે. વનડેમાં સૌથી વધુ રન સચિન તેંડુલકરે કુલ 18426 બનાવ્યા છે.

સદીઓ સચિન તેંડુલકરે 49 ફટકારી છે. વિરાટ કોહલીએ 43 અને રિકી પોન્ટિંગે 30 સદીઓ નોંધાવી છે. સૌથી વધુ અડધી સદી સચિન તેંડુલકરે 69 ફટકારી છે. તેના પછી શ્રીલંકાના કુમાર સંગાકારાએ 93, દક્ષિણ આફ્રિકાના જેક કાલિસે 86 અને ભારતના રાહુલ દ્રવિડ અને પાકિસ્તાનના ઇન્ઝમામ-ઉલ-હકના નામે 83 છે. વન ડેમાં વેસ્ટ ઈન્ડિઝના આન્દ્રે રસેલ સૌથી વધુ સ્ટ્રાઈક રેટનો રેકોર્ડ ધરાવે છે. ઓછામાં ઓછા 500 બોલનો સામનો કરીને ક્વોલિફિકેશન 130.22 સાથે છે. હાર્દિક પંડ્યા સૌથી વધુ સ્ટ્રાઈક રેટ ધરાવતો ભારતીય છે. તેનો સ્ટ્રાઈક રેટ 1083 બોલ સામે 116.98નો છે. સૌથી વધુ વિકેટ લેનાર બોલર શ્રીલંકાના સ્પિનર ​​મુથૈયા મુરલીધરન છે. ODIમાં સનથ જયસૂર્યા 34 વાર શૂન્યમાં આઉટ થયા છે. સચિન તેંડુલકરનો 20 વાર શૂન્યમાં આઉટ થવાનો રેકોર્ડ ધરાવે છે. ત્રણ હેટ્રિક લેનાર એકમાત્ર બોલર શ્રીલંકાના લસિથ મલિંગા છે. ભારતના કુલદીપ યાદવે-એ ફોર્મેટમાં બે હેટ્રિક લીધી છે. વિશ્વના સૌથી મોટા ક્રિકેટ સ્ટેડિયમ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રોહિત સેના એક ખાસ રેકોર્ડ બનાવશે. ભારતીય ક્રિકેટ ટીમ ODI ક્રિકેટના ઈતિહાસમાં અભૂતપૂર્વ રેકોર્ડ કરવા પહોંચી  છે.

 1974 થી 2022 ક્રિકેટના રંગરૂપ જ બદલાઈ ગયાં, આ પહેલાં 1971માં ભારતે ઈંગ્લેન્ડને તેની ધરતી પર હરાવી  પ્રથમ ટેસ્ટ શ્રેણી જીતી હતી. ત્યારે પાંચ દિવસની ક્રિકેટમાં નવયુગનો આરંભ થયો હતો. એક દિવસીય મર્યાદિત ઓવરોની મેચને કારણે રમતમાં રોમાંચની વૃધ્ધિ થઈ. લોકો પાંચ દિવસ મેચ જોવા જાય અને મેચ ડ્રો થઈ જાય તો નિરાશ થઈ જતાં. એક દિવસીય મેચોમાં રમતમાં ગતિ આવી ગઈ. પરિણામલક્ષી મેચોને કારણે આકર્ષણ વધ્યું. ભારતમાં હંમેશાં દર્શકોથી ખચાખચ સ્ટેડિયમ ભરચક રહેતાં, દરેક દેશની ટીમ ભારતમાં રમવા તૈયાર રહેતી. આ વરસે કોરોના નડ્યો નહીં તો દુનિયાના સૌથી વધારે દર્શકોની સંખ્યા નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં જોવા મળત! 1000મી  એકદિવસીય આંતરરાષ્ટ્રીય મેચ રમાશે તે સિદ્ધિ સાથે કેટલી બીજી સિદ્ધિ તેમાં જોડાશે તે જોવાની આતુરતા રહેશે ત્યારે જ તો બંને ટીમોના ખેલાડીઓ કહે છે હેલ્લો અમદાવાદ!
નમસ્કાર અમદાવાદ!!!    – મુકેશ ઠક્કર

Most Popular

To Top