છેલ્લા બે સપ્તાહ કરતા વધુ સમયથી ફરી એક વાર ચીન ચર્ચામાં આવી ગયું છે. ચીન સાથેની હંગામી સરહદ એટલે કે અંકુશ હરોળ પર શાંતિ સ્થપાશે એવી આશાઓ વચ્ચે આ મહિને ફરી એક વાર તંગદીલી વ્યાપી ગઇ છે. આ વખતે તંગદીલી લદાખને બદલે અરૂણાચલ સરહદે શરૂ થઇ છે. નવમી ડિસેમ્બરે અરૂણાચલના તવાંગ સેકટરમાં ભારત અને ચીનના સૈનિકો વચ્ચે જે સંઘર્ષ થયો અને તેમાં બંને દેશોના કેટલાક સૈનિકો ઘાયલ થયા તેના પછી ચીની કબજા હેઠળના તિબેટમાં ભારતના અરૂણાચલ પ્રદેશની સરહદ નજીકના વિસ્તારમાં ચીની હવાઇ દળની ગતિવિધિઓમાં મોટો વધારો થયેલો જોવામાં આવ્યો છે. ભારત અને ચીનના સૈનિકો વચ્ચે હિંસક સંઘર્ષ અરૂણાચલના તવાંગ સેકટરના યાંગત્સે વિસ્તારમાં થયો તેના પછી ચીનના કબજા હેઠળના તિબેટમાં ભારતના અરૂણાચલ પ્રદેશની સીમા નજીકના વિસ્તારમાં ચીનના હવાઇ દળની ગતિવિધિઓ વધી ગઇ છે એવા અહેવાલ આવ્યા છે અને આ અહેવાલોના પુરાવા રૂપે કેટલીક સેટેલાઇટ તસવીરો પણ બહાર આવી છે.
છેલ્લા કેટલાક દિવસથી સંરક્ષણ મંત્રાલય અને લશ્કરમાંના સૂત્રો ચીની હવાઇ દળની આ ગતિવિધિ અંગે અહેવાલ આપી રહ્યા છે. પીપલ્સ લિબરેશન આર્મી(પીએલએ)ની હવાઇ પાંખના યુદ્ધ વિમાનો અને ડ્રોન્સની ગતિવિધિ ચીની કબજા હેઠળના તિબેટમાં અચાનક વધી ગઇ છે. આનો પુરાવો પણ એક ખાનગી સેટેલાઇટ મેપિંગ કંપની મેક્સર દ્વારા લેવામાં આવેલી સેટેલાઇટ ઇમેજીસ પરથી મળ્યો છે. ઉપગ્રહ તસવીરોમાં જોઇ શકાય છે કે સુખોય એસયુ-૨૪ ફાઇટર જેટો, એસયુ-૩૦ એમકેઆઇ ફાઇટર જેટો, ડ્રોનો ઉપરાંત અવાક્સ(એરબોર્ન અર્લી વૉર્નિંગ એન્ડ કન્ટ્રોલ સિસ્ટમ)ને તિબેટના ચાંગડુ બાંગડા એર બેઝ પર તૈનાત કરવામાં આવ્યા છે.
આ ઉપરાંત શેંગજી કેજે-૫૦૦ સિરીઝનું વિમાન પણ દેખાય છે જે ભારતીય ભૂમિદળ અને હવાઇ દળની તૈયારીઓની માહિતી ભેગી કરવા માટે સક્ષમ છે. સોરિંગ ડ્રેગન ડ્રોન તૈનાત કરવામાં આવેલું હોવાનું પણ આ સેટેલાઇટ તસવીરમાં જોઇ શકાય છે. આ પહેલા ૧૧ ડિસેમ્બરે અમેરિકી સંરક્ષણ વેબસાઇટ વૉર ઝોન દ્વારા સેટેલાઇટ ઇમેજીસ જારી કરવામાં આવી હતી જેમાં જોઇ શકાતું હતું કે તિબેટના શિગાત્સે એરપોર્ટ પર ચીનના દસ વિમાનો અને સાત ડ્રોન છે. બાંગડા એર બેઝ અરૂણાચલ સરહદથી માત્ર ૧૫૦ કિલોમીટર દૂર છે. જ્યારે તિબેટના શિગાત્સે અને નાગરીમાં પણ ચીનના પાંચ એરપોર્ટો છે અને તે ભારત-નેપાળ સરહદની નજીક છે.
ચીને ગયા વર્ષે તિબેટના લ્હાસાથી ન્યિંગચી સુધી એક બુલેટ ટ્રેન પણ શરૂ કરી હતી જે ન્યિંગચી અરૂણાચલ પ્રદેશની નજીક છે. આ ટ્રેન ભલે યાત્રી ટ્રેન હોય પણ જરૂર પડ્યે તેના વડે અરૂણાચલ સરહદ નજીક ચીન ઝડપથી પોતાના સૈનિકો મોકલી શકે છે. ચીને ૨૭ ડિસેમ્બરે કેજે-પ૦૦ અર્લી વૉર્નિંટ અને કન્ટ્રોલ વિમાનની સાથો સાથ શિગાત્સે એરપોર્ટ પર ઓછામાં ઓછા ૧૦ ફ્લેન્કર ટાઇપ લડાકુ વિમાનો તૈનાત કર્યા હતા. ઉપગ્રહ તસવીરમાં સોરિંગ ડ્રેગન ઉપરાંત હંગામી વિમાન શેલ્ટરો પણ જોઇ શકાય છે. સોરિંગ ડ્રેગન ચીન ૨૦૨૧માં લશ્કરમાં લાવ્યું હતું જેનો ઉપયોગ દેખરેખ, જાસૂસી અને આક્રમણ માટે કરવામાં આવે છે. તે દસ કલાક જેટલા સમય સુધી ઉડાન ભરી શકે છે.
એમ કહેવામાં આવે છે કે આ ડ્રોન ક્રૂઝ મિસાઇલ એટેક માટે ડેટા પણ ટ્રાન્સફર કરી શકે છે જેથી તે મિસાઇલ જમીન પરના લક્ષ્ય પર ત્રાટકી શકે. ભારત પાસે અત્યારે આ શ્રેણીનું કોઇ ડ્રોન નથી. એક હવાઇ દળ નિષ્ણાતે આ તૈયારીઓ અંગે જણાવ્યું હતું કે ચીનની ડ્રોન ક્ષમતાઓ જોતા લાગે છે કે તેણે ઉત્તર પૂર્વમાં મેકમોહન લાઇન નજીક એક નેટવર્ક ઉભું કરી દીધું છે જે સંપૂર્ણ રીતે સક્રિય છે. ચીન જો કે આ બધું હુમલો કરવા માટે જ કરે છે તેમ કહી શકાય તેમ નથી. બની શકે કે તે ભારતને ચકાસવા માટે પણ આમ કરી રહ્યું હોય પરંતુ તિબેટમાં તેની તૈયારીઓ ભારતીય દળો પર મોટી અસર કરી શકે છે.
ચીનની તૈયારીઓ સામે ભારતીય હવાઇ દળ પણ સતર્ક તો છે જ. ગયા ગુરુ અને શુક્રવારે ભારતીય હવાઇ દળે ચીન સરહદ નજીક યુદ્ધ અભ્યાસ કર્યો હતો જેમાં રાફેલ અને સુખોય જેવા વિમાનોને શામેલ કરવામાં આવ્યા હતા. ચીન અરૂણાચલ પ્રદેશ સાથેની અંકુશ હરોળ પર છેલ્લા કેટલાક સમયથી ઉગ્ર બની રહ્યું છે એવા અહેવાલ અગાઉ હતા જ અને હવે ચીની હવાઇ દળની વધેલી ગતિવિધિઓના અહેવાલો આવ્યા છે. ભારત યુદ્ધ ઇચ્છતું નથી પરંતુ તે ચીનની આવી હરકતો સામે શાંત પણ બેસી રહી શકે તેમ નથી. જે રીતે લડાખમાં ચીની લશ્કરી જમાવટ સામે ભારતીય લશ્કરે પોતાની જમાવટ કરી હતી તે જ રીતે હવે અરૂણાચલ સીમાએ કરવું પડી રહ્યું છે. ચીનની આક્રમકતા સામે ભારતે નાછૂટકે વળતી આક્રમકતા બતાવવી પડે છે.