Columns

ભારતે ટેસ્લા કંપનીની ઇલેક્ટ્રિક કાર માટે પોતાના દરવાજા ખોલી કાઢ્યા છે

ઇલેક્ટ્રિક કારના ઇન્ટરનેશનલ માર્કેટમાં ચીનની કંપની BYD અને અમેરિકન કંપની ટેસ્લા વચ્ચે જોરદાર સ્પર્ધા ચાલી રહી છે. એલોન મસ્કની કંપની ટેસ્લાએ ભારતીય બજારમાં પ્રવેશવા માટે સંપૂર્ણ તૈયારીઓ કરી લીધી છે. ભારત સરકારે પણ ખુલ્લા દિલે તેનું સ્વાગત કર્યું છે. દેશની નીતિમાં ફેરફાર કરીને ટેસ્લા માટે આયાત ડ્યુટી ઘટાડીને ૧૫ ટકા કરવામાં આવી છે. ભારત સરકાર ટેસ્લાને BYD પર જીત મેળવવામાં મદદ કરી રહી છે. એલોન મસ્ક હાલમાં અમેરિકા અને યુરોપમાં બહિષ્કારનો ભોગ બની રહ્યા છે. લોકો ટેસ્લા કાર ખરીદવાનું ટાળી રહ્યા છે. BYD ટેસ્લાના સૌથી મોટા બજાર ચીનમાં આગળ ચાલી રહી છે. આ સંયોગોમાં ૧૪૦ કરોડની વસ્તી ધરાવતા ભારત જેવા દેશના બજારમાં ટેસ્લાનો પ્રવેશ ખૂબ જ મહત્ત્વપૂર્ણ બની જાય છે.

ભારત સરકાર ઘણા સમયથી ટેસ્લાને અહીં ફેક્ટરી સ્થાપવા માટે આગ્રહ કરી રહી છે. ભારત સરકાર દ્વારા ઘડવામાં આવેલી EV નીતિમાં ૧૫ ટકાની આયાત ડ્યુટી પર ઇલેક્ટ્રિક કારની આયાત કરવાની જોગવાઈ કરવામાં આવી છે. આ સાથે બીજી શરત એ છે કે કંપનીએ ત્રણ વર્ષની અંદર ભારતમાં પોતાની ફેક્ટરી અથવા એસેમ્બલી લાઇન સ્થાપવી પડશે. આ માટે તેમણે ઓછામાં ઓછા ૫૦ કરોડ ડૉલરનું રોકાણ પણ કરવું પડશે. બીજી તરફ, ચીનની BYD એ ભારતમાં એક અબજ ડૉલરનું રોકાણ કરવાની યોજના બનાવી છે. ભારત સરકારે ચીન અને તેની કંપનીઓ અંગે એક નીતિ બનાવી છે કે ચીનથી આવતા રોકાણ માટે કેન્દ્ર સરકારની મંજૂરી ફરજિયાત છે.

આનું કારણ એ છે કે ૨૦૨૦થી ભારત અને ચીન વચ્ચે સરહદને લઈને તણાવ ચાલી રહ્યો છે. આ કારણે બંને દેશોના સંબંધોમાં કડવાશ છે. તાજેતરમાં કેન્દ્રીય ઉદ્યોગ મંત્રી પીયૂષ ગોયલે પણ એક ઇન્ટરવ્યૂમાં કહ્યું હતું કે ભારત તેની વ્યૂહરચના અંગે સાવચેત છે, તેથી BYDની ભારતમાં ફેક્ટરી સ્થાપવાની યોજનાને મંજૂરી આપી શકાતી નથી. BYD હાલમાં ભારતમાં ઇલેક્ટ્રિક બસો અને ઇલેક્ટ્રિક કાર વેચે છે. તેણે તાજેતરમાં યોજાયેલા ઓટો એક્સ્પો ૨૦૨૫માં ભારતીય બજારમાં તેની નવી કાર BYD Sealion પણ લોન્ચ કરી છે. ૨૦૨૪માં કંપનીએ ભારતીય બજારમાં ૪૦ ટકાનો વધારો નોંધાવ્યો છે અને ૨,૮૦૦ થી વધુ વાહનો વેચ્યાં છે.

ચીનની ઇલેક્ટ્રિક કાર કંપની BYD એ વૈશ્વિક કાર બજારમાં પોતાનું વર્ચસ્વ વધાર્યું છે. વર્ષ ૨૦૨૫ના પ્રથમ ૩ મહિનામાં BYDના કુલ વેચાણમાં ૬૦ ટકાનો વધારો થયો છે. આ સમયગાળા દરમિયાન આ કંપનીએ ૧૦ લાખથી વધુ EV અને હાઇબ્રિડ કાર વેચી છે, જ્યારે ટેસ્લાનું વેંચાણ ૩.૫ લાખ યુનિટથી ઓછું રહ્યું છે. BYD એ જાન્યુઆરી અને માર્ચ દરમિયાન લગભગ ૪.૧૬ લાખ યુનિટ શુદ્ધ ઇલેક્ટ્રિક કાર વેંચી હતી. આ વેંચાણ ગયાં વર્ષ કરતાં ૩૯ ટકા વધુ છે. કંપનીના વેચાણમાં ૬૦ ટકાનો વધારો થયો છે, જેમાં હાઇબ્રિડ કારનો પણ સમાવેશ થાય છે. જાન્યુઆરીથી માર્ચમાં ટેસ્લાનાં ઇલેક્ટ્રિક વાહનોનું વૈશ્વિક વેચાણ ૩.૩૬ લાખ યુનિટ રહ્યું હતું. ગયાં વર્ષે તે ૩.૮૭ લાખ યુનિટ હતું. આ રીતે ટેસ્લાનાં વેંચાણમાં ૧૩ ટકાનો ઘટાડો થયો છે.

૨૦૨૪ માં BYD એ ભારતમાં ૧ અબજ ડૉલરના રોકાણનો પ્રસ્તાવ મૂક્યો હતો, જેમાં સ્થાનિક ભાગીદાર સાથે મળીને EV પ્લાન્ટ ખોલવાની યોજના હતી, પરંતુ સરકારે તેને મંજૂરી આપી ન હતી. આવી જ એક ઘટના બીજી ચીની કંપની ગ્રેટ વોલ મોટર્સ સાથે બની, જેને નિયમનકારી મંજૂરી મળી ન હતી અને તેને ભારત છોડવું પડ્યું હતું. ભારત સરકારે ચીની કંપની BYD ને અહીં રોકાણ કરતા અટકાવી દીધી છે.

આ પાછળ ત્રણ મુખ્ય કારણો છે, જેમ કે BYDની માલિકીની માહિતી બિલકુલ સ્પષ્ટ નથી. કંપનીના ચીન સરકાર અને સૈન્ય સાથે ગાઢ સંબંધો છે. BYDને ચીન તરફથી નાણાંકીય સહાય અને સબસિડી મળે છે. તાજેતરમાં યોજાયેલા ઓટો એક્સ્પો ૨૦૨૫માં, વિયેતનામની કંપની વિનફાસ્ટે પણ ભારતમાં મોટા રોકાણની જાહેરાત કરી હતી, જેને અત્યાર સુધી કોઈ અવરોધોનો સામનો કરવો પડ્યો નથી. આનાથી સ્પષ્ટ થાય છે કે અન્ય દેશોની કંપનીઓને ચીની કંપનીઓ કરતાં ભારતમાં વધુ સુવિધાઓ મળી રહી છે.

ભારતમાં સંપૂર્ણ રીતે બનેલા યુનિટ્સ (CBUs) પર ૧૦૦ ટકા સુધીની આયાત ડ્યુટી છે, જે વિશ્વના મુખ્ય દેશોમાં સૌથી વધુ છે. અમેરિકા, જર્મની અને ચીન જેવા દેશોમાં તે ઘણી ઓછી છે. આ જ કારણ છે કે ટેસ્લા જેવી કંપનીઓને ભારતમાં વાહનો લાવવામાં મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો હતો. જો કે, હવે ભારત સરકાર અમેરિકા અને યુરોપિયન યુનિયન સાથે મુક્ત વેપાર કરારો પર વાટાઘાટો કરી રહી છે. ભારત ધીમે ધીમે ટેરિફ ઘટાડીને ૧૦% કરવાની તૈયારી કરી રહ્યું છે, પરંતુ સ્થાનિક કંપનીઓ ઇચ્છે છે કે ઓછામાં ઓછો ૩૦% ટેરિફ જાળવી રાખવામાં આવે, જેથી વિદેશી કંપનીઓ સસ્તા ભાવે વાહનો વેચીને તેમને નુકસાન ન પહોંચાડે. ભારતમાં ઊંચી આયાત જકાત સ્થાનિક કંપનીઓને ફાયદો કરાવે છે. ખાસ કરીને EV સેગમેન્ટમાં ટાટા મોટર્સ જેવી કંપનીઓએ ઝડપી પ્રગતિ કરી છે, જે હાલમાં ભારતનાં ઇલેક્ટ્રિક કાર બજારનો લગભગ ૭૦ ટકા હિસ્સો ધરાવે છે. જો સરકાર ટેરિફ હળવી કરે તો ઇલેક્ટ્રિક વાહનોનું ઉત્પાદન કરતી ટાટા મોટર્સ જેવી ભારતીય કંપનીઓને વિદેશી સ્પર્ધાનો સામનો કરવો પડી શકે છે.

એલોન મસ્કની કંપની ટેસ્લાએ મુંબઈ અને દિલ્હીમાં શોરૂમ ખોલ્યા છે. તેમણે તેમની કાર મોડેલ ૩ અને મોડેલ Y માટે ભારતની મંજૂરીની પ્રક્રિયા શરૂ કરી દીધી છે. ટેસ્લાએ તાજેતરમાં મુંબઈમાં એક મોટા ભરતી મેળાનું આયોજન કર્યું હતું, જ્યાં વિવિધ ઘણી કામગીરીઓ માટે લોકોને નોકરી પર રાખવામાં આવ્યા હતા. ભારત સરકારનો હેતુ દેશને ઇલેક્ટ્રિક વાહનોનું વૈશ્વિક ઉત્પાદન કેન્દ્ર બનાવવાનો છે, પરંતુ તેની સામે કેટલાક પડકારો છે. અમેરિકામાં EV આયાત ડ્યુટી ૨.૫% છે, જર્મનીમાં તે ૧૦% છે, પરંતુ ભારતમાં તે ૨૫% સુધી જઈ શકે છે. ભારતમાં શ્રમ અને જમીનનો ખર્ચ ઓછો છે, પરંતુ સરકારી પ્રક્રિયા અને નીતિમાં ઘણી અડચણો છે. ટાટા મોટર્સ અને મહિન્દ્રા જેવા સ્થાનિક ઉત્પાદકો વિદેશી કંપનીઓને કોઈ ટેરિફ મુક્તિ આપવાના વિરોધી છે.

BYD ના વેચાણ પર નજર કરીએ તો કંપનીએ જાન્યુઆરીથી માર્ચ દરમિયાન લગભગ ૪.૧૬ લાખ યુનિટ ફક્ત શુદ્ધ ઇલેક્ટ્રિક કાર વેચી છે. આ વેચાણ ગયા વર્ષ કરતા ૩૯ ટકા વધુ છે. જો હાઇબ્રિડ કારના વેચાણને પણ સામેલ કરવામાં આવે તો આ સમયગાળા દરમિયાન કંપનીના વેચાણમાં ૬૦ ટકાનો વધારો થયો છે. BYD માત્ર કારના વેચાણમાં જ નહીં પરંતુ કમાણીમાં પણ નવા રેકોર્ડ બનાવી રહ્યું છે. ગયા અઠવાડિયે જ, BYD એ અહેવાલ આપ્યો હતો કે ૨૦૨૪ માં તેની વાર્ષિક આવક ૧૦૭ અબજ ડોલર હતી.

જ્યારે ટેસ્લાની આવક ૯૭.૭ અબજ ડોલર હતી. ટેસ્લાના વેચાણમાં વાર્ષિક ધોરણે ૧.૧ ટકાનો ઘટાડો થયો છે, જે કંપનીના ઇતિહાસમાં પહેલી વાર બન્યું છે. ટેસ્લાના વેચાણમાં ઘટાડાનું એક મુખ્ય કારણ એલોન મસ્કનો ડોનાલ્ડ ટ્રમ્પને વધુ પડતો ટેકો, સરકારમાં ડિપાર્ટમેન્ટ ઓફ ગવર્નમેન્ટ એફિશિયન્સી (DOGE) ના ચીફની જવાબદારી સંભાળવી અને મોટા પાયે લોકોને કાઢી મૂકવાનું પણ કહેવાય છે. એલોન મસ્કના આ પગલાંની અમેરિકામાં ખુલ્લેઆમ ટીકા થઈ રહી છે અને લોકો ટેસ્લાના ઉત્પાદનોનો બહિષ્કાર કરી રહ્યા છે.

ચીનની ઇલેક્ટ્રિક વાહન કંપની BYD એ એક ચાર્જિંગ સિસ્ટમ બનાવી છે જે કારને પાંચ જ મિનિટમાં ૪૦૦ કિલોમીટર સુધી ચલાવવા માટે ચાર્જ કરી શકે છે. એટલે કે, તમારી કાર પેટ્રોલ ભરવામાં જેટલો સમય લાગે છે તેટલા જ સમયમાં સંપૂર્ણપણે ચાર્જ થઈ જશે. કંપનીએ તેને સુપર ઇ-પ્લેટફોર્મ નામ આપ્યું છે. સુપર ઇ-પ્લેટફોર્મ ૧,૦૦૦ કિલોવોટની ચાર્જિંગ સપીડ માટે સક્ષમ હશે. ૧,૦૦૦ કિલોવોટ ચાર્જિંગ સ્પીડ ટેસ્લાના સુપરચાર્જર્સ કરતા બમણી છે.

આ સુપરચાર્જર ૫૦૦ કિલોવોટ સુધીની ચાર્જિંગ સ્પીડ આપે છે. BYD નું મોટાભાગનું વેચાણ સ્થાનિક બજારમાં એટલે કે ચીનમાંથી થાય છે. કંપની વૈશ્વિક બજારમાં તેના ઉત્પાદનના માત્ર ૧૦ ટકા નિકાસ કરે છે. ટેસ્લાના વેચાણમાં ઘટાડાની અસર તેના શેરના ભાવ પર પણ દેખાય છે. બુધવારે અમેરિકામાં શેરબજાર ખુલતાની સાથે જ ટેસ્લાના શેરના ભાવ ૬% ઘટ્યા હતા. જો ટેસ્લા કંપની ભારતમાં તેનો મજબૂત પગદંડો જમાવી દેશે તો દેશની EV કંપનીઓની હાલત પણ ખરાબ થઈ જશે.

Most Popular

To Top