પાકિસ્તાનના ભૂતપૂર્વ વડા પ્રધાન ઇમરાન ખાને જતાં જતાં એક નિવેદન કર્યું હતું કે ભારત સામે કોઈ દેશ દાદાગીરી કરી શકતા નથી અને પોતાની શરત લાદી શકતા નથી, જ્યારે પાકિસ્તાનને જગતના દેશો દબાવે છે. ઇમરાન ખાનના આ નિવેદનથી આપણે બહુ પોરસાવાની જરૂર નથી, કારણ કે તેમનું આ નિવેદન રાજકીય હતું. ઇમરાન ખાન પાકિસ્તાનની જનતાને એમ કહેવા માગતા હતા કે પાકિસ્તાન અમેરિકાનું ગુલામ છે અને અમેરિકાની દાદાગીરી સામે લાચારી ભોગવે છે. તેઓ પાકિસ્તાનને અમેરિકાની દાયકાઓ જૂની જોહુકમીથી બચાવવા માગતા હતા અને માટે અમેરિકાને ઇશારે તેમની સામે રાજકીય પક્ષોએ ભેગા મળીને કાવતરું કર્યું છે અને અવિશ્વાસનો પ્રસ્તાવ લાવીને કાઢવાનો પ્રયાસ કરી રહ્યા છે. સત્તાના રાજકારણમાં આ કોઈ નવી વાત નથી. સત્તાધીશો જ્યારે સુરક્ષિત હોય ત્યારે પોતે, આપણો દેશ અને આપણી પ્રજા મહાન અને પ્રતિકૂળતા પેદા થાય, વિદેશી કાવતરાંની વાતો કરીને દયામણા બનવાની કોશિશ કરતા હોય છે. જરૂર પડે તો દુશ્મન દેશને પણ આપણા કરતાં મહાન ચિતરવામાં તેઓ છોછ અનુભવતા નથી. ઇમરાન ખાનનો ભારત માટેનો આદર આ પ્રકારનો છે. ભારતમાં ઇન્દિરા ગાંધી પણ કાવતરાંની થીયરીનો આશરો લેતાં હતાં.
મુદ્દો એ છે કે ભારત સામે કોઈ દેશ દાદાગીરી કરી શકતા નથી કે પોતાની શરત લાદી શકતા નથી એ વાત સાચી છે ખરી? ઇમરાન ખાનની આ વાત આંશિક પ્રમાણમાં સાચી છે અને આંશિક પ્રમાણમાં ખોટી પણ છે. આ જગતમાં એવો એક પણ દેશ નથી જે રાજકીય મજબૂરી ન ધરાવતો હોય. અમેરિકા પણ નહીં. દરેક દેશોનો પોતાનો સ્વાર્થ હોય છે અને સ્વાર્થ સાધવા સમાધાનો કરતા હોય છે. અમેરિકાએ પાકિસ્તાનના સરમુખત્યારોની, લશ્કરી અધિકારીઓની, આઇએસઆઇના અમલદારોની, મૂળભૂતવાદી મુસ્લિમ નેતાઓની અને ત્રાસવાદીઓની સુદ્ધાં દાદાગીરી ચલાવી લીધી હતી; કારણ કે તેમાં અમેરિકાનો સ્વાર્થ હતો. અમેરિકાએ માત્ર પાકિસ્તાન નહીં, જગતના બીજા અનેક દેશોના ગામના ઉતાર જેવા શાસકોની દાદાગીરી સહન કરી હતી. આમ જગતમાં એવો એક પણ દેશ નથી જે આંતરરાષ્ટ્રીય સંબંધોમાં સમાધાન ન કરતો હોય. ભારતની વાત કરીએ તો ભારત રશિયા-યુક્રેન યુદ્ધમાં મૂંઝવણનો સામનો કરી રહ્યું છે અને ઉઘાડેછોગ રશિયાની ટીકા કરી શકતું નથી. ભારતની મજબૂરી ચીન છે અને ભારત લાચારી અનુભવી રહ્યું છે. આ પહેલાં પણ ભારતે અનેક વેળાએ આવી મુંઝવણનો સામનો કર્યો હતો. ભારતે પ્રમાણમાં અશક્ત પાડોશી દેશોના પણ લાડ ચલાવી લેવા પડ્યા છે. આમ છતાં એક વાત સાચી છે કે ભારતે પોતાની ભૂમિનો બીજા દેશોના રાજકીય સ્વાર્થ માટે ઉપયોગ થવા દીધો નથી અને એ ભારતની સફળતા છે.
ભારતને આઝાદી મળી તેની પૂર્વસંધ્યાએ ભારતના નેતાઓએ એશિયન દેશોની પરિષદ દિલ્હીમાં બોલાવી હતી. દક્ષિણ, પૂર્વ અને અગ્નિ એશિયાના દેશો પ્રમાણમાં સાંસ્કૃતિક રીતે નજદીકી ધરાવે છે. બૌદ્ધ ધર્મ જોડનારું પરિબળ છે. આ ઉપરાંત આમાંના મોટા ભાગના દેશો યુરોપિયન દેશોની ગુલામી ભોગવતા હતા અને ભારત પાસેથી પ્રેરણા મેળવીને આઝાદી માટે લડતા હતા. શોષણનો ઈતિહાસ સમાન હતો અને આઝાદી પછી લોકતાંત્રિક સમાજરચનાનાં અરમાનો પણ સમાન હતાં. પહેલી પરિષદને તો ભવ્ય સફળતા મળી હતી, પરંતુ પછી ધીરે ધીરે ધ્યાનમાં આવ્યું હતું કે દરેક દેશની પોતાની મજબૂરી હતી, પોતાના એજન્ડા હતા, પોતાના દુશ્મનો હતા અને બાહ્ય દબાણોનો સામનો કરવાની પોતપોતાની ક્ષમતા હતી. ભારતના વડા પ્રધાન જવાહરલાલ નેહરુએ દબાવમુક્ત રહેવાની અને પોતાનો માર્ગ પોતે કંડારવાની સલાહ આપી હોવા છતાં એશિયાના મોટા ભાગના દેશોએ એ સમયે સોવિયેત રશિયા અથવા અમેરિકાની આંગળી પકડી લીધી હતી.
એવું નહોતું કે ભારત સામે કોઈ પ્રશ્નો નહોતા. અનાજના અભાવમાં લોકોનું પેટ ભારવાની સમસ્યા એ સમયે ભારતની સૌથી મોટી મજબૂરી હતી. અમેરિકનોએ તો અનેક વાર ઈશારો કર્યો હતો કે અમારી આંગળી પકડી લો, કોઈને ભૂખ્યા મરવા નહીં દઈએ. આંગળી પકડવાનો અર્થ એ થતો હતો કે અમેરિકાનો જે કોઈ રાજકીય સ્વાર્થ હોય એમાં ભારતે સાથ આપવાનો. અમેરિકા જો સામ્યવાદી રશિયા અને સામ્યવાદી ચીન સામે ભારતની ભૂમિનો ઉપયોગ કરવા માગતું હોય તો કરવા દેવાની. ભારતે ઘસીને ના પાડી દીધી હતી. આ જગતમાં કોઈ કોઈને મફતમાં કશું આપતું નથી અને સંકટ વખતે કોઈની આંગળી પકડી લેવાનો આસાન માર્ગ સરવાળે મોંઘો પડતો હોય છે, એટલું સમજવા જેટલી સમજ જવાહરલાલ નેહરુમાં હતી. એ સમયના કોંગ્રેસના જમણેરી નેતાઓમાંના કેટલાકનો આગ્રહ હતો કે ભારતે અમેરિકાની નજીક જવું જોઈએ તો કોંગ્રેસના ડાબેરી નેતાઓનો આગ્રહ હતો કે ભારતે રશિયાની નજીક જવું જોઈએ.
આગળ કહ્યું એમ આનો અર્થ એવો નથી કે ભારતે ક્યારેય સમાધાનો કર્યાં નથી. ભારતે અમેરિકા-રશિયા વચ્ચે અને બીજા અનેક દેશો વચ્ચે પક્ષપાત કર્યા છે. ક્યારેક ગોળગોળ ભૂમિકા લીધી છે અને ક્યારેક ચૂપ પણ રહ્યું છે. અત્યારે જેમ રશિયાએ યુક્રેન ઉપર હુમલો કર્યો છે અને ભારત ઉઘાડી રીતે રશિયાની ટીકા કરી શકતું નથી એમ જ ભૂતકાળમાં રશિયાએ જ્યારે ચેકોસ્લોવેકિયા અને અફઘાનિસ્તાન ઉપર હુમલા કર્યા ત્યારે ભારતે રશિયાની ઉઘાડી ટીકા નહોતી કરી. ભારતની વિદેશનીતિ ક્યારેય તેના દરેક અર્થમાં સ્વતંત્ર અને બિનપક્ષપાતી તટસ્થ નહોતી. પણ હા, ભારતે એક વાતનું ધ્યાન રાખ્યું હતું કે મજબુરી ગમે તેવડી મોટી હોય અને દુશ્મન દેશને સીધો કરવાની લાલચ ગમે તેવડી મોટી હોય, ક્યારેય કોઈ દેશને પોતાની ભૂમિનો ઉપયોગ કરવા દેવો નહીં. આ લક્ષ્મણરેખા ભારતે ક્યારેય ઓળંગી નથી અને એ ભારતની સિદ્ધિ છે. જો ભારત અમેરિકા કે રશિયાના ખોળામાં બેસી ગયું હોત તો શક્ય છે કે ભારત પાકિસ્તાનને કચડી શક્યું હોત પણ બીજી એનાથી મોટી શક્યતા એ હતી કે પાકિસ્તાન સામેના બીજા દેશના ખોળામાં બેસી ગયું હોત અને દક્ષિણ એશિયાની ભૂમિ મહાસત્તાઓની રણભૂમિ બની ગયું હોત.
રશિયા અને અમેરિકાએ ભારતને ખોળે બેસાડવાની પહેલી તક આપી હતી. ભારતે જ્યારે ખોળે બેસવાની ના પાડી ત્યારે અમેરિકા માટે બીજી પસંદગી પાકિસ્તાન હતી. પાકિસ્તાન અમેરિકાને ખોળે બેસી ગયું, પણ ભારતે રશિયાનો ખોળો સેવ્યો નહોતો. એમાં કોઈ શંકા નથી કે પાકિસ્તાન અમેરિકાને ખોળે બેસી ગયું તેને પરિણામે ભારતે રશિયાની બાબતે કૂણું વલણ અપનાવવું પડ્યું હતું, પણ રશિયાને ખોળે બેસવાની ભારતે ના પાડી દીધી હતી. ખોળે બેસવાનો અર્થ ભારતની ભૂમિનો રશિયા ઉપયોગ કરે. ગુસ્સો તો ઘણો હતો પાકિસ્તાન સામે, પણ તેને કાબૂમાં રાખીને વિવેક જાળવવામાં આવ્યો હતો. ભારતની કોઈ સિદ્ધિ હોય તો એ આ છે અને તેનું શ્રેય જવાહરલાલ નેહરુને જાય છે. લડતાં આખલાઓની લડાઈમાં પ્રત્યક્ષ ભાગીદાર બનવાનું ન હોય.
૧૯૪૭ માં જેમ ભારત સામે મજબૂરી હતી એમ પાકિસ્તાન સામે પણ હતી. આગળ કહ્યું એમ તાજા સ્વતંત્ર થયેલા કે થઈ રહેલા બીજા બધા જ દેશો સામે પોતપોતાની મજબૂરીઓ હતી. પણ જે તે મહાસત્તાને ખોળે બેસવા પાછળનું સૌથી મોટું પરિબળ તો ઈર્ષા અને દ્વેષ હતાં. હું મરું પણ તને રાંડ કરું એ ન્યાયે ભારત સામે વેર વાળવા પાકિસ્તાને અમેરિકાનો ખોળો સેવ્યો હતો. પાકિસ્તાનની આજે જે હાલત છે એ ભારત પ્રત્યેની ઈર્ષા અને દ્વેષ છે. અમેરિકાને ખોળે બેસવાનો ટૂંકો રસ્તો અપનાવ્યો અને બરબાદ થઈ ગયું. આ બાજુ ભારતે પાકિસ્તાન અમેરિકાને ખોળે બેસી ગયું એ પછી પણ રશિયાની આંગળી નહોતી પકડી, ખોળે બેસવું તો બહુ દૂરની વાત છે.
જવાહરલાલ નેહરુએ જગતના બીજા કેટલાક દેશોના નેતાઓ સાથે મળીને અમેરિકા અને રશિયાથી સમાન અંતર રાખનારા કે રાખવું જોઈએ એવું માનનારા દેશોનો એક બ્લોક રચ્યો હતો. અંતર તો સમાન નહોતું અને એ શક્ય પણ નહોતું, પણ આ દેશોએ રશિયા અને અમેરિકાને પોતાની ભૂમિ ઉપયોગ કરવા નહોતી આપી. આમાં ભારત અગ્રેસર હતું અને માટે ભારત જગતમાં પ્રતિષ્ઠા ધરાવે છે. હવે ઇમરાન ખાનની વાત. ઇમરાન ખાન પાકિસ્તાનને અમેરિકાના ખોળાથી મુક્ત કરવા નથી માગતા, ખોળો બદલવા માગે છે. તેમને એમ લાગે છે કે અત્યારે ચીન અને રશિયા (મુખ્યત્વે ચીન) ના ખોળામાં બેસવામાં વધારે લાભ છે. પહેલાંની માફક જ નિશાન તો ભારત જ છે. જો ચીનના ખોળામાં બેસી જઈએ તો ચીન દ્વારા ૧૯૭૧ નું બંગલા દેશનું વેર વાળી શકાય. એ જ માનસિકતા જે ૧૯૪૭ પછીનાં વર્ષોમાં હતી. તો આમાંથી ધડો શું લીધો? એટલો જ કે જો પોતાના પગ ઉપર ઊભા રહેવું હોય અને પ્રતિષ્ઠા રળવી હોય તો ઈર્ષા અને દ્વેષથી પ્રેરાઈને ટૂંકા રસ્તા અપનાવવાનું ટાળવું જોઈએ અને તેને માટે જરૂરી છે સંયમ, વિવેક અને ધૈર્ય. -આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.
પાકિસ્તાનના ભૂતપૂર્વ વડા પ્રધાન ઇમરાન ખાને જતાં જતાં એક નિવેદન કર્યું હતું કે ભારત સામે કોઈ દેશ દાદાગીરી કરી શકતા નથી અને પોતાની શરત લાદી શકતા નથી, જ્યારે પાકિસ્તાનને જગતના દેશો દબાવે છે. ઇમરાન ખાનના આ નિવેદનથી આપણે બહુ પોરસાવાની જરૂર નથી, કારણ કે તેમનું આ નિવેદન રાજકીય હતું. ઇમરાન ખાન પાકિસ્તાનની જનતાને એમ કહેવા માગતા હતા કે પાકિસ્તાન અમેરિકાનું ગુલામ છે અને અમેરિકાની દાદાગીરી સામે લાચારી ભોગવે છે. તેઓ પાકિસ્તાનને અમેરિકાની દાયકાઓ જૂની જોહુકમીથી બચાવવા માગતા હતા અને માટે અમેરિકાને ઇશારે તેમની સામે રાજકીય પક્ષોએ ભેગા મળીને કાવતરું કર્યું છે અને અવિશ્વાસનો પ્રસ્તાવ લાવીને કાઢવાનો પ્રયાસ કરી રહ્યા છે. સત્તાના રાજકારણમાં આ કોઈ નવી વાત નથી. સત્તાધીશો જ્યારે સુરક્ષિત હોય ત્યારે પોતે, આપણો દેશ અને આપણી પ્રજા મહાન અને પ્રતિકૂળતા પેદા થાય, વિદેશી કાવતરાંની વાતો કરીને દયામણા બનવાની કોશિશ કરતા હોય છે. જરૂર પડે તો દુશ્મન દેશને પણ આપણા કરતાં મહાન ચિતરવામાં તેઓ છોછ અનુભવતા નથી. ઇમરાન ખાનનો ભારત માટેનો આદર આ પ્રકારનો છે. ભારતમાં ઇન્દિરા ગાંધી પણ કાવતરાંની થીયરીનો આશરો લેતાં હતાં.
મુદ્દો એ છે કે ભારત સામે કોઈ દેશ દાદાગીરી કરી શકતા નથી કે પોતાની શરત લાદી શકતા નથી એ વાત સાચી છે ખરી? ઇમરાન ખાનની આ વાત આંશિક પ્રમાણમાં સાચી છે અને આંશિક પ્રમાણમાં ખોટી પણ છે. આ જગતમાં એવો એક પણ દેશ નથી જે રાજકીય મજબૂરી ન ધરાવતો હોય. અમેરિકા પણ નહીં. દરેક દેશોનો પોતાનો સ્વાર્થ હોય છે અને સ્વાર્થ સાધવા સમાધાનો કરતા હોય છે. અમેરિકાએ પાકિસ્તાનના સરમુખત્યારોની, લશ્કરી અધિકારીઓની, આઇએસઆઇના અમલદારોની, મૂળભૂતવાદી મુસ્લિમ નેતાઓની અને ત્રાસવાદીઓની સુદ્ધાં દાદાગીરી ચલાવી લીધી હતી; કારણ કે તેમાં અમેરિકાનો સ્વાર્થ હતો. અમેરિકાએ માત્ર પાકિસ્તાન નહીં, જગતના બીજા અનેક દેશોના ગામના ઉતાર જેવા શાસકોની દાદાગીરી સહન કરી હતી. આમ જગતમાં એવો એક પણ દેશ નથી જે આંતરરાષ્ટ્રીય સંબંધોમાં સમાધાન ન કરતો હોય. ભારતની વાત કરીએ તો ભારત રશિયા-યુક્રેન યુદ્ધમાં મૂંઝવણનો સામનો કરી રહ્યું છે અને ઉઘાડેછોગ રશિયાની ટીકા કરી શકતું નથી. ભારતની મજબૂરી ચીન છે અને ભારત લાચારી અનુભવી રહ્યું છે. આ પહેલાં પણ ભારતે અનેક વેળાએ આવી મુંઝવણનો સામનો કર્યો હતો. ભારતે પ્રમાણમાં અશક્ત પાડોશી દેશોના પણ લાડ ચલાવી લેવા પડ્યા છે. આમ છતાં એક વાત સાચી છે કે ભારતે પોતાની ભૂમિનો બીજા દેશોના રાજકીય સ્વાર્થ માટે ઉપયોગ થવા દીધો નથી અને એ ભારતની સફળતા છે.
ભારતને આઝાદી મળી તેની પૂર્વસંધ્યાએ ભારતના નેતાઓએ એશિયન દેશોની પરિષદ દિલ્હીમાં બોલાવી હતી. દક્ષિણ, પૂર્વ અને અગ્નિ એશિયાના દેશો પ્રમાણમાં સાંસ્કૃતિક રીતે નજદીકી ધરાવે છે. બૌદ્ધ ધર્મ જોડનારું પરિબળ છે. આ ઉપરાંત આમાંના મોટા ભાગના દેશો યુરોપિયન દેશોની ગુલામી ભોગવતા હતા અને ભારત પાસેથી પ્રેરણા મેળવીને આઝાદી માટે લડતા હતા. શોષણનો ઈતિહાસ સમાન હતો અને આઝાદી પછી લોકતાંત્રિક સમાજરચનાનાં અરમાનો પણ સમાન હતાં. પહેલી પરિષદને તો ભવ્ય સફળતા મળી હતી, પરંતુ પછી ધીરે ધીરે ધ્યાનમાં આવ્યું હતું કે દરેક દેશની પોતાની મજબૂરી હતી, પોતાના એજન્ડા હતા, પોતાના દુશ્મનો હતા અને બાહ્ય દબાણોનો સામનો કરવાની પોતપોતાની ક્ષમતા હતી. ભારતના વડા પ્રધાન જવાહરલાલ નેહરુએ દબાવમુક્ત રહેવાની અને પોતાનો માર્ગ પોતે કંડારવાની સલાહ આપી હોવા છતાં એશિયાના મોટા ભાગના દેશોએ એ સમયે સોવિયેત રશિયા અથવા અમેરિકાની આંગળી પકડી લીધી હતી.
એવું નહોતું કે ભારત સામે કોઈ પ્રશ્નો નહોતા. અનાજના અભાવમાં લોકોનું પેટ ભારવાની સમસ્યા એ સમયે ભારતની સૌથી મોટી મજબૂરી હતી. અમેરિકનોએ તો અનેક વાર ઈશારો કર્યો હતો કે અમારી આંગળી પકડી લો, કોઈને ભૂખ્યા મરવા નહીં દઈએ. આંગળી પકડવાનો અર્થ એ થતો હતો કે અમેરિકાનો જે કોઈ રાજકીય સ્વાર્થ હોય એમાં ભારતે સાથ આપવાનો. અમેરિકા જો સામ્યવાદી રશિયા અને સામ્યવાદી ચીન સામે ભારતની ભૂમિનો ઉપયોગ કરવા માગતું હોય તો કરવા દેવાની. ભારતે ઘસીને ના પાડી દીધી હતી. આ જગતમાં કોઈ કોઈને મફતમાં કશું આપતું નથી અને સંકટ વખતે કોઈની આંગળી પકડી લેવાનો આસાન માર્ગ સરવાળે મોંઘો પડતો હોય છે, એટલું સમજવા જેટલી સમજ જવાહરલાલ નેહરુમાં હતી. એ સમયના કોંગ્રેસના જમણેરી નેતાઓમાંના કેટલાકનો આગ્રહ હતો કે ભારતે અમેરિકાની નજીક જવું જોઈએ તો કોંગ્રેસના ડાબેરી નેતાઓનો આગ્રહ હતો કે ભારતે રશિયાની નજીક જવું જોઈએ.
આગળ કહ્યું એમ આનો અર્થ એવો નથી કે ભારતે ક્યારેય સમાધાનો કર્યાં નથી. ભારતે અમેરિકા-રશિયા વચ્ચે અને બીજા અનેક દેશો વચ્ચે પક્ષપાત કર્યા છે. ક્યારેક ગોળગોળ ભૂમિકા લીધી છે અને ક્યારેક ચૂપ પણ રહ્યું છે. અત્યારે જેમ રશિયાએ યુક્રેન ઉપર હુમલો કર્યો છે અને ભારત ઉઘાડી રીતે રશિયાની ટીકા કરી શકતું નથી એમ જ ભૂતકાળમાં રશિયાએ જ્યારે ચેકોસ્લોવેકિયા અને અફઘાનિસ્તાન ઉપર હુમલા કર્યા ત્યારે ભારતે રશિયાની ઉઘાડી ટીકા નહોતી કરી. ભારતની વિદેશનીતિ ક્યારેય તેના દરેક અર્થમાં સ્વતંત્ર અને બિનપક્ષપાતી તટસ્થ નહોતી. પણ હા, ભારતે એક વાતનું ધ્યાન રાખ્યું હતું કે મજબુરી ગમે તેવડી મોટી હોય અને દુશ્મન દેશને સીધો કરવાની લાલચ ગમે તેવડી મોટી હોય, ક્યારેય કોઈ દેશને પોતાની ભૂમિનો ઉપયોગ કરવા દેવો નહીં. આ લક્ષ્મણરેખા ભારતે ક્યારેય ઓળંગી નથી અને એ ભારતની સિદ્ધિ છે. જો ભારત અમેરિકા કે રશિયાના ખોળામાં બેસી ગયું હોત તો શક્ય છે કે ભારત પાકિસ્તાનને કચડી શક્યું હોત પણ બીજી એનાથી મોટી શક્યતા એ હતી કે પાકિસ્તાન સામેના બીજા દેશના ખોળામાં બેસી ગયું હોત અને દક્ષિણ એશિયાની ભૂમિ મહાસત્તાઓની રણભૂમિ બની ગયું હોત.
રશિયા અને અમેરિકાએ ભારતને ખોળે બેસાડવાની પહેલી તક આપી હતી. ભારતે જ્યારે ખોળે બેસવાની ના પાડી ત્યારે અમેરિકા માટે બીજી પસંદગી પાકિસ્તાન હતી. પાકિસ્તાન અમેરિકાને ખોળે બેસી ગયું, પણ ભારતે રશિયાનો ખોળો સેવ્યો નહોતો. એમાં કોઈ શંકા નથી કે પાકિસ્તાન અમેરિકાને ખોળે બેસી ગયું તેને પરિણામે ભારતે રશિયાની બાબતે કૂણું વલણ અપનાવવું પડ્યું હતું, પણ રશિયાને ખોળે બેસવાની ભારતે ના પાડી દીધી હતી. ખોળે બેસવાનો અર્થ ભારતની ભૂમિનો રશિયા ઉપયોગ કરે. ગુસ્સો તો ઘણો હતો પાકિસ્તાન સામે, પણ તેને કાબૂમાં રાખીને વિવેક જાળવવામાં આવ્યો હતો. ભારતની કોઈ સિદ્ધિ હોય તો એ આ છે અને તેનું શ્રેય જવાહરલાલ નેહરુને જાય છે. લડતાં આખલાઓની લડાઈમાં પ્રત્યક્ષ ભાગીદાર બનવાનું ન હોય.
૧૯૪૭ માં જેમ ભારત સામે મજબૂરી હતી એમ પાકિસ્તાન સામે પણ હતી. આગળ કહ્યું એમ તાજા સ્વતંત્ર થયેલા કે થઈ રહેલા બીજા બધા જ દેશો સામે પોતપોતાની મજબૂરીઓ હતી. પણ જે તે મહાસત્તાને ખોળે બેસવા પાછળનું સૌથી મોટું પરિબળ તો ઈર્ષા અને દ્વેષ હતાં. હું મરું પણ તને રાંડ કરું એ ન્યાયે ભારત સામે વેર વાળવા પાકિસ્તાને અમેરિકાનો ખોળો સેવ્યો હતો. પાકિસ્તાનની આજે જે હાલત છે એ ભારત પ્રત્યેની ઈર્ષા અને દ્વેષ છે. અમેરિકાને ખોળે બેસવાનો ટૂંકો રસ્તો અપનાવ્યો અને બરબાદ થઈ ગયું. આ બાજુ ભારતે પાકિસ્તાન અમેરિકાને ખોળે બેસી ગયું એ પછી પણ રશિયાની આંગળી નહોતી પકડી, ખોળે બેસવું તો બહુ દૂરની વાત છે.
જવાહરલાલ નેહરુએ જગતના બીજા કેટલાક દેશોના નેતાઓ સાથે મળીને અમેરિકા અને રશિયાથી સમાન અંતર રાખનારા કે રાખવું જોઈએ એવું માનનારા દેશોનો એક બ્લોક રચ્યો હતો. અંતર તો સમાન નહોતું અને એ શક્ય પણ નહોતું, પણ આ દેશોએ રશિયા અને અમેરિકાને પોતાની ભૂમિ ઉપયોગ કરવા નહોતી આપી. આમાં ભારત અગ્રેસર હતું અને માટે ભારત જગતમાં પ્રતિષ્ઠા ધરાવે છે. હવે ઇમરાન ખાનની વાત. ઇમરાન ખાન પાકિસ્તાનને અમેરિકાના ખોળાથી મુક્ત કરવા નથી માગતા, ખોળો બદલવા માગે છે. તેમને એમ લાગે છે કે અત્યારે ચીન અને રશિયા (મુખ્યત્વે ચીન) ના ખોળામાં બેસવામાં વધારે લાભ છે. પહેલાંની માફક જ નિશાન તો ભારત જ છે. જો ચીનના ખોળામાં બેસી જઈએ તો ચીન દ્વારા ૧૯૭૧ નું બંગલા દેશનું વેર વાળી શકાય. એ જ માનસિકતા જે ૧૯૪૭ પછીનાં વર્ષોમાં હતી. તો આમાંથી ધડો શું લીધો? એટલો જ કે જો પોતાના પગ ઉપર ઊભા રહેવું હોય અને પ્રતિષ્ઠા રળવી હોય તો ઈર્ષા અને દ્વેષથી પ્રેરાઈને ટૂંકા રસ્તા અપનાવવાનું ટાળવું જોઈએ અને તેને માટે જરૂરી છે સંયમ, વિવેક અને ધૈર્ય.
-આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.