National

ભારત પાસે પાકિસ્તાન કરતાં વધુ અણુ શસ્ત્રો, અમેરિકા અને રશિયા પાસે કેટલાં છે જાણો…

કોપનહેગન (ડેનમાર્ક): ભારત પાસે પાકિસ્તાન કરતાં વધુ પરમાણુ શસ્ત્રો છે, જ્યારે ચીને તેના અણુ શસ્ત્રો જાન્યુઆરી 2023માં 410થી વધારીને જાન્યુઆરી 2024માં 500 કરી દીધા છે, એમ થિંક-ટેંકના અહેવાલમાં કહેવાયું હતું.

  • નવ અણુ સજ્જ દેશોએ વર્ષ 2023માં પોતાના શસ્ત્રાગાર પર કુલ 91.4 બિલિયન ડોલરનો ખર્ચો કર્યો
  • સૌથી વધુ ખર્ચ અમેરિકાએ કર્યો ત્યારબાદ ચીન અને રશિયાનો ક્રમ આવે છે

અહેવાલ મુજબ, રશિયા અને અમેરિકા પાસે તમામ પરમાણુ શસ્ત્રોનો 90 ટકા હિસ્સો છે. લગભગ 2,100 અણુ શસ્ત્રો જેમાં મોટાભાગે અમેરિકા અને રશિયાના હતા, બેલિસ્ટિક મિસાઇલો પર ઉચ્ચ ઓપરેશનલ એલર્ટની સ્થિતિમાં રાખવામાં આવ્યા છે. ચીને પણ પ્રથમ વખત કેટલાક અણુ શસ્ત્રોને હાઈ ઓપરેશનલ એલર્ટ પર રાખ્યા છે.

અહેવાલમાં કહેવામાં આવ્યું છે કે જાન્યુઆરી 2024 મુજબ ભારત પાસે 172 ‘સંગ્રહિત’ અણુ હથિયાર છે, જે પાકિસ્તાન કરતા બે વધુ છે. ભારતે 2023માં તેના પરમાણુ શસ્ત્રાગારમાં નજીવો વધારો કર્યો છે. બંને દેશોએ 2023માં નવા પ્રકારની પરમાણુ વિતરણ પ્રણાલી વિકસાવવાનું ચાલુ રાખ્યું હતું.

અહેવાલ મુજબ, પાકિસ્તાન ભારતના પરમાણુ પ્રતિરોધકનું મુખ્ય કેન્દ્ર રહ્યું છે, ત્યારે ભારત લાંબા અંતરના શસ્ત્રો પર ભાર મૂકે છે, જેમાં સમગ્ર ચીન સુધી પહોંચવામાં સક્ષમ શસ્ત્રો સામેલ છે.’

ભારત, પાકિસ્તાન અને ઉત્તર કોરિયા બેલેસ્ટિક મિસાઇલો પર બહુવિધ વોરહેડ્સ તૈનાત કરવામાં રશિયા અને અમેરિકાના પગલે ચાલી રહ્યા છે. ચીન તેના પરમાણુ શસ્ત્રાગારને અન્ય કોઈ પણ દેશ કરતાં વધુ ઝડપથી વિસ્તરણ કરી રહ્યું છે.

અણુ સજ્જ દેશોનો અણુ શસ્ત્રો પરનો ખર્ચ વધ્યો: વોચડોગ
વિશ્વના નવ પરમાણુ-સશસ્ત્ર દેશો તેમના પરમાણુ શસ્ત્રોનું આધુનિકીકરણ કરવાનું ચાલુ રાખી રહ્યા છે જ્યારે આ દેશોએ 2023માં આવા શસ્ત્રો પર તેમની નિર્ભરતા વધુ ઊંડી બનાવી છે, એમ એક સ્વીડિશ થિંક ટેન્કે સોમવારે જણાવ્યું હતું. આ નવ દેશોમાં અમેરિકા, રશિયા, ચીન, બ્રિટન, ફ્રાન્સ, ઉત્તર કોરિયા, ઇઝરાયેલ, ભારત અને પાકિસ્તાન સામેલ છે.

‘અમે શીત યુદ્ધ પછીથી આંતરરાષ્ટ્રીય સંબંધોમાં પરમાણુ શસ્ત્રોને આટલી અગ્રણી ભૂમિકા ભજવતા જોયા નથી’, એમ સ્ટોકહોમ ઇન્ટરનેશનલ પીસ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટના ‘સામૂહિક વિનાશના શસ્ત્રો’ કાર્યક્રમના ડિરેક્ટર વિલ્ફ્રેડ વેને કહ્યું હતું.
આ મહિનાની શરૂઆતમાં, રશિયા અને તેના સાથી બેલારુસે તેમના સૈનિકોને વ્યૂહાત્મક પરમાણુ શસ્ત્રોમાં તાલીમ આપવાના હેતુથી કવાયતનો બીજો તબક્કો શરૂ કર્યો હતો, જે પશ્ચિમી દેશોને યુક્રેનને વધુ સમર્થન આપવાથી નિરુત્સાહિત કરવાના ક્રેમલિનના પ્રયાસોનો એક ભાગ છે.

એક અલગ અહેવાલમાં ઈન્ટરનેશનલ કમ્પેઈન ટુ એબોલિશ ન્યુક્લીયર વેપન્સ, આઈસીએએનએ કહ્યું હતું કે નવ અણુ સજ્જ દેશોએ વર્ષ 2023માં પોતાના શસ્ત્રાગાર પર કુલ 91.4 બિલિયન ડોલરનો ખર્ચો કર્યો હતો જે પ્રતિ સેકન્ડ 2898 ડોલરને સમાન થાય છે.

નિઃશસ્ત્રીકરણ કાર્યકરોના જીનીવા સ્થિત ગઠબંધનને 2017 માં નોબેલ શાંતિ પુરસ્કાર મળ્યો હતો. જૂથે જણાવ્યું હતું કે આંકડાઓ દર્શાવે છે કે 2022 ની સરખામણીમાં 2023 માં પરમાણુ શસ્ત્રો પર વૈશ્વિક ખર્ચમાં 10.7 બિલિયન ડોલરનો વધારો થયો હતો. કુલ ખર્ચમાં અમેરિકાનો હિસ્સો, 51.5 બિલિયન ડોલર છે જે અન્ય તમામ પરમાણુ સશસ્ત્ર દેશો કરતાં વધુ છે.
ત્યારબાદ સૌથી મોટો ખર્ચ કરનાર ચીન છે જેણે 11.8 બિલિયન ડોલરનો ખર્ચ કર્યો હતો જ્યારે ત્રીજા ક્રમ પર 8.3 બિલિયન ડોલર સાથે રશિયા આવે છે.

Most Popular

To Top