ભારત સરકાર ઘેર ઘેર સિંદૂર મોકલીને પાકિસ્તાન સામે ભારતના કથિત વિજયની ઉજવણી કરી રહી છે ત્યારે ભારતીય સૈન્યે મોડે મોડે સ્વીકાર્યું છે કે તેણે પાકિસ્તાન સામેના સંઘર્ષમાં રાફેલ વિમાનો ગુમાવ્યાં હતાં. સિંગાપોરમાં શાંગરી-લા ડાયલોગ દરમિયાન ભારતના ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ જનરલ અનિલ ચૌહાણે કહ્યું કે વધુ મહત્ત્વપૂર્ણ પ્રશ્ન એ નથી કે જેટ વિમાનોને તોડી પાડવામાં આવ્યાં હતાં, પરંતુ શા માટે તેમને તોડી પાડવામાં આવ્યાં હતાં. તેમણે પાકિસ્તાનના એવા દાવાને ફગાવી દીધો કે છ ભારતીય જેટ વિમાનો નાશ પામ્યાં હતાં, પરંતુ ભારતે ખરેખર કેટલાં ફાઇટર જેટ વિમાનો ગુમાવ્યાં તેની સ્પષ્ટતા કરવાનો ઇનકાર કર્યો હતો.
જનરલ અનિલ ચૌહાણે ઉમેર્યું કે ભારતે શરૂઆતના યુદ્ધ દરમિયાન થયેલી ભૂલોને સ્વીકારીને, તેને તાત્કાલિક સુધારીને બે દિવસ પછી જ સફળતાપૂર્વક લાંબા અંતરના હવાઈ હુમલા શરૂ કર્યા હતા. આ નિવેદન ૭ મેના રોજ શરૂ થયેલી ભડકાઉ ઘટના દરમિયાન થયેલા હવાઈ નુકસાન અંગે ઉચ્ચ કક્ષાના ભારતીય અધિકારી દ્વારા પહેલી વખત સૌથી સીધી સ્વીકૃતિ દર્શાવે છે. ભારતે અગાઉ તેના જેટ વિમાનના નુકસાનની પુષ્ટિ અથવા ઇનકાર કરતી કોઈ પણ ટિપ્પણી કરવાનું ટાળ્યું હતું.
ફ્રાન્સ સરકાર એવા અહેવાલો અંગે ચિંતિત છે કે દસોલ્ટ એવિએશન દ્વારા પૂરા પાડવામાં આવેલા અને ભારતના લડાયક હવાઈ કાફલાની કરોડરજ્જુ ગણાતાં રાફેલ વિમાનો ઓપરેશન સિંદૂર દરમિયાન કાર્યવાહીમાં પાકિસ્તાન દ્વારા તોડી પાડવામાં આવ્યાં હતાં. ફ્રાન્સનાં સશસ્ત્ર દળોના મંત્રાલયે કહ્યું છે કે તેઓ ભારત સરકાર સાથે સંપર્કમાં છે જેથી ભારત અને પાકિસ્તાન વચ્ચે તાજેતરની દુશ્મનાવટ દરમિયાન ફ્રેન્ચ મૂળનાં વિમાનોની આસપાસના સંજોગોને વધુ સારી રીતે સમજી શકાય. પેરિસમાં એક પ્રેસ કોન્ફરન્સમાં ફ્રેન્ચ સંરક્ષણ મંત્રાલયના પ્રવક્તાએ જણાવ્યું હતું કે પરિસ્થિતિ અસ્પષ્ટ રહી છે અને પેરિસ અહેવાલોનો અર્થ શોધવાનો પ્રયાસ કરી રહ્યું છે. અધિકારીએ જણાવ્યું હતું કે યુદ્ધમાં નુકસાનની કોઈ પણ પુષ્ટિ રાફેલ વિમાનના ઇતિહાસમાં પ્રથમ ઘટના હશે. આજે આપણે નોંધ લઈ શકીએ છીએ કે રાફેલ ૨૦ વર્ષનો ઉપયોગ ધરાવે છે. જો તે બહાર આવે કે ખરેખર રાફેલને તોડી પડાયું છે, તો તે આ યુદ્ધ વિમાનનું પ્રથમ નુકસાન હશે.
પાકિસ્તાનના વડા પ્રધાન શહબાઝ શરીફે જણાવ્યું હતું કે પાકિસ્તાન વાયુસેના (PAF) એ ભારત-પાકિસ્તાન વચ્ચેની ટૂંકી અથડામણ દરમિયાન ચાર રાફેલ ફાઇટર સહિત છ ભારતીય ફાઇટર જેટને તોડી પાડ્યાં હતાં. લાચીન શહેરમાં અઝરબૈજાનના સ્વતંત્રતા દિવસ નિમિત્તે એક સમારોહને સંબોધતાં શહબાઝ શરીફે દાવો કર્યો હતો કે ૬ અને ૭ મેની રાત્રે શરૂ થયેલી અથડામણના પહેલા દિવસે જ PAF એ ભારતીય જેટ વિમાનોને તોડી પાડ્યાં હતાં.
અગાઉ પાકિસ્તાન અને પાકિસ્તાન-નિયંત્રિત કાશ્મીરમાં આતંકવાદી છાવણીઓને નિશાન બનાવવા માટે ભારતના ઓપરેશન સિંદૂર દરમિયાન PAF એ ત્રણ રાફેલ સહિત પાંચ ભારતીય જેટ વિમાનોને તોડી પાડવાનો દાવો કર્યો હતો. ખૂબ જ રસપ્રદ વાત એ છે કે પાકિસ્તાનના વડા પ્રધાન શહાબાઝ શરીફ હવે ચાર ફ્રેન્ચ મૂળના રાફેલ જેટનો નાશ કરવાનો દાવો કરે છે. પાકિસ્તાની નિષ્ણાતોનો દાવો છે કે ભારતીય ફાઇટર જેટ વિમાનોને ચીનની હવાથી હવામાં પ્રહાર કરતી મિસાઇલ PL-15E દ્વારા નવા મેળવેલા J-10C ફાઇટર જેટનો ઉપયોગ કરીને તોડી પાડવામાં આવ્યાં હતાં.
એક આશ્ચર્યજનક ખુલાસામાં ભાજપના વરિષ્ઠ નેતા સુબ્રમણ્યમ સ્વામીએ સ્વીકાર્યું કે પાકિસ્તાને બંને દેશો વચ્ચેના તાજેતરના લશ્કરી સંઘર્ષ દરમિયાન ભારતીય વાયુસેના (IAF) નાં પાંચ ફાઇટર જેટને તોડી પાડ્યાં હતાં. તેમણે એક ટેલિવિઝન ઇન્ટરવ્યુ દરમિયાન આ નિવેદન આપ્યું હતું અને આ ઘટનાને ભારતની હવાઈ વ્યૂહરચના માટે નોંધપાત્ર નિષ્ફળતા ગણાવી હતી. સુબ્રમણ્યમ સ્વામીએ કહ્યું કે પાકિસ્તાને ચીની બનાવટના ફાઇટર જેટનો ઉપયોગ કર્યો હતો, જે તેમણે ભારતના ફ્રેન્ચ બનાવટના રાફેલ વિમાનો કરતાં વધુ સારાં હોવાનો દાવો કર્યો હતો. તેમણે રાફેલ જેટના પ્રદર્શન પર ખુલ્લેઆમ પ્રશ્ન ઉઠાવતાં કહ્યું કે પાકિસ્તાને ભારતનાં પાંચ વિમાનોને તોડી પાડ્યાં હતાં. તેઓએ ચીની વિમાનોનો ઉપયોગ કર્યો જે યુદ્ધમાં અસરકારક હતાં.
ભાજપના વરિષ્ઠ નેતા સ્વામીએ રાફેલ સોદાની જ ટીકા કરી હતી અને રાફેલ વિમાનને ભારતની સંરક્ષણ જરૂરિયાતો માટે અયોગ્ય ગણાવ્યું હતું. તેમણે આરોપ લગાવ્યો હતો કે રાફેલ જેટની ખરીદીમાં ભ્રષ્ટાચારે મુખ્ય ભૂમિકા ભજવી હતી અને કહ્યું હતું કે રાફેલમાં ભ્રષ્ટાચાર થયો છે જેની તપાસ મોદી વડા પ્રધાન છે ત્યાં સુધી થશે નહીં. તેમણે સરકાર દ્વારા સંઘર્ષના સંચાલનમાં પારદર્શિતા અને જવાબદારીના અભાવ તરફ પણ ધ્યાન દોર્યું હતું. સ્વામીએ કહ્યું કે વર્તમાન નેતૃત્વ સત્તામાં રહે ત્યાં સુધી જેટ વિમાનોને તોડી પાડવાની સત્તાવાર તપાસની આશા ઓછી છે. આ ટિપ્પણીઓ ભારતમાં રાજકીય અને લશ્કરી વર્તુળોમાં હલચલ મચાવે તેવી શક્યતા છે, કારણ કે તે શાસક પક્ષની સફળતાની કથાને પડકારે છે. ટીકાકારો સ્વામીના દાવાઓનો ઉપયોગ ભારતના સંરક્ષણ ખર્ચ અને હવાઈ ક્ષમતાઓની વધુ તપાસ માટે દબાણ કરવા માટે કરી શકે છે. સુબ્રમણ્યમ સ્વામી વડા પ્રધાન નરેન્દ્ર મોદીના પ્રખર ટીકાકાર અને માથાના દુખાવા સમાન મનાય છે.
પાકિસ્તાન દ્વારા રાફેલ વિમાનો તોડી પડાયાની સ્વીકૃતિ પછી ભારતના વાયુસેનાના વડા એર ચીફ માર્શલ અમર પ્રીત સિંહે ગુરુવારે સ્થાનિક સંરક્ષણ ક્ષેત્ર પર કેટલાક ગંભીર પ્રશ્નો ઉઠાવ્યા હતા અને મહત્ત્વપૂર્ણ સંરક્ષણ પ્રણાલીઓની ખરીદી અને ડિલિવરીમાં વિલંબ અંગે ચિંતા વ્યક્ત કરી હતી. એક કાર્યક્રમમાં તેમણે કોઈ પણ સંરક્ષણ પ્રોજેક્ટ સમયસર પૂર્ણ ન થવાનો ઉલ્લેખ કર્યો હતો અને સ્થાનિક સંરક્ષણ સોદા વિશે કેટલીક મહત્ત્વપૂર્ણ વાતો કહી હતી. ભારતીય વાયુસેના લાંબા સમયથી લશ્કરી હાર્ડવેરની અછતનો સામનો કરી રહી છે અને તેમની પાસે અત્યાધુનિક સ્ટીલ્થ વિમાનો નથી.
ભારતીય સંરક્ષણ મંત્રાલયે તાજેતરમાં પાંચમી પેઢીના સ્ટીલ્થ ફાઇટર એરક્રાફ્ટના ઉત્પાદનને મંજૂરી આપી છે, પરંતુ તેના નિર્માણ માટે હજુ ઘણો સમય બાકી છે. સંરક્ષણ નિષ્ણાતો કહે છે કે સંરક્ષણ ખરીદી અને ડિલિવરીમાં લાંબા અંતર અને નિર્ધારિત સમય કરતાં અનેક ગણા વધુ વિલંબને કારણે ભારતીય સૈન્યમાં હતાશા વધી રહી છે અને એર ચીફ માર્શલનું નિવેદન આ વાતને પુરવાર કરે છે. ભારત સરકાર સ્વદેશી શસ્ત્રો વિકસાવવાનો પ્રયાસ કરી રહી છે, પરંતુ હજુ પણ ભારતનાં શસ્ત્રોનો મોટો ભાગ વિદેશથી આવે છે. તેમના ખરીદીના નિર્ણયો અને ડિલિવરીમાં વિલંબ થાય છે. એર ચીફ માર્શલ આ સંદર્ભમાં વાત કરી રહ્યા હતા.
એર ચીફ માર્શલના આ નિવેદનને ૮૩ હળવાં લડાયક વિમાન તેજસ MK 1A ની ડિલિવરીમાં થયેલા વિલંબના સંદર્ભમાં જોવામાં આવી રહ્યું છે, જેના માટે વર્ષ ૨૦૨૧ માં હિન્દુસ્તાન એરોનોટિક્સ લિમિટેડ (HAL) સાથે કરાર કરવામાં આવ્યો હતો. ભારતીય વાયુસેનાએ ૭૦ HTT-૪૦ બેઝિક ટ્રેનર એરક્રાફ્ટ ખરીદવા માટે HAL સાથે કરાર પણ કર્યો હતો, જેની ડિલિવરી આ વર્ષે સપ્ટેમ્બરમાં થવાની છે. એર માર્શલે કહ્યું કે અમે કરાર પર હસ્તાક્ષર કરતી વખતે જાણીએ છીએ કે તે વસ્તુઓ ક્યારેય સમયસર નહીં થાય. સમયરેખા એક મોટો મુદ્દો છે અને મને લાગે છે કે એક પણ પ્રોજેક્ટ સમયસર પૂર્ણ થયો નથી. આપણે એવું વચન કેમ આપવું જોઈએ જે પૂર્ણ ન થઈ શકે? દિલ્હીમાં આયોજિત આ પરિષદ દરમિયાન, તેમણે કહ્યું કે આપણે ફક્ત મેક ઇન ઇન્ડિયા વિશે વાત કરી શકતા નથી. હવે ડિઝાઇન ઇન ઇન્ડિયાનો પણ સમય છે.
સંરક્ષણ નિષ્ણાત રાહુલ બેદીએ કહ્યું કે સંરક્ષણ મંત્રાલયમાં ચાલી રહેલી સિસ્ટમના કારણે સશસ્ત્ર દળોમાં પણ હતાશા ફેલાઈ છે. ભારતે ૨૦૦૭-૦૮ માં AFGFA એટલે કે પાંચમી પેઢીના ફાઇટર એરક્રાફ્ટ વિકસાવવા માટે રશિયા સાથે વાતચીત શરૂ કરી હતી. ૧૧ વર્ષ સુધી વાતચીત ચાલુ રહી અને તેના પર લગભગ ૨૪ કરોડ અમેરિકન ડોલર પણ ખર્ચવામાં આવ્યા હતા, પરંતુ ૨૦૧૮ માં તેને અસફળ ગણાતાં તેને છોડી દેવામાં આવ્યું હતું. રશિયાએ તેના પર કામ ચાલુ રાખ્યું અને આજે રશિયાનું FGFA સુખોઈ-૫૭ ના રૂપમાં આપણી સામે છે. જો આપણે તેમાં અડગ રહ્યા હોત તો આજે આપણી પાસે પણ સ્ટીલ્થ ફાઇટર જેટ વિમાન હોત.
– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.