નવી દિલ્હીઃ (New Delhi) દરેક મુસ્લિમ (Muslims) પોતાના જીવનમાં એકવાર હજ (Haj) પર જવાનો ઈરાદો રાખે છે. ભારતથી હજ યાત્રાએ જતા હજયાત્રીઓને સરકાર ઘણી બધી સુવિધાઓ પૂરી પાડે છે અને હજયાત્રીઓ સરકારની દેખરેખ હેઠળ હજ પર જાય છે. સાઉદી અરેબિયા સાથેના દ્વિપક્ષીય કરાર મુજબ આ વર્ષ માટે ભારતનો હજ ક્વોટા 1,75,025 નક્કી કરવામાં આવ્યો છે. જોકે હજ યાત્રાને લઈને ભારતના લઘુમતી બાબતોના મંત્રાલયે નિયમોમાં કેટલાક ફેરફાર કર્યા છે. જે મુજબ આ વર્ષે વીઆઈપી ક્વોટામાં (VIP Quota) કે પછી સરકારી ખર્ચે કોઈ પણ હજ પર જઈ શકશે નહીં. તેની સામે મંત્રાલય દ્વારા હજ યાત્રીઓ (Pilgrims) માટે કેટલીક સ્વાસ્થ્ય સુવિધાઓમાં વધારો કરવામાં આવ્યો છે.
આ વખતે ભારત સરકારે હજ યાત્રાને લઈને ઘણા મોટા ફેરફારો કર્યા છે. લઘુમતી બાબતોના મંત્રી સ્મૃતિ ઈરાનીએ કહ્યું કે આ વખતે હજ માટેનો વીઆઈપી ક્વોટા નાબૂદ કરવામાં આવ્યો છે. અગાઉ વીઆઈપી લોકો સરકારી ખર્ચે સાઉદી અરેબિયા હજ કરવા માટે જતા હતા પરંતુ આ વખતે એવું નહીં થાય. આ સાથે આ વખતે કોઈ VIP પ્રતિનિધિમંડળ સાઉદી અરેબિયા જશે નહીં તેવી પણ તેમણે જાણકારી આપી હતી.
બીજી તરફ હજ યાત્રીઓના આરોગ્યને લઈને ભારત સરકારના બે મંત્રાલય દ્વારા કેટલીક કામગીરી કરાશે. જે અંતર્ગત આરોગ્ય મંત્રાલયની એક ટીમ સાઉદી અરેબિયા જશે. આ વખતે લઘુમતી બાબતોના મંત્રાલય અને આરોગ્ય મંત્રાલય ભારતીય હજ યાત્રીઓને લઈને સાથે મળીને કામ કરી રહ્યા છે. અગાઉ લઘુમતી બાબતોનું મંત્રાલય એકલા હાથે કામ જોતું હતું. આરોગ્ય મંત્રાલયના એકસાથે આવવાથી હજ યાત્રીઓના મેડિકલ ટેસ્ટ જે ખાનગી કરવામાં આવતા હતા તે આ વખતે સરકારી ખર્ચે થશે. સ્મૃતિ ઈરાનીએ જણાવ્યું કે હજ યાત્રીઓ માટે આ તમામ ટેસ્ટ ફ્રીમાં કરવામાં આવશે અને આ ટેસ્ટ તમામ રાજ્યોમાં થઈ શકશે. આ સાથે રાજ્ય સરકાર રસી ન મેળવી શક્યા હોય તેવા હજયાત્રીઓ માટે કેમ્પ યોજશે અને તમામ હજ યાત્રીઓને રસી અપાશે.
4314 મુસ્લિમ મહિલાઓ સંબંધીઓ વિના એકલી હજ પર જશે
આ વખતે 4314 મુસ્લિમ મહિલાઓ મહરમ (સંબંધીઓ) વગર હજ યાત્રા પર જશે. આ સાથે સ્વાસ્થ્ય મંત્રાલય સાથે જોડાયેલી ટીમ તમામ પ્રતિબંધિત સ્થળો પર હાજર રહેશે. આરોગ્ય મંત્રાલયની એક ટીમ સાઉદી અરેબિયાના મક્કા અને મદીના શહેરોમાં જશે અને ભારતીય હજ યાત્રીઓને ધ્યાનમાં રાખીને ત્યાંની સ્થિતિનો તાગ મેળવશે. તેમણે કહ્યું કે હજ યાત્રીઓ માટે આ તમામ સુવિધાઓ મફતમાં ઉપલબ્ધ થશે.