નવી દિલ્હી: 1 એપ્રિલ, 2022 થી ઘણા મોટા નાણાકીય ફેરફારો (Financial changes) થવાના છે. તેમાં PF એકાઉન્ટથી લઈને GST સુધીના નિયમો બદલાઈ શકે છે. તેમજ ક્રિપ્ટોમાં (Crypto) રોકાણ કરનારાઓને ટેક્સનો (Tax) ફટકો પડશે. એટલું જ નહીં 1 એપ્રિલથી લોકોને મોંઘવારી (Inflation) મોરચે પણ મોટો ઝટકો લાગવાનો છે. એક તરફ જ્યાં પીએફ એકાઉન્ટ પર ટેક્સને લઈને ફેરફાર જોવા મળશે તો બીજી તરફ બજેટ 2022 મુજબ કોઈપણ ક્રિપ્ટો એસેટમાંથી નફા પર 30 ટકા ટેક્સ ચૂકવવો પડશે. આ સાથે GSTથી લઈને દવાઓની કિંમતમાં પણ ઘણા ફેરફાર જોવા મળશે. B2B વ્યવહાર પર 500 કરોડ રૂપિયાથી વધુ ટર્નઓવર ધરાવતી કંપનીઓ માટે 1 ઓક્ટોબર 2020થી ઈ-ચાલાન જરૂરી કરવામાં આવ્યું હતું. હવે 20 કરોડથી વધુ ટર્ન ઓવર ધરાવતી કંપનીને 1 એપ્રિલથી B2B લેણદેણ માટે ઈલેકટ્રોનિક ઈન્વોઈસ ભરવું પડશે.
ચાલો કેટલાક મુખ્ય ફેરફારો પર એક નજર કરીએ જે તમને સીધી અસર કરશે.
પીએફ એકાઉન્ટ પર ટેક્સ
1 એપ્રિલ, 2022થી જે સૌથી મોટા ફેરફારો થવા જઈ રહ્યા છે, તેમાં સૌથી મહત્વપૂર્ણ PF એકાઉન્ટ પરનો ટેક્સ છે. વાસ્તવમાં, સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાયરેક્ટ ટેક્સિસ (CBDT) એ આવકવેરા (25મો સુધારો) નિયમ 2021 લાગુ કરવાનો નિર્ણય લીધો છે. એટલે કે, EPF ખાતામાં 2.5 લાખ રૂપિયા સુધીના કરમુક્ત યોગદાનની મર્યાદા લાદવામાં આવી રહી છે. જો આનાથી ઉપર યોગદાન આપવામાં આવશે, તો વ્યાજની આવક પર કર લાગશે. તે જ સમયે, સરકારી કર્મચારીઓના GPFમાં કરમુક્ત યોગદાનની મર્યાદા વાર્ષિક 5 લાખ રૂપિયા છે.
ક્રિપ્ટોમાંથી કમાણી પર ટેક્સ
નવા નાણાકીય વર્ષના પ્રથમ દિવસ એટલે કે 1 એપ્રિલથી એક મોટો ફેરફાર ક્રિપ્ટોકરન્સી પરનો ટેક્સ છે. 2022-23 ના બજેટમાં નાણાંમંત્રી નિર્મલા સીતારમણે તમામ વર્ચ્યુઅલ ડિજિટલ એસેટ્સ અથવા ક્રિપ્ટો એસેટ્સ પર 30 ટકા ટેક્સની જાહેરાત કરી હતી. આ હેઠળ જો રોકાણકારને ક્રિપ્ટો એસેટ્સ વેચીને ફાયદો થાય છે, તો તેણે સરકારને ટેક્સ ચૂકવવો પડશે. આ પછી જ્યારે પણ કોઈ ક્રિપ્ટો એસેટ્સ વેચવામાં આવેશે તો ત્યારે તેના વેચાણના એક ટકાના દરે TDS કાપવામાં આવશે.
ઈ-ઈનવોઈસિંગ સંબંધિત સરળ નિયમો
CBIC (સેન્ટ્રલ બોર્ડ ઑફ ઇનડાયરેક્ટ ટેક્સિસ એન્ડ કસ્ટમ્સ) એ ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ (GST) હેઠળ ઇ-ચલણ (ઇલેક્ટ્રોનિક ચલણ) જારી કરવા માટેની ટર્નઓવર મર્યાદા 50 કરોડ રૂપિયાની અગાઉની નિયત મર્યાદાથી ઘટાડીને 20 કરોડ કરી છે. આ નિયમ પણ 1 એપ્રિલ, 2022થી લાગુ કરવામાં આવી રહ્યો છે.
ગેસ સિલિન્ડરમાં સંભવિત વધારો
દર મહિનાની જેમ એપ્રિલના પહેલા દિવસે પણ ગેસ સિલિન્ડરની કિંમતમાં ફેરફાર થઈ શકે છે. દેશમાં જે રીતે પેટ્રોલ અને ડીઝલની કિંમતો દિવસેને દિવસે વધી રહી છે. એવું માનવામાં આવે છે કે એપ્રિલમાં ફરી એકવાર ગેસ સિલિન્ડરના ભાવમાં પણ વધારો થઈ શકે છે. નોંધનીય છે કે તાજેતરમાં એલપીજી સિલિન્ડરની કિંમતમાં 50 રૂપિયાનો વધારો કરીને તેનો બોજ સામાન્ય જનતા પર નાખવામાં આવ્યો છે.