Sports

ભારતે ન્યૂઝીલેન્ડને 250 રનનો લક્ષ્યાંક આપ્યો, શ્રેયસ ઐયરે અડધી સદી ફટકારી

ચેમ્પિયન્સ ટ્રોફી 2025 માં ગ્રુપ સ્ટેજની છેલ્લી મેચ ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે દુબઈ ઇન્ટરનેશનલ સ્ટેડિયમ ખાતે રમાઈ રહી છે. બંને ટીમોએ સેમિફાઇનલમાં પોતાનું સ્થાન નિશ્ચિત કરી લીધું છે. આ મેચમાં ન્યુઝીલેન્ડે ટોસ જીતીને પહેલા બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો. પ્રથમ બેટિંગ કરતા ભારતે 50 ઓવરમાં 9 વિકેટ ગુમાવીને 249 રન બનાવ્યા. ન્યુઝીલેન્ડને હવે આ મેચ જીતવા માટે 250 રન બનાવવા પડશે.

ટોસ હારીને પહેલા બેટિંગ કરવા આવ્યા બાદ ભારતની શરૂઆત ખૂબ જ ખરાબ રહી. 30 રનના સ્કોર સુધીમાં રોહિત શર્મા, શુભમન ગિલ, વિરાટ કોહલી પેવેલિયન પરત ફર્યા હતા. વિરાટના વનડે કરિયરનો આ 300મો મેચ હતો જેમાં તે માત્ર 11 રન બનાવીને આઉટ થયો હતો. ત્યારબાદ શ્રેયસ ઐયર અને અક્ષર પટેલ બેટિંગ કરવા આવ્યા અને ઇનિંગની કમાન સંભાળી. બંને વચ્ચે 98 રનની ભાગીદારી થઈ. ઐયર 98 બોલમાં 79 રન બનાવીને આઉટ થયો હતો જ્યારે અક્ષરે 61 બોલમાં 42 રન બનાવ્યા હતા.

છઠ્ઠા નંબરે બેટિંગ કરવા આવેલ કેએલ રાહુલ કંઈ ખાસ કરી શક્યો નહીં અને 29 બોલમાં 23 રન બનાવીને આઉટ થયો. હાર્દિક પંડ્યાએ છેલ્લી ઓવરમાં ઝડપથી રન બનાવ્યા. હાર્દિક 45 રન બનાવીને આઉટ થયો હતો. બોલિંગની વાત કરીએ તો ન્યુઝીલેન્ડ માટે સૌથી સફળ બોલર મેટ હેનરી હતો, તેણે 8 ઓવરમાં 42 રન આપીને 5 વિકેટ લીધી. ભારત તરફથી શ્રેયસ ઐયરે સૌથી વધુ રન બનાવ્યા.

Most Popular

To Top