National

કોરોનાના ખતરા વચ્ચે દેશ માટે આગામી 40 દિવસ મહત્વના, જાન્યુઆરીમાં કેસ વધી શકે છે

નવી દિલ્હી: (New Delhi) ભારત (India) સહિત સમગ્ર વિશ્વમાં કોરોનાના ખતરા વચ્ચે એક મોટી માહિતી સામે આવી રહી છે. એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે જાન્યુઆરીમાં (January) ભારતમાં કોવિડ-19ના કેસ (Case) ઝડપથી વધી શકે છે. આવી સ્થિતિમાં ભારત માટે આગામી 40 દિવસ મહત્વના રહેવાના છે. સત્તાવાર સૂત્રોએ રોગચાળાના (Epidemic) ફેલાવાની અગાઉની ગતિને ટાંકીને આ માહિતી આપી છે. સત્તાવાર સૂત્રોએ બુધવારે આ રોગચાળાના ફેલાવાના ભૂતકાળના વલણોને ટાંકીને જણાવ્યું હતું કે અગાઉ પણ એવું જોવા મળ્યું છે કે પૂર્વ એશિયામાં કોવિડ-19નો ભોગ બન્યાના 30-35 દિવસ પછી ભારતમાં રોગચાળાની નવી લહેર આવી હતી. તેવો એક ટ્રેન્ડ રહ્યો છે.

જોકે સ્વાસ્થ્ય મંત્રાલયના (Ministry Of Health) સૂત્રોએ એમ પણ કહ્યું કે સંક્રમણની ગંભીરતા ઓછી છે અને આવી સ્થિતિમાં કોવિડની નવી લહેર આવે તો પણ સંક્રમિત લોકોના મૃત્યુ અને હોસ્પિટલમાં દાખલ થવાનો દર ઘણો ઓછો રહેશે. સૂત્રોએ જણાવ્યું કે છેલ્લા બે દિવસમાં ભારતમાં આવેલા 6,000 આંતરરાષ્ટ્રીય પ્રવાસીઓની કોવિડ-19 માટે તપાસ કરવામાં આવી હતી. જેમાંથી 39ના રિપોર્ટ ‘પોઝિટિવ’ આવ્યા છે. તેમણે માહિતી આપી હતી કે કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી મનસુખ માંડવિયા દિલ્હી એરપોર્ટની મુલાકાત લેશે અને ત્યાં કોવિડ-19 પરીક્ષણ સુવિધાઓનું નિરીક્ષણ કરશે.

વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને આરોગ્ય પ્રધાન મનસુખ માંડવિયાએ પણ કોરોનાના કેસોમાં ઉછાળાની સ્થિતિને પહોંચી વળવા માટેની તૈયારીઓની સમીક્ષા કરવા બેઠકો યોજી છે. કેસોમાં તાજેતરનો વધારો BF.7, કોરોનાના ઓમિક્રોન પેટા પ્રકારને કારણે છે. સત્તાવાર સૂત્રોએ જણાવ્યું હતું કે BF.7 ના ફેલાવાનો દર ઘણો ઊંચો છે અને એક સંક્રમિત વ્યક્તિ 16 લોકોને ચેપ લગાવી શકે છે.

જણાવી દઈએ કે સરકારે શનિવારથી દરેક આંતરરાષ્ટ્રીય ફ્લાઇટમાં આવતા 2 ટકા મુસાફરોનું ‘રેન્ડમ’ કોવિડ પરીક્ષણ ફરજિયાત કર્યું છે. સૂત્રોએ જણાવ્યું કે આગામી સપ્તાહથી ચીન, જાપાન, દક્ષિણ કોરિયા, હોંગકોંગ, બેંગકોક અને સિંગાપોરથી આવતા મુસાફરો માટે 72 કલાક પહેલા ‘એર સુવિધા’ ફોર્મ ભરવા અને RT-PCR ટેસ્ટ ફરજિયાત કરવામાં આવી શકે છે. ચીન અને દક્ષિણ કોરિયા સહિતના કેટલાક દેશોમાં કોવિડ-19ના કેસોની સંખ્યા ઝડપથી વધી રહી છે. સરકારે લોકોને જાગ્રત રહેવા જણાવ્યું છે અને રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને કોઈપણ પરિસ્થિતિ માટે તૈયાર રહેવા જણાવ્યું છે.

Most Popular

To Top