સાત તબક્કાની લોકસભા ચૂંટણીના (Loksabha Election) બીજા તબક્કાનું મતદાન (Voting) શુક્રવારે સવારે 7 વાગ્યે શરૂ થયું હતું. જેમાં સૌથી ઓછું UPમાં 52.64% જ્યારે ત્રિપુરામાં સૌથી વધુ 76.23 ટકા મતદાન થયું હતું. વિશ્વનો સૌથી મોટો લોકતાંત્રિક ઉત્સવ 19 એપ્રિલે શરૂ થયો હતો. આજે આ ઉત્સવનો બીજો તબક્કો હતો. બીજા તબક્કામાં 13 રાજ્યોના મતદારો 88 બેઠકો પર ઉમેદવારોના ભાવિનો નિર્ણય કરશે. આ તબક્કામાં જે 88 બેઠકો પર મતદાન થયું છે તેમાંથી ભાજપ પાસે અડધાથી વધુ એટલે કે 52 બેઠકો છે જ્યારે કોંગ્રેસ પાસે 22 બેઠકો છે.
લોકસભાના બીજા તબક્કામાં 13 રાજ્યોની 88 લોકસભા બેઠકો પર 1200થી વધુ ઉમેદવારોનું ભાવિ દાવ પર હતું. ખાસ વાત એ હતી કે આ તબક્કામાં કેરળની તમામ 20 સીટો પર એક સાથે મતદાન થયું હતું. સવારે 7 વાગ્યાથી મતદાન શરૂ થયું હતું. જેમ જેમ દિવસ આગળ વધતો ગયો તેમ તેમ કતારો લાંબી થતી ગઈ. જો કે બપોર બાદ યુપી અને બિહારમાં ઘણી જગ્યાએ મતદાનમાં મંદી જોવા મળી હતી. સાંજે 5 વાગ્યા સુધી ત્રિપુરામાં સૌથી વધુ 76.23 ટકા મતદાન થયું હતું. મણિપુરમાં 76.06 ટકા અને યુપી અને બિહારમાં લગભગ 53 ટકા મતદાન થયું હતું.
બીજા તબક્કામાં આજે જે રાજ્યોમાં મતદાન થયું તે પૈકી આસામની 5 બેઠકો પર મતદાન થયું. બિહારની 5 બેઠકો પર સવારે 7 વાગ્યાથી મતદાન શરૂ થયું હતું. જ્યારે છત્તીસગઢ (03), જમ્મુ અને કાશ્મીર (01), કર્ણાટક (14), કેરળ (20), મધ્યપ્રદેશ (06), મહારાષ્ટ્ર (08), રાજસ્થાન (13), ત્રિપુરા (01), ઉત્તર પ્રદેશ (08) અને પશ્ચિમ બંગાળમાં 03 બેઠકો પર મતદાન થયું હતું.
આજે બીજા તબક્કાના મતદાનમાં અનેક દિગ્ગજ નેતાઓનું રાજકીય ભાવિ ઈવીએમમાં કેદ થઈ ગયું હતું. તેમાં રાહુલ ગાંધી (કોંગ્રેસ)- વાયનાડ, શશિ થરૂર (કોંગ્રેસ)- તિરુવનંતપુરમ, એચડી કુમારસ્વામી (જેડીએસ)- મંડ્યા, હેમા માલિની (ભાજપ)- મથુરા, અરુણ ગોવિલ (ભાજપ)- મેરઠ, ઓમ બિરલા (ભાજપ)-કોટા, ભૂપેશ બઘેલ (કોંગ્રેસ) – રાજનાંદગાંવ જેવા દિગ્ગજોનો સમાવેશ થાય છે.
- સાંજે 5 વાગ્યા સુધી મતદાનની ટકાવારી
- આસામ 70.66
- ઉત્તર પ્રદેશ 52.64
- કર્ણાટક 63.90
- કેરળ 63.97
- છત્તીસગઢ 72.13
- જમ્મુ કાશ્મીર 67.22
- ત્રિપુરા 76.23
- પશ્ચિમ બંગાળ 71.84
- બિહાર 53.03
- મણિપુર 76.06
- MP 54.58
- મહારાષ્ટ્ર 53.51
- રાજસ્થાન 59.19