નવી દિલ્હી: (New Delhi) આગામી મહિના એટલે કે ફેબ્રુઆરીના (February) પ્રથમ દિવસે ઘણા ફેરફાર થવાના છે. એક ફેબ્રુઆરીએ નાણામંત્રી નિર્મલા સીતારમન બજેટ (Budget 2022-23) રજૂ કરશે. જેનાથી દેશની અર્થવ્યવસ્થામાં પણ ફેરફાર થશે. આ ફેરફારની સીધી અસર લોકોના ખિસ્સા પર પડશે. બજેટ ઉપરાંત પણ ઘણા એવા ફેરફાર છે જે ફેબ્રુઆરીથી થશે. પહેલી ફેબ્રુઆરીએ નાણામંત્રી નિર્મલા સિતારમણ સામાન્ય બજેટ રજૂ કરશે. તેમાં ડાયરેક્ટ અને ઈનડાયરેક્ટ ટેક્સ સાથે જોડાયેલા નિયમોમાં ફેરફાર થઈ શકે છે. કોરોનાના કહેરથી મંદ પડેલી અર્થવ્યવસ્થાની (Economy) વચ્ચે આ સામાન્ય બજેટ ખૂબ જ મહત્વપૂર્ણ છે. 5 રાજ્યોની ચૂંટણી પણ સામે આવી છે માટે એવું માનવામાં આવી રહ્યું છે કે સરકાર આ બજેટમાં ઘણા મહત્વપૂર્ણ નિર્ણય કરી શકે છે. આ ફેરફારથી ઘણા બધા બદલાવ આવશે જે જાણી લેવા જરૂરી છે.
કેન્દ્રીય બજેટ ઉપરાંત પહેલી ફેબ્રુઆરીથી બેન્કિંગ સાથે જોડાયેલા અનેક નિયમો (Rules Change From 1 February 2022) પણ બદલાઈ રહ્યા છે. બેંક ઑફ બરોડા (Bank of Baroda), સ્ટેટ બેંક ઑફ ઇન્ડિયા (State bank of India) અને પંજાબ નેશનલ બેંક (Punjab National Bank) વિવિધ સેવા માટે નવા નિયમ લાગૂ કરશે. આ નિયમ બદલાતા સામાન્ય લોકોના ખિસ્સા પર પણ ભાર પડશે. અહીં એવા જ અમુક ફેરફાર વિશે જણાવી રહ્યા છીએ. આ ફેરફારની સીધી અસર તમારા ખિસ્સા પર પડશે.
SBI કરી રહ્યું છે મોટા ફેરફાર
દેશની સૌથી મોટી સાર્વજનિક ક્ષેત્રની બેન્ક SBI પૈસા ટ્રાન્સફર કરવાના નિયમોમાં ફેરફાર કરી રહી છે. હવે બેન્ક 2 લાખ રૂપિયાથી 5 લાખ રૂપિયાની વચ્ચે IMPS દ્વારા પૈસા ટ્રાન્સફર કરવા પર 20 રૂપિયા + GST ચાર્જ વસુલશે. એટલે કે હવે તમારે પૈસા ટ્રાન્સફર કરવા મોંઘા પડી શકે છે. મહત્વનું છે કે આરબીઆઈએ ઓક્ટોબર 2021માં IMPSના માધ્યમથી ટ્રાન્સઝેક્સનની એમાઉન્ટ 2 લાખ રૂપિયા વધારીને 5 લાખ રૂપિયા કરી દીધી હતી. રિઝર્વ બેન્કે IMPS દ્વારા થતા ટ્રાન્ઝેક્શનની લિમિટને પણ એક દિવસમાં 2 લાખ રૂપિયાથી વધારેની 5 લાખ રૂપિયા કરી દીધી છે.
આ બે બેંકના નિયમોમાં ફેરફાર
એક ફેબ્રુઆરીથી થવા જઈ રહેલા ફેરફારમાં બેન્ક ઓફ બરોડાના ચેક ક્લીયરન્સના નિયમો પણ શામેલ છે. બેન્ક ઓફ બરોડાના ગ્રાહકોને 1 ફેબ્રુઆરીથી ચેક પેમેન્ટ માટે પોઝિટિવ પે સિસ્ટમ ફોલો કરવાની રહેશે. એટલે કે હવે ચેક સાથે જોડાયેલી જાણકારી પણ મોકલવાની રહેશે ત્યારે જ તમારો ચેક ક્લીયર થશે. તમને જણાવી દઈએ કે ફેરફાર 10 લાખ રૂપિયાથી ઉપરના ચેક ક્લીયરન્સ માટે છે. પંજાબ નેશનલ બેંક (PNB) જે નિયમમાં ફેરફાર કરી રહી છે તેની સીધી અસર તમારા ખિસ્સા પર પડશે. તમારા એકાઉન્ટમાં પૈસા ન હોવાથી જો કોઈ હપ્તો બાઉન્સ થાય છે તો તમારે 250 રૂપિયા પેનલ્ટી ચૂકવવી પડશે. હાલ આ રકમ 100 રૂપિયા છે.