ભારત અને ચીન વચ્ચે છેલ્લા કેટલાક સમયથી ભયંકર અવિશ્વાસનું વાતાવરણ છે. આમ તો આ બંને દેશો વચ્ચે દાયકાઓ પહેલા એક યુદ્ધ ખેલાઇ ચુક્યું છે અને ત્યારે ભારત લશ્કરી દષ્ટિએ ઘણુ નબળું હતું અને તેણે ચીન સામે પરાજય વેઠવાનો વારો આવ્યો હતો. તે પછી લાંબા સમય સુધી તનાવભરી શાંતિ રહી. દરમ્યાન, ભારતે લશ્કરી રીતે બળવાન બનવાનું ચાલુ રાખ્યું. આજે તો ભારત એક અણુ સત્તા છે અને વિશ્વના અગ્રણી શક્તિશાળી લશ્કરોમાં ભારતના લશ્કરની ગણના થાય છે. બીજી બાજુ, ચીનનું લશ્કર પણ અગાઉ કરતા ઘણુ બળુકુ બન્યું છે અને તે અમેરિકા સુદ્ધાંને પડકારવા માંડ્યું છે.
તેની વિસ્તારવાદી નીતિને કારણે છેલ્લા કેટલાક વર્ષોમાં તેને ફરીથી ભારત સાથે સંઘર્ષ થવા માંડયો છે. ૨૦૧૭માં અંકુશ હરોળ પર બંને દેશોના સૈનિકો વચ્ચે લાંબી મડાગાંઠ ચાલી હતી. કેટલોક સમય કંઇક શાંતિ રહ્યા બાદ ૨૦૨૦માં લડાખમાં બંને દેશો વચ્ચે સંઘર્ષ શરૂ થયો અને તે જ વર્ષના જૂન માસમાં તો લડાખની ગલવાન ખીણમાં બંને દેશોના સૈનિકો વચ્ચે દંડાઓ, સળિયાઓ જેવા સાધનો વડે ભયંકર લડાઇ થઇ જેમાં ભારતના ૨૦ જેટલા સૈનિકોનાં મોત થયા. ચીનના પણ ઘણા સૈનિકોના મોત તે અથડામણમાં થયા હોવાનું કહેવાય છે.
આના પછી બંને દેશો વચ્ચે શાંતિ માટે રાજદ્વારી અને લશ્કરી સ્તરે અનેક મંત્રણાઓ થઇ અને લડાખ સરહદેથી સૈનિકોનું પ્રમાણ ઘટાડવા બંને દેશો સહમત થયા, ત્યાર પછી એવું લાગતું હતું કે ચીન હવે ઉંબાડિયા નહીં ફેંકે અને તેની સાથેની સરહદે શાંતિ સ્થપાશે. પરંતુ આ મહિને ફરી એક વાર ભારત અને ચીનના સૈનિકો વચ્ચે સંઘર્ષ થયો હોવાના અહેવાલ બહાર આવ્યા છે. અરૂણાચલના તવાંગ સેકટરમાં વાસ્તવિક અંકુશ હરોળ પર ૯મી ડિસેમ્બરે બંને દેશોના સૈનિકો વચ્ચે અથડામણ થઇ હતી જેના પરિણામે બંને સેનાઓના થોડાક સૈનિકોને નજીવી ઇજાઓ થઇ હતી અને લશ્કરી સૂત્રોએ સોમવારે માહિતી આપી છે.
ભારતીય લશ્કરી સૂત્રોએ જણાવ્યું હતું કે નવમી ડીસેમ્બરે ચીનના પીએલએના સૈનિકો તવાંગ સેકટરમાં એલએસી પર આવ્યા હતા જેમનો આપણા સૈનિકોએ મક્કમ અને નક્કર રીતે સામનો કર્યો હતો. આ અથડામણને કારણે બંને તરફના કેટલાક લશ્કરી કર્મચારીઓને નજીવી ઇજાઓ થઇ હતી એમ એક સૂત્રએ જણાવ્યું હતું. સૂત્રોએ જણાવ્યું હતું કે બંને તરફના સૈનિકો જો કે તે વિસ્તારમાંથી તરત પાછળ હટી ગયા હતા.
આ બનાવના પગલે તે વિસ્તારના આપણા કમાન્ડરે તેમના ચીની સમકક્ષ સાથે આ મુદ્દાની ચર્ચા કરવા માટે એક ફ્લેગ મીટિંગ યોજવામાં આવી હતી. આ ફ્લેગ મીટિંગ શાંતિ અને સંવાદિતા જાળવવા માટે નક્કી કરવામાં આવેલ વ્યવસ્થા મુજબ યોજવામાં આવી હતી. વાસ્તવિક અંકુશ હરોળ પર અરૂણાચલના તવાંગ સેકટરના ચોક્કસ વિસ્તારો અંગે બંને દેશોના લશ્કરો પોત પોતાના ખયાલ ધરાવે છે, જ્યાં બંને દેશોના લશ્કરી દળો અમુક વિસ્તારો પર પોત પોતાના દેશના કબજાના દાવાઓ કરે છે. છેક ૨૦૦૬ના વર્ષથી આ પ્રવાહ રહ્યો છે.
હાલના સંઘર્ષની ઘટનામાં ભારતના છ જેટલા સૈનિકોને ઇજા થઇ હોવાનું સંરક્ષણ સૂત્રો તરફથી જાણવા મળે છે. નવમી તારીખે અરૂણાચલના તવાંગમાં ભારત ચીનના સૈનિકો વચ્ચે થયેલી હાથો હાથની લડાઇના અહેવાલ વચ્ચે એવા અહેવાલ પણ આવ્યા છે કે આ સંઘર્ષ થયો તે પહેલા ગયા સપ્તાહે અરૂણાચલમાં ભારતીય ચોકીઓ તરફ કેટલાક ચીની ડ્રોન્સ ધસી આવ્યા હતા જેમની સામે ભારતે પોતાના જેટ વિમાનો દોડાવવા પડ્યા હતા.એવી માહિતી મળે છે કે છેલ્લા કેટલાક મહિનાઓથી અરૂણાચલમાં ચીનના સૈનિકોની વર્તણૂક ઘણી આક્રમક બની રહી છે. ટોચના સંરક્ષણ સૂત્રો તરફથી જ આ માહિતી એક મીડિયા ગૃહને આપવામાં આવી છે. એમ કહેવાય છે કે અરૂણાચલના તનાવભર્યા યાંગત્સે વિસ્તારમાંથી ભારત પોતાની એક ચોકી ખસેડી લે એમ ચીન ઇચ્છે છે.
ગયા સપ્તાહ ચીનના કેટલાક પાયલોટ વગરના ઉડ્ડયન યંત્રો (ડ્રોન) ભારતીય ચોકીઓ તરફ આક્રમક રીતે ધસી આવ્યા હતા જેના પછી ભારતે આ ડ્રોનોનો સામનો કરવા માટે હવાઇ દળના એસયુ-૩૦ ફાઇટર જેટ વિમાનો ઉડાવવા પડ્યા હતા. ભારતીય હવાઇ દળે પણ ચીનના ખતરાનો સામનો કરવા માટે કેટલાક ડ્રોન ચીની બાજુની ઘણી નજીક સુધી ઉડાવવા પડ્યા હતા એમ કહેવાય છે. અત્રે ઉલ્લેખનીય છે કે અંકુશ હરોળ પર ગોળીબાર નહીં કરવાની સંધી ભારત અને ચીન વચ્ચે યુદ્ધ પછી થઇ છે. આ સંધિ મુજબ બંને દેશોના સૈનિકો ગોળીબાર તો કરતા નથી પણ તનાવના સંજોગોમાં સળિયા, દંડા જેવા સાધનો વડે બાખડી પડે છે અને ચીન હવાઇ છમકલાઓ પણ કરતું રહે છે.
ગલવાનની લડાઇ પછી બંને દેશો વચ્ચે અંકુશ હરોળ પર શાંતિ અને સંવાદિતા જાળવવા માટે જે મંત્રણાઓ થઇ અને સૈનિકો પાછા ખેંચવાની સમજૂતિઓ થઇ તેના પછી ચીને અરૂણાચલમાં પોત પ્રકાશ્યું છે. અરૂણાચલ પ્રદેશ પર ચીન લાંબા સમયથી પોતાનો દાવો કરતું આવ્યું છે અને તેની નજીક તેણે ઘણો માળખાકીય વિકાસ પણ કર્યો છે જેથી તેને આક્રમણ કરવામાં સરળતા રહે. અરૂણાચલ સરહદના હાલના બનાવો પરથી ચીનની ખોરી દાનત ફરી એકવાર છતી થઇ ગઇ છે અને ફરી એકવાર એ સાબિત થયું છે કે ચીન સરહદે ગફતલમાં રહેવાનું આપણને જરાયે પોષાય તેમ નથી.