માલદીવના (Maldives) ભારત (India) વિરોધી વલણથી બંને દેશો વચ્ચે રાજકીય તણાવ ઓછો થઈ રહ્યો નથી. માલદીવના રાષ્ટ્રપતિ મોહમ્મદ મુઈઝુના નિવેદનોથી ઉભા થયેલા વિવાદો છતાં ભારતે મોટું દિલ બતાવ્યું છે અને માલદીવને આવશ્યક ચીજવસ્તુઓની સપ્લાય (Supply) કરવાનો નિર્ણય લીધો છે. તેમાં ખાંડ, ઘઉં, ચોખા અને બટાકા જેવી વસ્તુઓનો સમાવેશ થાય છે. ખાસ વાત એ છે કે આ સપ્લાય 1981 પછીનો સૌથી મોટો સપ્લાય છે, જેના માટે માલદીવે ભારતનો આભાર વ્યક્ત કર્યો છે. શુક્રવારે 5 એપ્રિલે ડાયરેક્ટોરેટ જનરલ ઓફ ફોરેન ટ્રેડ (DGFT) એ આ અંગેની સૂચના આપીને આ માહિતી આપી છે.
ભારત આ સામાન માલદીવ મોકલશે
ભારત માલદીવમાં જે વસ્તુઓની નિકાસ કરશે તેમાં ચોખા 124,218 ટન, ઘઉંનો લોટ 109,162 ટન, ખાંડ 64,494 ટન, બટાકા 21,513 ટન, ડુંગળી 35,749 ટન, પથ્થરો અને રેતી 10 લાખ ટન તેમજ 42.75 કરોડ ઈંડાનો સમાવેશ થાય છે. ભારતીય ઉચ્ચાયુક્તે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર એક પોસ્ટમાં કહ્યું કે આ વખતે 1981માં હસ્તાક્ષર કરાયેલા દ્વિપક્ષીય વેપાર કરાર હેઠળ નિકાસ કરવા માટેના માલની મંજૂર માત્રા સૌથી વધુ છે.
માલદીવના વિદેશ મંત્રીએ ભારતનો આભાર વ્યક્ત કર્યો
માલદીવના વિદેશ મંત્રી મુસા ઝમીરે આ ઉદારતા માટે ભારત સરકારનો આભાર માન્યો છે. તેમણે એક્સ પરની પોસ્ટમાં કહ્યું કે આ આપણા બંને દેશો વચ્ચે લાંબા સમયથી ચાલતી મિત્રતા અને દ્વિપક્ષીય વેપાર અને વાણિજ્યને વધુ વિસ્તૃત કરવાની મજબૂત પ્રતિબદ્ધતાનું પ્રતીક છે.
વિદેશ મંત્રી એસ જયશંકરે પણ જવાબ આપ્યો
માલદીવના વિદેશ મંત્રીના આ નિવેદન પર ભારતે પણ મૈત્રીપૂર્ણ પ્રતિક્રિયા આપી હતી. વિદેશ મંત્રી એસ જયશંકરે કહ્યું કે ભારત તેની નેબરહુડ ફર્સ્ટ અને સાગર નીતિઓ માટે મજબૂતીછી પ્રતિબદ્ધ છે. સિક્યોરિટી એન્ડ ગ્રોથ ફોર ઓલ ઇન ધ રિજન (SAGAR) એ હિંદ મહાસાગર ક્ષેત્રમાં દરિયાઇ સહયોગની ભારતની નીતિ અથવા સિદ્ધાંત છે.
જણાવી દઈએ કે માલદીવને આવશ્યક ચીજવસ્તુઓની સપ્લાય કરવાનો નિર્ણય બંને દેશો વચ્ચે ગયા વર્ષે નવેમ્બરથી શરૂ થયેલા વિવાદ વચ્ચે લેવામાં આવ્યો છે. શપથ લીધાના થોડા કલાકોમાં રાષ્ટ્રપતિ મોહમ્મદ મુઇઝુએ ભારતને તેના 88 સૈન્ય કર્મચારીઓને તેમના દેશમાંથી પાછા બોલાવવાની માંગ કરી હતી. આ પછી બંને દેશો વચ્ચેના સંબંધો ત્યારે ખરાબ થયા જ્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તેમની લક્ષદ્વીપ મુલાકાતની તસવીરો અને વીડિયો સોશિયલ મીડિયા પર પોસ્ટ કર્યા જેના પર માલદીવના ત્રણ મંત્રીઓએ અભદ્ર ટિપ્પણીઓ કરી હતી.