Sports

ભારતે ઘોડેસવારીમાં ઈતિહાસ રચ્યો, 41 વર્ષ પછી ગોલ્ડ જીત્યો

નવી દિલ્હી : ચીનમાં (China) રમાઈ રહેલી એશિયન ગેમ્સ 2023માં (AsianGame2023) ભારતના ખેલાડીઓ જોરદાર પ્રદર્શન કરી રહ્યાં છે. એશિયન ગેમ્સમાં ભારતે (India) અત્યાર સુધીમાં એક ડઝન જેટલાં મેડલ જીતી લીધા છે, જેમાં 2 ગોલ્ડ મેડલ છે. આજે ગેમ્સના ત્રીજા દિવસે ભારતીય ખેલાડીઓએ હોર્સ રાઈડીંગમાં (Hose Rideing) નવો ઈતિહાસ રચ્યો છે.

41 વર્ષના લાંબા અંતરાલ બાદ ભારતે હોર્સ રાઈડીંગમાં ગોલ્ડ મેડલ જીત્યો (India Win Gold Medal In Horse Riding) છે. ભારતે ઘોડેસવારીની ટીમ ડ્રેસેજ ઈવેન્ટમાં ઐતિહાસિક ગોલ્ડ મેડલ જીત્યો છે. સુદીપ્તિ હજેલા, દિવ્યકૃતિ સિંહ, હૃદય છેડા અને અનુષ અગરવલ્લાની જોડીએ 41 વર્ષ બાદ આ ઈવેન્ટમાં દેશ માટે ગોલ્ડ જીત્યો છે. આ અગાઉ ભારતે 1982માં ઘોડેસવારીમાં ગોલ્ડ જીત્યો હતો.

આજે એશિયન ગેમ્સના ત્રીજા દિવસે ભારતીય મેન્સ હોકી ટીમે સિંગાપોરને 16-1થી હરાવીને જંગી જીત નોંધાવી હતી. હવે મેન્સ હોકી ટીમ ગુરુવારે જાપાન સામે રમશે. બીજી તરફ ઇબાદ અલીએ મેન્સ સેલિંગમાં બ્રોન્ઝ મેડલ જીત્યો હતો અને નેહા ઠાકુરે મહિલા સેલિંગમાં સિલ્વર મેડલ જીત્યો હતો.

આ અગાઉ સોમવારે ભારતીય મહિલા ક્રિકેટ ટીમે શ્રીલંકાને હરાવીને ગોલ્ડ મેડલ જીત્યો હતો. ફાઈનલ મેચમાં ભારતીય વુમન્સ ટીમે શ્રીલંકાને 19 રને હરાવી હતી. ભારતીય મહિલા ક્રિકેટ ટીમે પ્રથમ વખત એશિયન ગેમ્સમાં ભાગ લીધો હતો. પહેલાં જ પ્રયત્નમાં ઈન્ડિયન વુમન્સ ટીમે ગોલ્ડ મેડલ જીતીને ઈતિહાસ રચ્યો હતો.

હોર્સ રાઈડીંગની વાત કરીએ તો 1900માં હોર્સ રાઇડીંગ ઓલિમ્પિક ગેમ્સનો હિસ્સો બન્યું હતું. આ રમત 1982માં એશિયન ગેમ્સ પ્રોગ્રામમાં સામેલ કરાઈ હતી. જાપાને છેલ્લાં કેટલાંક વર્ષોમાં એશિયન ગેમ્સમાં 18 ગોલ્ડ સહિત કુલ 43 ગોલ્ડ જીતી રમતમાં પ્રભુત્વ જમાવી રાખ્યું છે. કોરિયાના નામે 15 ગોલ્ડ મેડલ છે.

ભારતે આ અગાઉ એશિયન ગેમ્સમાં ઘોડેસવારીમાં ત્રણ ગોલ્ડ મેડલ, ત્રણ સિલ્વર મેડલ અને 6 બ્રોન્ઝ મેડલ જીત્યા હતા. ઘોડેસવારીમાં ભારતે ત્રણેય ગોલ્ડ મેડલ દિલ્હીમાં 1982માં જીત્યા હતા. રઘુબીર સિંહ વ્યક્તિગત ઈવેન્ટમાં ચેમ્પિયન બન્યા હતા. તેમણે ગુલામ મોહમ્મદ ખાન, બિશાલ સિંહ અને મિલ્ખા સિંહ સાથે ટીમ ઈવેન્ટમાં પણ ગોલ્ડ મેડલ જીત્યો હતો.

Most Popular

To Top