National

ઓમિક્રોન: મહારાષ્ટ્રમાં 8 અને કર્ણાટકમાં વધુ 6 કેસ નોંધાયા, ત્રીજી લહેર અંગે અપાઈ આ ચેતવણી

નવી દિલ્હી: (Delhi) કોરોનાના નવા પ્રકાર ઓમિક્રોનના (Omicron) આઠ નવા કેસ મહારાષ્ટ્રમાં (Maharashtra) અને છ કર્ણાટકમાં નોંધાયા છે. રાજ્યના આરોગ્ય પ્રધાન ડૉ. સુધાકર કેએ જણાવ્યું હતું કે દક્ષિણ કન્નડની બે શૈક્ષણિક સંસ્થાઓમાંથી પાંચમાં ઓમિક્રોન કેસની પુષ્ટિ થઈ છે. બ્રિટનથી પરત આવેલ એક વ્યક્તિ પણ ઓમિક્રોનથી સંક્રમિત જોવા મળ્યો છે. આ સાથે અત્યાર સુધીમાં મહારાષ્ટ્રમાં 48 અને કર્ણાટકમાં 14 લોકો ઓમિક્રોનથી પ્રભાવિત થયા છે. દેશમાં કોરોનાના નવા પ્રકાર ઓમિક્રોનથી સંક્રમિત દર્દીઓમાં ઝડપથી વધારો થઈ રહ્યો છે. કોરોના વાયરસનું ખતરનાક સ્વરૂપ હવે 12 રાજ્યોમાં ફેલાઈ ગયું છે. અત્યાર સુધીમાં મહારાષ્ટ્રમાં 48, દિલ્હીમાં 22, રાજસ્થાનમાં 17, તેલંગાણામાં 8, કર્ણાટકમાં 14, કેરળમાં 7, ગુજરાતમાં 5, ઉત્તર પ્રદેશ, આંધ્રપ્રદેશ, તમિલનાડુ, બંગાળ અને ચંદીગઢમાં એક-એક દર્દી મળી આવ્યા છે.

કર્ણાટકની બે શૈક્ષણિક સંસ્થામાં કોરોના વિસ્ફોટની સ્થિતિ સામે આવી છે. એક સંસ્થામાં કોરોનાના 14 કેસ સામે આવ્યા છે તો અન્ય એક સંસ્થામાં 19 કેસ સામે આવ્યા છે. ચિંતાની વાત એ છે કે આ 33 કેસમાં પાંચ ઓમિક્રોન વેરિયન્ટના કેસ છે. આ ઉપરાંત UKથી આવેલી એક વ્યક્તિ ઓમિક્રોન પોઝિટિવ જણાયો છે. સૌથી વધુ અસરગ્રસ્ત મહારાષ્ટ્રમાં સંક્રમણ વધી રહ્યું છે. નવી મુંબઈની એક શાળામાં 16 બાળકમાં કોરોના પોઝિટિવની પુષ્ટિ થઈ છે. BMCના અધિકારીઓએ આ મામલે જાણ થયા બાદ શાળા મેનેજમેન્ટનો સંપર્ક કર્યો હતો. જાણકારી આપવામાં આવી છે કે હાલમાં તમામ બાળકોને આઇસોલેશનમાં રાખવામાં આવ્યાં છે.

કોરોનાનું નવું સ્વરૂપ ઓમિક્રોન અત્યંત ચેપી છે. તે ઝડપથી ફેલાઈ રહ્યો છે. દોઢથી બે દિવસમાં ઓમિક્રોનના કેસ બમણા થઈ રહ્યા છે. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન (WHO) એ આ અંગે ચેતવણી આપી છે. કોવિડ રસી ઓમિક્રોન સામે કેટલી અસરકારક છે તે બતાવવા માટે હજુ પણ પૂરતા પુરાવા નથી. બીજી તરફ રાષ્ટ્રીય કોવિડ -19 સુપરમોડલ સમિતિના વડા વિદ્યાસાગરે ત્રીજી લહેરની આગાહી કરી છે. તે આવતા વર્ષની શરૂઆતમાં આવશે. ફેબ્રુઆરીમાં તે ટોચ પર હશે એવું જણાવાયું છે. સમિતિના સભ્યોએ આ વર્ષની શરૂઆતમાં ત્રીજી લહેરની ભવિષ્યવાણી કરી દીધી છે. જોકે રાહતની વાત એ છે કે તેની અસર હળવી હશે. સમિતિના પ્રમુખ વિદ્યાસાગરનું કહેવું છે કે દેશમાં ભલે કોરોનાની ત્રીજી લહેર આવે પરંતુ મોટા ભાગના લોકોમાં રહેલ એન્ટીબોડીને કારણે તે બીજી લહેર કરતા હળવી હશે.

Most Popular

To Top