નવી દિલ્હી, તા. 19 (PTI): ભારત અને ચીન વચ્ચેના થીજી ગયેલા સંબંધો પીગળવાના એક મોટા સંકેતમાં બંને દેશોએ આજે સ્થિર, સહકારભર્યા અને ભવિષ્યલક્ષી સંબંધો બનાવવા માટે શ્રેણીબદ્ધ પગલાં જાહેર કર્યા, જેમાં સરહદ પર શાંતિ જાળવી રાખવી, સરહદી વેપાર ફરી શરૂ કરવો, રોકાણ પ્રવાહને પ્રોત્સાહન આપવું અને શક્ય તેટલી વહેલી તકે સીધી ફ્લાઇટ કનેક્ટિવિટી ફરી શરૂ કરવી શામેલ છે.
પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પની વેપાર અને ટેરિફ અંગેની નીતિઓને લઈને ભારત અને અમેરિકા વચ્ચેના સંબંધોમાં વધતી જતી ખટાશ વચ્ચે બે એશિયન દિગ્ગજોની સંપૂર્ણ વિકાસ સંભાવનાને સાકાર કરવાના ઉદ્દેશ્યથી આ જાહેરાતો કરવામાં આવી છે. ચીનના વિદેશ પ્રધાન વાંગ યીએ છેલ્લા બે દિવસમાં વિદેશ પ્રધાન એસ જયશંકર અને રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજિત ડોભાલ સાથે વ્યાપક વાટાઘાટો કર્યા બાદ ભારત અને ચીને સંયુક્ત દસ્તાવેજમાં આ પગલાંઓની યાદી આપી હતી. વાંગ યી વડા પ્રધાન નરેન્દ્ર મોદીને પણ મળ્યા હતા.
બંને પક્ષો એ બાબતે સંમત થયા હતા કે તેમણે વડા પ્રધાન મોદી અને ચીનના પ્રમુખ ઝિ જિનપિંગ વચ્ચે થયેલી મહત્વપૂર્ણ સામાન્ય સમજૂતીઓનો ગંભીરતાથી અમલ કરવો જોઈએ અને ભારત-ચીન સંબંધોના ટકાઉ, મજબૂત અને સ્થિર વિકાસને પ્રોત્સાહન આપવું જોઈએ. વાંગ સોમવારે બે દિવસની મુલાકાતે દિલ્હી પહોંચ્યા હતા. મંગળવારે ખાસ પ્રતિનિધિઓની વાતચીતના માળખા હેઠળ ડોવલ-વાંગ વાટાઘાટોમાં પાંચ મહત્વના પરિણામો આવ્યા જેમાં સલાહમસલત અને સંકલનના કાર્યકારી માળખા હેઠળ એક નિષ્ણાત જૂથની સ્થાપના સરહદનું વહેલી તકે સીમાંકન કરવા માટે કરવાની બાબતનો સમાવેશ થાય છે.
સંયુક્ત દસ્તાવેજમાં કહેવામાં આવ્યું છે કે બંને પક્ષો ત્રણ નિયુક્ત વેપાર બિંદુઓ – લિપુલેખ ઘાટ, શિપકી લા ઘાટ અને નાથુ લા ઘાટ દ્વારા સરહદ વેપાર ફરીથી ખોલવા માટે સંમત થયા છે. ભારત અને ચીન નક્કર પગલાં દ્વારા બંને દેશો વચ્ચે વેપાર અને રોકાણ પ્રવાહને સરળ બનાવવા માટે પણ સંમત થયા છે. ભારત અને ચીન ચીનની મુખ્ય ભૂમિ અને ભારતીય શહેરો વચ્ચે વહેલી તકે સીધી ફ્લાઇટ કનેક્ટિવિટી ફરી શરૂ કરવા અને અપડેટેડ હવાઈ સેવા કરારને અંતિમ સ્વરૂપ આપવા માટે પણ સંમત થયા હતા. સંયુક્ત દસ્તાવેજમાં જણાવાયું છે કે તેઓ બંને દિશામાં પ્રવાસીઓ, વ્યવસાયો, મીડિયા અને અન્ય મુલાકાતીઓને વિઝાની સુવિધા પર પણ સંમત થયા હતા.
ચીન ભારતને દુર્લભ ખનીજો, ખાતર પુરવઠો ફરી શરૂ કરશે
ચીન ભારતને ખાતર, દુર્લભ ખનીજ અને ટનલ બોરિંગ મશીનો પૂરા પાડશે. ચીનના વિદેશ મંત્રી વાંગ યીએ ભારતીય વિદેશ મંત્રી ડો. એસ. જયશંકરને ખાતરી આપી હતી કે આ જરૂરિયાતો પૂરી કરવામાં આવશે, એમ સૂત્રોએ જણાવ્યું હતું. વાંગ યી 18 ઓગસ્ટના રોજથી ભારતની બે દિવસીય મુલાકાતે છે. તેમણે સોમવારે જયશંકર સાથે દ્વિપક્ષીય વાટાઘાટો કરી હતી. આ દરમિયાન, બંને દેશો પરસ્પર સંબંધોને આગળ વધારવા અને સહયોગ જાળવવા સંમત થયા હતા. વાંગ યીએ કહ્યું હતું, ‘વિશ્વની પરિસ્થિતિ ઝડપથી બદલાઈ રહી છે. મુક્ત વેપાર અને આંતરરાષ્ટ્રીય વ્યવસ્થાને પડકારોનો સામનો કરવો પડી રહ્યો છે. ભારત અને ચીન, જે સૌથી મોટા વિકાસશીલ દેશો છે અને જેમની સંયુક્ત વસ્તી 2.8 અબજથી વધુ છે, તેમણે જવાબદારી બતાવવી જોઈએ અને એકબીજા સાથે સહયોગ કરવો જોઈએ.’
ઇલેક્ટ્રિક વાહનો (ઈવી), ડ્રોન અને બેટરી સ્ટોરેજ સહિત ઉચ્ચ કક્ષાના ટેકનોલોજી ઉત્પાદનો માટે ધરતીના દુર્લભ ખનીજ મહત્વપૂર્ણ માનવામાં આવે છે. ચીન વૈશ્વિક સ્તરે આવા ખનીજોનો સૌથી મોટો સપ્લાયર છે. ભારત તેના આર્થિક વિકાસને વેગ આપવા માટે આ દુર્લભ ખનીજના સતત પુરવઠા પર નજર રાખી રહ્યું છે. ચીન 2023 સુધી ભારતમાં મોટા પ્રમાણમાં ખાતરની નિકાસ કરતું હતું. જો કે, બીજિંગે ગયા વર્ષે મોટી સંખ્યામાં દેશોને પુરવઠો બંધ કરી દીધો હતો. તેણે જૂનમાં પ્રતિબંધો હટાવી લીધા હતા પરંતુ ભારતમાં નિકાસ ફરી શરૂ કરી ન હતી.
ચીને જુલાઈ 2025 ની શરૂઆતમાં ભારતમાં આવશ્યક મશીનો અને તેના પાર્ટ્સની ડિલિવરી પર પ્રતિબંધ મૂક્યો હતો. આ મશીનો અને પાર્ટ્સ ઇલેક્ટ્રોનિક્સ અને ઓટોમોબાઇલ્સ જેવા ક્ષેત્રો માટે અત્યંત મહત્વપૂર્ણ છે. આ ઉપરાંત, ભારતમાં આઇફોન બનાવતી કંપની ફોક્સકોને ભારતમાંથી તેના 300થી વધુ ચીની એન્જિનિયરો અને ટેકનિશિયનોને પાછા બોલાવવાનો નિર્દેશ આપ્યો હતો. અહેવાલો મુજબ ચીને ભારતના ઉત્પાદન ક્ષેત્રને અસર કરવા માટે આવું કર્યું હતું. એપ્રિલની શરૂઆતમાં, ચીને સાત દુર્લભ ખનીજોના નિકાસ પર કડક પ્રતિબંધો લાદ્યા હતા. તેમની આયાત માટે ખાસ લાઇસન્સ જરૂરી બનાવવામાં આવ્યું હતું. આ કારણે, ભારતને તેનો પુરવઠો બંધ થયો હતો.
ભારત-ચીન સંબંધોમાં સતત પ્રગતિ થઈ છેઃ મોદી
મંગળવારે ચીનના વિદેશ મંત્રી વાંગ યીને મળ્યા ત્યારે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ચીન સાથેની સરહદ પર શાંતિ અને સુલેહ જાળવવાના મહત્વ પર ભાર મૂક્યો હતો અને સરહદ પ્રશ્નના વાજબી અને પરસ્પર સ્વીકાર્ય ઉકેલ માટે ભારતની પ્રતિબદ્ધતાનો પુનરોચ્ચાર કર્યો હતો. વડા પ્રધાન મોદીએ જણાવ્યું હતું કે, છેલ્લા ૧૦ મહિનામાં ભારત-ચીન સંબંધોમાં એકબીજાનાં હિતો અને સંવેદનશીલતાઓના આદરને કારણે સતત પ્રગતિ થઈ છે. મોદીએ આ વાત વાંગ યીએ તેમની સાથે મુલાકાત લીધા બાદ સોશિયલ મીડિયા પોસ્ટમાં કહી હતી. વડા પ્રધાને ગયા વર્ષે ઓક્ટોબરમાં રશિયન શહેર કઝાનમાં એક બહુપક્ષીય કાર્યક્રમ દરમિયાન ચીન પ્રમુખ શી જિનપિંગ સાથે થયેલી તેમની વાતચીતનો પણ ઉલ્લેખ કર્યો હતો. વડાપ્રધાને કહ્યું, ‘
વિદેશ મંત્રી વાંગ યીને મળીને આનંદ થયો. ગયા વર્ષે કઝાનમાં પ્રમુખ શી જિનપિંગ સાથેની મારી મુલાકાત પછી ભારત-ચીન સંબંધોમાં એકબીજાનાં હિતો અને લાગણીઓના સન્માનને કારણે સતત પ્રગતિ થઈ છે.’’ મોદીએ ઉમેર્યું હતું કે, ‘’હું શાંધાઈ સહયોગ સંગઠન (એસસીઓ) શિખર સંમેલન દરમિયાન તિયાનજિનમાં થનારી અમારી આગામી મુલાકાતની આતુરતાથી રાહ જોઈ રહ્યો છું. ભારત અને ચીન વચ્ચે સ્થિર, આગાહીક્ષમ, રચનાત્મક સંબંધો પ્રાદેશિક તેમ જ વૈશ્વિક શાંતિ અને સમૃદ્ધિમાં નોંધપાત્ર યોગદાન આપશે.’’ એમ મોદીએ કહ્યું હતું.