દેશના પહેલા CDS જનરલ બિપિન રાવતના નિધન બાદથી અત્યાર સુધી તેમનું પદ ખાલી છે. ભારતના નવા લેફ્ટનન્ટ જનરલ મનોજ પાંડેની દેશના નવા સેના પ્રમુખના પદે પસંદગી કરવામાં આવી છે. 1મે, 2022ના રોજ રોજ લેફ્ટનન્ટ જનરલ મનોજ પાંડેને ભારતીય સેનાની કમાન સોંપવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.
મળતી માહિતી મુજબ હાલમાં દેશ માટે કાર્યરત સેના પ્રમુખ મનોજ મુકુંદ નરવણે 30 એપ્રિલના રોજ સેવાનિવૃત્ત થઈ રહ્યા છે. મનોજ મુકુંદ નરવણે પછી આ પદ લેફ્ટનન્ટ જનરલ મનોજ પાંડેને સોંપવામાં આવશે તે અંગેનો નિર્ણય લેવામાં આવ્યો છે. લેફ્ટનન્ટ જનરલ મનોજ પાંડે સેનામાં સૌથી વરિષ્ઠ છે.
લેફ્ટનન્ટ જનરલ મનોજ પાંડેની વાત કરીએ તો તેઓ પોતાની 39 વર્ષની સૈન્ય કારકિર્દીમાં LOC પર પાયદળ બ્રિગેડ, લદ્દાખમાં પર્વતીય ડિવીઝન અને ઉત્તર પૂર્વમાં કોરની કમાન સંભાળી ચૂકયાં છે. પૂર્વ કમાનનો કાર્યભાળ સંભાળતા અગાઉ તેઓ આંદામાન અને નિકોબાર કમાનના કમાન્ડર-ઇન-ચીફનો કાર્યકાળ સંભાળી ચૂક્યા છે. તેઓ જમ્મુ-કાશ્મીરમાં LOC પલ્લનવાલામાં ચલાવવામાં આવેલા ઓપરેશન પરાક્રમનું નેતૃત્વ હાથ ઘર્યું હતું. જમ્મુ-કાશ્મીરમાં વર્ષ 2001માં સંસદ હુમલા પછી આ ઓપરેશન હાથ ઘરવામાં આવ્યું હતું. આ ઓપરેશનમાં મોટી સંખ્યામાં આતંકવાદીઓનો ઠાર કરવામાં આવ્યા હતા.
લેફ્ટનન્ટ જનરલ મનોજ પાંડે પ્રારંભિક શાળાકીય શિક્ષણ પછી નેશનલ ડિફેન્સ એકેડમીમાં જોડાયા હતાં. એનડીએ બાદ તેઓ ભારતીય મિલિટરી એકેડમીમાં જોડાયા અને અધિકારી તરીકેનું પદ સંભાળી લીધું હતું. તેઓએ 3 મે 1987ના રોજ સરકારી ડેન્ટલ કોલેજના ગોલ્ડ મેડલિસ્ટ અર્ચના સાલ્પેકર સાથે લગ્ન કર્યા હતાં.
ડિસેમ્બર 8, 2021નાં રોજ ભારતના CDS જનરલ બિપિન રાવત તેમજ તેમના પત્ની મધુલિકા હેલિકોપ્ટર દુર્ધટનામાં મૃત્યુ પામ્યાં હતાં. જનરલ બિપિન રાવતને મરણોત્તર દેશના બીજા સર્વોચ્ચ નાગરિક સન્માન પદ્મવિભૂષણથી સન્માનિત કરવામાં આવ્યા હતા. તેઓનો આ પુરસ્કાર જનરલ બિપિન રાવતની દીકરીઓએ ગ્રહણ કર્યું હતું.