Business

આ ચાર કારણોના લીધે શેરબજાર તૂટ્યું, રોકાણકારોના 5 લાખ કરોડ ધોવાયા

મુંબઈ: ભારતીય શેરબજારમાં રોકાણકારોના ખરાબ દિવસ પૂરા થવાનું નામ લઈ રહ્યાં નથી. વીતેલા વર્ષની જબરદસ્ત તેજી બાદ આ વર્ષે છેલ્લાં કેટલાંક મહિના ખૂબ કપરા ગયા છે. શેરબજારમાં એક દિવસ તેજી તો બીજા દિવસે ભયંકર ઘટાડો જોવા મળતો હોય રોકાણકારો ચકડોળમાં બેઠાં હોવાનો અનુભવ કરી રહ્યાં છે. આજે ગુરુવારે તા. 12 મે 2022ના રોજ પણ શેરબજારમાં જબરદસ્ત 1400 પોઈન્ટનો કડાકો જોવા મળ્યો છે, જેના લીધે રોકાણકારોએ 5 લાખ કરોડથી વધુ રૂપિયાનું નુકસાન કર્યું હોવાનું અનુમાન છે.

ગયા વર્ષની જબરદસ્ત તેજી બાદ વિશ્વભરના શેરબજારો છેલ્લા કેટલાક મહિનાઓથી કરેક્શનની ઝપેટમાં છે. ખાસ કરીને રેકોર્ડ ફુગાવાના કારણે વ્યાજદરમાં વધારો કરવાના સમયગાળાની શરૂઆતના કારણે વેચાણમાં વધારો થયો છે. આજે ગુરુવારના ટ્રેડિંગમાં BSE સેન્સેક્સ અને NSE નિફ્ટી બંને 2-2 ટકાથી વધુ તૂટ્યા છે. આના કારણે રોકાણકારોના માર્કેટમાં એક જ ઝાટકે 5 લાખ કરોડ રૂપિયાથી વધુનું નુકસાન થયું છે.

એક મહિનામાં શેરબજાર આટલું ગગડ્યું
આજે સેન્સેક્સની 30 કંપનીઓમાંથી માત્ર 2 વિપ્રો અને HCL ટેક ગ્રીન ઝોનમાં રહી શકી હતી. ટ્રેડિંગ દરમિયાન સેન્સેક્સ એક સમયે 1400 પોઈન્ટ સુધી ગગડી ગયો હતો. ટ્રેડિંગ બંધ થયું ત્યારે સેન્સેક્સ 1158.08 પોઈન્ટ (2.14 ટકા)ના ઘટાડા સાથે 52930.31 પોઈન્ટ પર બંધ થયો હતો. એ જ રીતે NSE નિફ્ટી 359.10 પોઈન્ટ (2.22 ટકા)ના ઘટાડા સાથે 15808 પોઈન્ટ પર બંધ રહ્યો હતો. છેલ્લા 1 મહિનામાં સેન્સેક્સ 5500 પોઈન્ટ તૂટ્યો છે. છેલ્લા એક મહિનામાં નિફ્ટીમાં પણ લગભગ 10 ટકાનો ઘટાડો થયો છે.

શેરબજારમાં ઘટાડા પાછળ આ ચાર કારણો જવાબદાર
શેરબજારમાં ઘટાડા માટે વૈશ્વિક પરિબળો જવાબદાર હોવાનું નિષ્ણાતો માની રહ્યાં છે. અમેરિકાની મોંઘવારી, નબળો રૂપિયો સહિતના કારણોના લીધે બજાર આજે તૂટ્યું છે. ચાલો જાણીએ એ ચાર કારણો વિશે જેના લીધે બજારમાં ભૂકંપ આવી ગયો છે.

અમેરિકામાં મોંઘવારીઃ અમેરિકામાં ફુગાવાના તાજેતરના આંકડા જાહેર કરવામાં આવ્યા છે. આ મુજબ એપ્રિલ મહિનામાં છૂટક ફુગાવો માર્ચમાં 8.5 ટકાથી ઘટીને 8.3 ટકા પર આવી ગયો છે. જો કે આ અંદાજ 8.1 ટકા કરતા વધારે છે. ફુગાવો ઊંચો રહેવા સાથે ફેડરલ રિઝર્વ દરમાં વધારો કરવા માટે આક્રમક અભિગમ અપનાવી શકે તેવી આશંકા વધી છે. જેના કારણે ડરેલા રોકાણકારો વેચાણ કરી રહ્યા છે.

મજબૂત ડૉલર, નબળો રૂપિયો: યુએસ ચલણ ડૉલર મજબૂત થઈ રહ્યો છે. અત્યારે ડૉલર ઇન્ડેક્સ છ મુખ્ય કરન્સીના બાસ્કેટમાં વધીને 103.92 પર પહોંચી ગયો છે. આ લગભગ બે દાયકામાં ડોલરનું સર્વોચ્ચ સ્તર છે. ડોલરની આ રેકોર્ડ ઝડપી કરન્સી માર્કેટમાં વોલેટિલિટી જોવા મળી રહી છે. આ અઠવાડિયે ભારતીય ચલણ ડોલર સામે તેની સર્વકાલીન નીચી સપાટીએ પહોંચી ગયું છે. આનાથી શેરબજારના સેન્ટિમેન્ટ પર પ્રતિકૂળ અસર પડી રહી છે.

નબળા વૈશ્વિક સંકેતો: ગઈ કાલે યુએસ માર્કેટમાં ઘટાડો જોવા મળ્યો હતો. ડાઉ જોન્સ ઈન્ડસ્ટ્રીયલ એવરેજ 326.63 પોઈન્ટ અથવા 1.02 ટકા ડાઉન હતું. S&P 500 1.65 ટકા ઘટ્યો અને Nasdaq Composite Index 3.18 ટકા ઘટ્યો. આ પછી આજે એશિયન બજારો પણ ખોટમાં હતા. જાપાનનો નિક્કી 1.01 ટકા હોંગકોંગનો હેંગસેંગ 1.05 ટકા અને દક્ષિણ કોરિયાનો કોસ્પી 0.36 ટકા ઘટીને બંધ રહ્યો હતો.

ફોરેન ઇન્વેસ્ટર્સ સેલ ઓફ (FPI સેલ ઓફ): વિદેશી પોર્ટફોલિયો રોકાણકારો છેલ્લા કેટલાક મહિનાઓથી ભારતીય માર્કેટમાં સેલર રહ્યા છે. પ્રારંભિક માહિતી અનુસાર FPIs બુધવારે રૂ. 3609.35 કરોડનું વેચાણ કર્યું હતું. આ રીતે મે મહિનામાં FPIsએ ભારતીય બજારમાંથી અત્યાર સુધીમાં 17403 કરોડ રૂપિયા પાછા ખેંચી લીધા છે. આ વર્ષની વાત કરીએ તો 2022માં અત્યાર સુધીમાં FPIs એ રૂ. 144565 કરોડનું વેચાણ કર્યું છે.

Most Popular

To Top