Sports

બુમરાહ-શમી-સિરાજની આગેવાનીમાં કોહલી સેનાની લોર્ડસ પર ફતેહ

લોર્ડસ ટેસ્ટના પાંચમા અને અંતિમ દિવસે મહંમદ શમી અને જસપ્રીત બુમરાહે 89 રનની ભાગીદારી કરીને ઇંગ્લેન્ડની વિજયની સંભાવનાઓને મારી હઠાવીને આ બંનેની બેટિંગને પ્રતાપે ભારતીય ટીમે પોતાના બીજા દાવમાં 8 વિકેટે 298 રન કરીને ઇંગ્લેન્ડ સામે 272 રનનો લક્ષ્યાંક મુક્યો હતો, તે પછી ભારતના ચારેય ઝડપી બોલરોએ આક્રમક બોલિંગ કરીને ઇંગ્લેન્ડની ટીમનો 120 રનમાં વિંટો વાળીને 151 રને ટેસ્ટ જીતવા સાથે પાંચ ટેસ્ટની સીરિઝમાં 1-0ની સરસાઇ મેળવી લીધી હતી.

ભારતીય ટીમે મુકેલા લક્ષ્યાંક આંબવા મેદાને પડેલી ઇંગ્લેન્ડની ટીમની શરૂઆત સાવ ખરાબ રહી હતી અને તેમણે પોતાના બંને ઓપનરની વિકેટ બોર્ડ પર માત્ર 1 રન હતો ત્યારે ગુમાવી દીધી હતી. હસીબ હમીદ અને જો રૂટે મળીને તે પછી 43 રનની ભાગીદારી કરી તે પછી હમીદ અંગત 9 રન કરીને આઉટ થયો હતો. તે પછી જોની બેયરસ્ટો પણ માત્ર બે રન બનાવીને આઉટ થયો હતો અને તેની સાથે ટી બ્રેકની જાહેરાત કરવામાં આવી હતી.

ટી બ્રેક પછીની પહેલી જ ઓવરમાં બુમરાહે જો રૂટ પણ પેવેલિયન ભેગો કર્યો હતો. તે પછી જોસ બટલર અને મોઇન અલીએ થોડો પ્રતિકાર કર્યો હતો, મોઇન અલી અને સેમ કરનને સિરાજે બે બોલમાં આઉટ કર્યા તે પછી બટલર અને રોબિન્સને મળીને 12.3 ઓવર સુધી ભારતને વિકેટથી વંચિત રાખ્યું હતું, ફરી એકવાર બુમરાહે બ્રેક થ્રુ અપાવી રોબિન્સનને આઉટ કર્યો અને તેના પછીની ઓવરમાં સિરાજે બટલર અને એન્ડરસનને પેવેલિયન ભેગા કરીને ભારતીય ટીમને જીતાડી હતી. ભારત વતી સિરાજે 4 જ્યારે બુમરાહે 3, ઇશાંતે 2 અને શમીએ 1 વિકેટ ખેરવી હતી.

આ પહેલા ભારતીય ટીમે આજે સવારે છ વિકેટે 181 રનેથી આગળ રમવાનું શરૂ કર્યું હતું અને પહેલા સેશનમાં જ ઋષભ પંત અને ઇશાંત શર્માની વિકેટ ગુમાવી હતી. ભારતીય ટીમનો સ્કોર તે સમયે 8 વિકેટે 209 રન થયો હતો. જો કે શમી અને બુમરાહે જેમ્સ એન્ડરસનથી લઇને મોઇન અલી સુધીના બોલરો સામે સહજતાથી બેટિંગ કરીને તેમના બધા પ્રયાસો અને ઇરાદાઓને મારી હઠાવ્યા હતા. શમીએ 70 બોલમાં 6 ચોગ્ગા અને એક છગ્ગાની મદદથી નોટઆઉટ 56 રનની ઇનિંગ રમી હતી, જ્યારે બુમરાહે તેનો સારો સાથ નિભાવીને 64 બોલમાં 34 રન બનાવ્યા હતા. આ બંનેનો આ કેરિયર બેસ્ટ સ્કોર રહ્યો હતો.

Most Popular

To Top