બેંગકોક: ભારતે (India) થોમસ કપની (Thomas Cup) ફાઈનલ મેચમાં ઈન્ડોનેશિયાને (Indonesia) હરાવીને ઈતિહાસ રચ્યો છે. 14 વખત આ ટુર્નામેન્ટ (Tournament) જીતનારી ટીમને ભારતે હરાવ્યું છે. લક્ષ્ય સેન પ્રથમ અને સાત્વિક ચિરાગની જોડીએ બીજી મેચમાં ભારતને જીત અપાવી હતી. આ પછી કિંદામ્બી શ્રીકાંતે ત્રીજી મેચ જીતીને ભારતીય ટીમને પ્રથમ વખત થોમસ કપની ચેમ્પિયન બનાવી. લક્ષ્ય સેને પ્રારંભિક મેચમાં ઇન્ડોનેશિયાના ડિફેન્ડિંગ ચેમ્પિયન એન્ટોની સિનિસુકાને 8-21, 21-17, 21-16થી હરાવ્યો હતો. બીજી મેચમાં પણ સાત્વિક ચિરાગની જોડીએ 18-21, 23-21, 21-19થી જીત મેળવી હતી. ત્રીજી મેચ શ્રીકાંત અને ક્રિસ્ટી વચ્ચે રમાઈ રહી છે અને પહેલો સેટ કિદામ્બી શ્રીકાંતે જીત્યો છે.
ભારતીય ટીમે મલેશિયા અને ડેનમાર્ક જેવી ટીમોને હરાવીને પ્રથમ વખત ફાઇનલમાં જગ્યા બનાવી છે, તેથી ટીમનો આત્મવિશ્વાસ ઘણો મજબૂત હતો. હવે ફાઇનલમાં 14 વખતના રેકોર્ડ ચેમ્પિયન ઇન્ડોનેશિયાને હરાવીને ઇતિહાસ રચ્યો છે. પાંચમાંથી ઓછામાં ઓછી ત્રણ મેચ જીતનારી ટીમને વિજેતા ગણવામાં આવશે. ભારતે પ્રથમ ત્રણ મેચ જીતી હતી, જેના કારણે બાકીની બે મેચ રમાઈ ન હતી.
શ્રીકાંત અને ક્રિસ્ટી વચ્ચે જોરદાર મુકાબલો થયો
ભારતના કિદામ્બી શ્રીકાંત અને ઈન્ડોનેશિયાના જોનાથન ક્રિસ્ટી વચ્ચે મુકાબલો હતો. શ્રીકાંતે પહેલો સેટ 21-15ના માર્જિનથી જીત્યો હતો. ત્યાર બાદ શ્રીકાંતે બીજી વખતથી પણ જીત મેળવીને ભારતને ચેમ્પિયન બનાવ્યું હતું.
સાત્વિક-ચિરાગની જોડીએ બીજી મેચ જીતી હતી
બીજી મેચ ડબલ્સમાં રમાઈ હતી, જેમાં સાત્વિકસાઈરાજ રેન્કીરેડ્ડી અને ચિરાગ શેટ્ટીની ભારતીય જોડીનો સામનો કેવિન સંજય અને મોહમ્મદ અહેસાનની જોડી સામે થયો હતો. મેચ ખૂબ જ રોમાંચક રહી હતી. જેમાં ઈન્ડોનેશિયાની જોડીએ પહેલો સેટ 21-18થી જીત્યો હતો. જ્યારે બીજા સેટમાં ભારતીય જોડીએ ટક્કર આપી અને સેટ 23-21થી જીતીને મેચમાં બરાબરી કરી લીધી. આ પછી ત્રીજો સેટ પણ ભારતીય જોડીએ 21-19ના માર્જિનથી જીતી લીધો હતો. જેના કારણે ભારતે મેચમાં 2-0ની સરસાઈ મેળવી લીધી હતી.
પહેલી મેચ: લક્ષ્યે જીત પોતાના નામે કરી
લક્ષ્ય અને એન્થોની સિનિસુકા વચ્ચે રોમાંચક મુકાબલો થયો. એન્થોનીએ પહેલો સેટ 21-8થી જીત્યો હતો જ્યારે બીજો સેટ 21-17થી જીતીને લક્ષ્યે મેચ બરાબરી કરી હતી. લક્ષ્યે ત્રીજો સેટ 21-16થી જીતીને મેચ જીતી લીધી હતી. આ ટુર્નામેન્ટમાં ઈન્ડોનેશિયાનો રેકોર્ડ શાનદાર છે અને વર્તમાન ટુર્નામેન્ટમાં તે અત્યાર સુધી અજેય રહ્યું છે. જ્યારે ભારતીય ટીમને ગ્રુપ સ્ટેજમાં ચાઈનીઝ તાઈપે સામે એકમાત્ર હાર મળી હતી. પરંતુ હવે ભારતે ફાઇનલમાં ઇન્ડોનેશિયાને હરાવ્યું હતું.
પીએમ મોદીએ ટ્વીટ કરી આપી શુભકામના
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ટ્વિટ કરીને લખ્યું કે ભારતની બેડમિન્ટન ટીમે ઈતિહાસ રચ્યો છે. સમગ્ર દેશ થોમસ કપ જીતવા માટે ઉત્સાહિત છે. અમારી ટીમને ખૂબ ખૂબ અભિનંદન અને આગામી મેચો માટે શુભકામનાઓ. આનાથી આપણી આવનારી પેઢીને પણ ઘણી પ્રેરણા મળશે. તેમજ ખેલ મંત્રી અનુરાગ ઠાકુરે પણ બેડમિન્ટન વિજેતા ટીમને અભિનંદન પાઠવ્યા છે. આ સાથે ખેલ મંત્રાલય દ્વારા વિજેતા ટીમને એક કરોડ રૂપિયાની રકમ આપવાની જાહેરાત કરવામાં આવી છે.