નવી દિલ્હી: દરરોજ 1860, દર કલાકે 77 લોકોના મોત… ભારતમાં ‘કિલર’ બની રહ્યા છે આ 5 બેક્ટેરિયા (Bacteria). બેકટેરિયાના પાંચ પ્રકારો – ઇ. કોલી, એસ. ન્યૂમોનિયા, કે. ન્યૂમોનિયા, એસ. ઔરેસ અને એ. બાઉમાનીએ ભારતમાં વર્ષ ૨૦૧૯માં ૬.૮ લાખ મૃત્યુઓ નિપજાવ્યા છે એમ ધ લાન્સેટ જર્નલમાં પ્રકાશિત થયેલ એક અભ્યાસ જણાવે છે. સાયન્સ જર્નલ લેન્સેટે એક અભ્યાસમાં દાવો કર્યો છે કે 2019માં દુનિયાભરમાં ચેપના કારણે 1.37 કરોડથી વધુ લોકોના મોત (Death) થયા હતા. જેમાંથી માત્ર ભારતમાં જ 6.78 લાખથી વધુ મોત નોંધાયા છે.
સંશોધકોએ જણાવ્યું છે કે ૨૦૧૯માં વિશ્વમાં ૭૭ લાખ લોકોના મોત સામાન્ય બેકટેરિયલ ચેપોને કારણ થયા હતા, જેમાંથી અડધો અડધ મોત તો આ પાંચ બેકટેરિયાને કારણે જ થયા હતા. વિશ્વભરમાં તે વર્ષમાં ચેપને લગતા કુલ મૃત્યુઓ ૧.૩૭ કરોડ હતા જેમાંથી ૭૭ લાખ મોત ૩૩ બેકટેરિયલ પેથોજીન્સને કારણે થયા હતા. આમાં એવા બેકટેરિયાઓનો પણ સમાવેશ થાય છે કે જેનો ઉપચાર એન્ટિબાયોટિક્સથી થઇ શકે છે અને એવા બેકટેરિયા જે કે જે દવાઓ સામે રેઝિસટન્સ છે એટલે કે દવાઓની અરસ આ બેકટેરિયાઓને થતી નથી. ત્રણ ચતુર્થાંશ ભાગના બેકટેરિયલ મોત નીચલા શ્વસનતંત્ર, રુધિરાભિસરણ તંત્ર અથવા પેટમાં લાગેલા ચેપને કારણે થયા હતા.
આ બેકટેરિયાઓને કારણે થતા મૃત્યુઓનું પ્રમાણ વિશ્વમાં થતા કુલ મૃત્યુઓના ૧૩.૬ ટકા જેટલું છે અને તે કુલ ચેપને લગતા મૃત્યુઓના અડધા કરતા વધારે હતા એમ ૨૦૧૯ના આંકડાઓ પરથી જાણવા મળે છે. બેકટેરિયાના ચેપ દર વર્ષે ધુમ્રપાનથી થતા મૃત્યુઓ કરતા પણ વધુ મૃત્યુઓ નિપજાવે છે એમ આ વિશ્લેષણ જણાવે છે જે વધી રહેલી સુપરબગની કટોકટી પર પણ પ્રકાશ ફેંકે છે. વિશ્વભરમાં જે ૧.૩૭ કરોડ લોકોનાં મોત ચેપોથી થયા છે તેમાં મેલેરિયા અને એચઆઇવી જેવા વાયરલ ચેપોનો પણ જો કે સમાવેશ થાય છે. બેકટેરિયાની બાબતમાં જોઇએ તો ફક્ત પાંચ જ બેકટેરિયાઓ કુલ બેકટેરિયલ મૃત્યુઓના પ૪.૨ ટકા મૃત્યુઓ માટે જવાબદાર ગણાય છે. ૨૦૧૯માં સૌથી ઘાતક પેથોજીન્સ ઇ. કોલી અને એસ. ઔરેસ રહ્યા હતા જેનાથી ૮૬૪૦૦૦ મૃત્યુઓ થયા હતા એમ સંશોધકોએ જણાવ્યું હતું. અભ્યાસ એમ પણ જણાવે છે કે સબ-સહારન આફ્રિકામાં બેકટેરિયાને કારણે સૌથી ઉંચો મૃત્યુદર હતો જે દર એક લાખની વસ્તીએ ૨૩૦નો આંક હતો.
વિશ્લેષણમાં એવું જણાયું છે કે બેકટેરિયાના સામાન્ય ચેપો એ ૨૦૧૯માં મૃત્યુઓ માટેનું બીજું અગ્રણી કારણ હતું, અને તેમને વિશ્વભરમાં દર આઠ મૃત્યુમાંથી એકની સાથે સાંકળવામાં આવે છે. વિશ્વમાં વર્ષ ૨૦૧૯માં ૭૭ લાખ મૃત્યુઓ ૩૩ સર્વસામાન્ય બેકટેરિયલ ચેપોને કારણે થયા હતા, જેમાં પાંચ પ્રકારના બેકટેરિયાઓ જ અડધા કરતા વધુ મૃત્યુઓ સાથે સંકળાયેલા છે એમ સંશોધકો જણાવે છે. સૌથી ઘાતક બેકટેરિયલ પેથોજીન્સ અને ચેપના પ્રકારો સ્થળ અને વય પ્રમાણે જુદા જુદા હોય છે એમ તેમણે જણાવ્યું હતું. ભારતમાં પાંચ બેકટેરિયા – ઇ. કોલી, એસ. ન્યૂમોનિયા, કે. ન્યૂમોનિયા, એસ. ઔરેસ અને એ. બાઉમાની – એ સૌથી વધુ ઘાતક મનાય છે. વર્ષ ૨૦૧૯માં જ આ પાંચ બેકટેરિયાઓએ ભારતમાં ૬૭૮૮૪૬ (૬.૮ લાખ જેટલા) મોત નિપજાવ્યા હતા.
આમાં પણ ઇ. કોલી એ સૌથી ઘાતક પેથોજીન પુરવાર થયો હતો જેણે ૨૦૧૯માં ભારતમાં ૧પ૭૦૮૨ જીવ લીધા હતા એ મુજબ આ અભ્યાસ જણાવે છે. દુનિયાભરની રીતે જોઇએ તો વર્ષ ૨૦૧૯માં સૌથી વધુ મૃત્યુઓ ઇચેમિક હાર્ટ ડિસીઝ એટલે કે જેમાં શરીરના ભાગોમાં લોહી અને ઓક્સિજન પહોંચવાની મુશ્કેલી સર્જાય છે તેવા હ્દયરોગથી થયા હતા અને તેના પછી મૃત્યુઓ માટે જવાબદાર બીજા મોટા કારણ તરીકે બેકટેરિયલ ચેપનું સ્થાન આવતું હતું એમ આ વિશ્લેષણ પરથી જાણવા મળ્યું હતું. આનાથી તે બાબત પર પ્રકાશ ફેંકાય છે કે આ બેકટેરિયાઓના ચેપને વૈશ્વિક જાહેર આરોગ્ય પ્રાથમિકતા તરીકે હાથ ધરીને ઘટાડવાની જરૂર છે.