મુંબઇ : ભારત-ઓસ્ટ્રેલિયા (India-Australia) વચ્ચેની ત્રણ મેચની વન ડે સીરિઝની આવતીકાલે શુક્રવારે અહીં રમાનારી પ્રથમ વન ડે દરમિયાન સ્ટાર ઓલરાઉન્ડર (Allrounder) હાર્દિક પંડ્યાના નેતૃત્વ કૌશલ્ય અને ભારતીય ટીમની વન ડે વર્લ્ડકપની (Worldcup) તૈયારીઓ પર નજર રહેશે. વાનખેડે સ્ટેડિયમમાં બપોરે 1.30 વાગ્યાથી શરૂ થનારી આ મેચમાં નિયમિત કેપ્ટન રોહિત શર્મા પારિવારિક કારણોસર રમવાનો ન હોવાથી તેના સ્થાને હાર્દિક પંડ્યા ટીમનું સુકાન સંભાળશે. ટી-20 ટીમના કેપ્ટન હાર્દિક પહેલીવાર વન ડે ટીમના કેપ્ટન તરીકે મેદાનમાં ઉતરશે.
બોર્ડર-ગાવસ્કર ટ્રોફીની ચાર ટેસ્ટની સીરિઝ જીત્યા પછી હવે આ વર્ષના અંતે ઘરઆંગણે રમાનારા વન ડે વર્લ્ડકપની તૈયારીને ધ્યાને લેતા ફોક્સ વન ડે ફોર્મેટ પર કેન્દ્રિત થયું છે. ભારતીય ક્રિકેટ ટીમની નજર ભલે આ વર્ષના અંતમાં યોજાનાર વર્લ્ડ કપની તૈયારીઓ પર રહેવાની હોય પણ હાર્દિક પંડ્યા માટે ખાસ કરીને વાનખેડે સ્ટેડિયમમાં ઓસ્ટ્રેલિયાના પડકારને પાર કરવો સરળ નહીં હોય.
ઘરઆંગણે સતત 9મી જીત મેળવવાની ટીમ ઇન્ડિયાની ખેવના
છેલ્લા ઘણા સમયથી ઘરઆંગણે ભારતનો રેકોર્ડ પ્રભાવશાળી રહ્યો છે. ભારતીય ટીમ ઓક્ટોબર 2022 થી ઘરઆંગણે હાર્યું નથી. વનડેમાં ઘરઆંગણે છેલ્લે 6 ઓક્ટોબર 2022ના રોજ લખનૌના એકાના સ્ટેડિયમમાં રમાયેલી મેચમાં દક્ષિણ આફ્રિકાએ ભારતને 9 રનથી હરાવ્યું હતું . ત્યારથી ભારતે ઘરઆંગણે 8 વનડે રમી છે અને તે તમામ જીતી છે.
વાનખેડે સ્ટેડિયમમાં ભારત છેલ્લા 12 વર્ષથી વન ડેજીત્યું નથી
ભારતીય ક્રિકેટ ટીમ 2011થી વાનખેડે સ્ટેડિયમમાં એક પણ વનડે જીતી શકી નથી. વાનખેડે ખાતે ટીમ ઈન્ડિયાની છેલ્લી વનડે જીત 23 ઓક્ટોબર 2011ના રોજ મળી હતી. તે સમયે ભારતીય ટીમે ઈંગ્લેન્ડને 6 વિકેટે હરાવ્યું હતું. તે પછીથી ભારતીય ક્રિકેટ ટીમ આ મેદાન પર 3 વન-ડે રમી છે અને તમામમાં પરાજીત થઇ છે.
ભારત-ઓસ્ટ્રેલિયા વચ્ચે રમાયેલી 143 વન ડેમાં ઓસ્ટ્રેલિયાનું પ્રભુત્વ
ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે અત્યાર સુધીમાં 143 વનડે રમાઈ છે. તેમાંથી ભારતે 53માં જીત મેળવી છે જ્યારે ઓસ્ટ્રેલિયાએ 80માં જીત મેળવી છે. દસ મેચનું પરિણામ આવ્યું ન હતું. બંને વચ્ચે છેલ્લી ODI 2 ડિસેમ્બર 2020ના રોજ ઓસ્ટ્રેલિયાના કેનબેરામાં રમાઈ હતી. ભારતે તે મેચ 13 રને જીતી હતી.
ઓસ્ટ્રેલિયાએ છેલ્લે વાનખેડેમાં જ ભારતીય ટીમને 10 વિકેટે હરાવી હતી
ભારતીય ટીમની છેલ્લી હાર ઓસ્ટ્રેલિયા સામે 14 જાન્યુઆરી 2020ના રોજ થઈ હતી. તે સમયે ઓસ્ટ્રેલિયાએ વાનખેડે સ્ટેડિયમમાં જ ભારતીય ક્રિકેટ ટીમને 10 વિકેટે હરાવી હતી. ત્યારપછી બંને વચ્ચે વધુ બે વનડે રમાઈ અને બંનેમાં ભારતે જીત મેળવી હતી. બંને વચ્ચે છેલ્લી વ ડે 19 જાન્યુઆરી 2020ના રોજ રમાઈ હતી. ભારતે તે મેચ 7 વિકેટે જીતી લીધી હતી.
બોલરોના કબ્રસ્તાન તરીકે ઓળખાતા વાનખેડેમાં હાઇ સ્કોરિંગ મેચ જોવા મળશે
મુંબઈની પીચને બોલરોનું કબ્રસ્તાન માનવામાં આવે છે. આવી સ્થિતિમાં 17મી માર્ચે વાનખેડે સ્ટેડિયમમાં હાઈ સ્કોરિંગ મેચ જોવા મળી શકે છે. છેલ્લી 3 મેચમાં વાનખેડે સ્ટેડિયમમાં પ્રથમ બેટિંગ કરનાર ટીમની સરેરાશ 324 છે. સાંજના સમયે ઝાકળની અસર રહેવાના કારણે બંને ટીમો ટોસ જીતીને લક્ષ્યનો પીછો કરવા માંગશે,
પ્રથમ વન ડેમાં રોહિતની ગેરહાજરીમાં ઇશાન કિશન અને શુભમન ગીલ ઓપનીંગ કરશે
ભારતના સ્ટેન્ડ-ઈન કેપ્ટન હાર્દિક પંડ્યાએ કહ્યું છે કે ઈજાગ્રસ્ત શ્રેયસ ઐયરની ગેરહાજરી આ વર્ષના અંતમાં રમાનારા વન ડે વર્લ્ડકપની ભારતની તૈયારીઓને અસર કરશે. સાથે જ તેણે એવું કહ્યું હતું કે પ્રથમ વનડેમાં નિયમિત સુકાની રોહિત શર્માની ગેરહાજરીમાં ઇશાન કિશન અને શુભમન ગિલ ઇનિંગ્સની શરૂઆત કરશે. તેણે કહ્યું હતું કે આખા વર્ષ દરમિયાન વિકેટ એક સરખી જ દેખાય છે. હું લગભગ સાત વર્ષથી અહીં રમી રહ્યો છું. તે પડકારજનક રહેશે કારણ કે વિકેટ બંને ટીમોને સમાન તકો આપશે.