નાગપુર: બોર્ડર ગાવસ્કર ટ્રોફી ચાર ટેસ્ટ મેચની સિરીઝની નાગપુર ખાતે રમાઈ રહેલી પહેલી ટેસ્ટ મેચમાં ભારતે મોટી જીત મેળવી છે. આ મેચમાં ઓસ્ટ્રેલિયા ખરાબ રીતે હારી ગઈ હતી. ભારતીય સ્પીનર્સ સામે ઓસ્ટ્રેલિયન બેટ્સમેનો સરેન્ડર થઈ ગયા હતા. માત્ર 91 રનમાં ઓસ્ટ્રેલિયાની આખી ટીમ પેવેલિયનમાં ભેગી થઈ ગઈ હતી. નાગપુરમાં રમાયેલી આ મેચમાં ભારતે ઓસ્ટ્રેલિયાને માત્ર ત્રણ દિવસમાં ઇનિંગ્સ અને 132 રને હરાવી શાનદાર જીત મળવી છે. ટીમ ઈન્ડિયા હવે 4 ટેસ્ટ મેચની શ્રેણીમાં 1-0થી આગળ છે.
ભારતીય બેટ્સમેનોએ 400 રનનો તોતિંગ સ્કોર ખડકીને ઓસ્ટ્રેલિયા પર 223 રનની મજબૂત લીડ આપી હતી. આટલી મોટી લીડના ભાર નીચે ઓસ્ટ્રેલિયાના બેટ્સમેનો દબાઈ ગયા હતા. 64 રનમાં ઓસ્ટ્રેલિયાની 6 વિકેટ પડી ગઈ હતી. બીજી ઈનિંગમાં રવિચંદ્રન અશ્વિન ઓસ્ટ્રેલિયન બેટ્સમેનો પર ચઢી બેઠો હતો. અશ્વિને ઓસ્ટ્રેલિયાના 5 બેટ્સમેનોને પેવેલિયન ભેગા કરી દીધા હતા. ઓસ્ટ્રેલિયા 91 પર ઓલઆઉટ થઈ ગયું હતું. પર 8 વિકેટ પડી હતી. જેમાં અશ્વિને 5, જાડેજા-શમીએ 2-2 અને અક્ષરે 1 વિકેટ ઝડપી હતી.
મેચના ત્રીજા દિવસે રવિન્દ્ર જાડેજા લાંબુ ટકી શક્યો નહોતો. જોકે, રવિન્દ્ર જાડેજાના આઉટ થયા બાદ મેદાનમાં બેટિંગ માટે ઉતરેલા મોહમ્મદ શામીએ અક્ષર પટેલને સારો સાથ આપ્યો હતો. બંને જણા ભારતનો સ્કોર 400 રન સુધી લઈ ગયા હતા. ભારત 400 પર ઓલ આઉટ થયું હતું. ઓસ્ટ્રેલિયાના પહેલી ઈનિંગના 177ની સામે ભારતે પહેલી ઈનિંગમાં 400 રન બનાવી ઓસ્ટ્રેલિયા પર 223 રનની લીડ મેળવી છે. ભારતની પહેલી ઈનિંગમાં કેપ્ટન રોહિત શર્માએ 120, અક્ષર પટેલે 84, રવિન્દ્ર જાડેજાએ 70 અને મોહમ્મદ શામીએ મહત્ત્વપૂર્ણ 37 રન બનાવ્યા હતા. ઓસ્ટ્રેલિયા તરફથી સૌથી વધુ ડેબ્યુટન્ટ સ્પીનર ટૉડ મર્ફીએ 7 વિકેટ ઝડપી હતી.
ભારતની મેચના ત્રણ હીરો, રોહિત, રવિન્દ્ર, રવિચંદ્રન
નાગપુર ટેસ્ટમાં ભારત ટીમ વર્કથી મેચ જીતી હતી, પરંતુ તેમાં RRRનું મુખ્ય યોગદાન રહ્યું હતું. R રોહિત શર્માની સદી, R રવિન્દ્ર જાડેજાની પહેલી ઈનિંગમાં 5 અને બીજી ઈનિંગમાં 2 વિકેટ તથા મહત્ત્વપૂર્ણ 70 રન તેમજ ત્રીજો R એટલે કે રવિચંદ્રન અશ્વિનની બીજી ઈનિંગમાં 5 વિકેટની મદદથી ભારત ત્રીજા જ દિવસે ઓસ્ટ્રેલિયાને હરાવ્યું છે.