આપણા દેશથી હજારો કિલોમીટર દૂર આવેલાં એન્ટાર્કટિકાનું બિલ ગત સંસદ સત્રમાં રજૂ થયું. આવું બિલ ભારતની સંસદમાં રજૂ કરવાની કેમ જરૂર વર્તાઈ? બિલના ઉદ્દેશમાં ચાર મુદ્દા દર્શાવવામાં આવ્યા છે. તેમાં સૌ પ્રથમ છે એન્ટાર્કટિકાના ક્ષેત્રને સુરક્ષિત રાખવું, ત્યાં જે કોઈ સંશોધન થાય તે શાંતિપૂર્વક થાય અને તે સંબંધિત આંતરરાષ્ટ્રીય મતભેદ ન થાય, ત્યાંની ઇકોસિસ્ટમ જળવાઈ રહે અને અંતિમ છે તે એન્ટાર્કટિકામાં સંસ્થાકીય અને વ્યક્તિગત સંશોધનને પ્રોત્સાહન મળે અને સુવિધા ઉપલબ્ધ થાય.
આવું બિલ ભારતને લાવવાની આવશ્યકતા વર્તાઈ તેની પાછળ એન્ટાર્કટિકાનો નજીકનો ઇતિહાસ અને તેની ભૌગોલિક સ્થિતિને જાણવી રહી. એન્ટાર્કટિકા પૃથ્વીના દક્ષિણ છેડે આવેલો ખંડ છે અને તે દક્ષિણ મહાસાગરની મધ્યમાં છે. એન્ટાર્કટિકા સર્કલના નામથી પણ તે ઓળખાય છે અને વિશ્વનો પાંચમો સૌથી મોટો તે ખંડ છે. ઓસ્ટ્રેલિયા જેવા બે ખંડ ભેગા થાય ત્યારે એન્ટાર્કટિકા જેટલો વિસ્તાર બને. તેનું વાતાવરણ અતિશય ઠંડું છે અને ત્યાં સતત પવન ફૂંકાતા રહે છે. ઠંડા રણથી પણ તેનો પરિચય આપવામાં આવે છે. પૃથ્વીનું 70 % જેટલું ચોખ્ખું પાણી એન્ટાર્કટિકામાં બરફ રૂપે સચવાયેલું છે અને દુનિયાનું ન્યૂનત્તમ તાપમાન માઇનસ 89.2 પણ ત્યાં જ નોંધાયું છે. આમ કોઈ વસી ન શકે તેવી તે ભૂમિ છે અને તે જ કારણે ત્યાં કાયમી વસવાટ કરવો મુશ્કેલ છે. વર્ષના કેટલાક દિવસોમાં ત્યાં સંખ્યા વધીને 1000થી 5000 થાય છે. તે સિવાય આ પૂરો ખંડ માનવરહિત છે.
હવે જ્યાં ભૌગોલિક સ્થિતિ આટલી વિપરીત હોય ત્યાં કેમ કોઈ જાય. તેમ છતાં 19મી સદીના આરંભે કેટલાક રશિયન સાહસિકોએ આ ભૂમિ જોઈ અને તેમાં ડગ માંડ્યા. તે પછી ફ્રાન્સ, અમેરિકા અને બ્રિટનના સાહસિકોએ પણ ત્યાં જવાની હિંમત કરી અને સફળ રહ્યા પરંતુ નોર્વેની ટીમ 1895 વિધિવત્ રીતે ત્યાં પહોંચી અને એ રીતે એન્ટાર્કટિકા પર જનારી આ ટીમ પ્રથમ કહેવાય છે. તે પછી પણ ત્યાં જવાના સાહસ થતા રહ્યા છે. એન્ટાર્કટિકાના મોટા ભાગના વિસ્તારમાં માણસ માટે આજે પણ જવું કપરું છે.
આ રીતે એન્ટાર્કટિકામાં કોઈ માણસ ન હોવાથી ત્યાં કોઈ શાસન નથી અને ત્યાં કોઈ જાય તો તેની વિધિસરની કોઈ મંજૂરી લેવાની જરૂર નહોતી પડતી પરંતુ સમયાંતરે યુરોપ, અમેરિકા અને દુનિયાના અન્ય દેશોના સંશોધકો ત્યાં જવા માંડ્યા. એન્ટાર્કટિકામાં ઉનાળા દરમિયાન આ સંશોધકોની સંખ્યા 5000ની આસપાસ હોય છે અને શિયાળો આવતાવેંત તે સંખ્યા ઘટીને 1000 સુધી પહોંચે છે. એ રીતે જુદા જુદા રિસર્ચ સ્ટેશન પર અહીં કામ થાય છે. આ રીતે વર્ષો સુધી કામ થયું પણ 20મી સદીની મધ્યમાં આવતાં આવતાં સૌને એમ લાગ્યું કે એન્ટાર્કટિકામાં કામ કરવાના નિયમો હોવા જોઈએ. આ રીતે 1959માં એન્ટાર્કટિકા ટ્રીટી થઈ.
આ ટ્રીટીની જરૂર પડી તેનાં અન્ય પણ કારણો છે. જેમ કે, દુનિયાના મજબૂત કહેવાતા દેશો અહીં એક સાથે સંશોધન કરતા હતા. એન્ટાર્કટિકાનો વિસ્તાર ખૂબ મોટો છે અને તેથી ત્યાં કોઈ પણ પ્રકારનું સંશોધન કરી શકે. અમેરિકા અને રશિયા જેવા દેશો ત્યાં પરમાણુના પ્રયોગ કોઈની જાણ વિના કરી શકે. ઉપરાંત વસતી ન હોવાથી આગળ જતાં આટલા મોટા વિસ્તાર પર કોઈ દેશ સૈન્ય કાર્યવાહી કરીને ત્યાં પોતાનું શાસન જાહેર કરી શકે. આમ અનેક શંકાઓ સેવાતી હતી, ખાસ કરીને શીત યુદ્ધ વખતે આ શંકાઓએ વધુ જોર પકડ્યું. એટલે છેલ્લે 1959માં 12 જેટલા દેશોએ અહીંયા શાંતિથી સંશોધન કરવા અર્થે એન્ટાર્કટિકા ટ્રીટી પર સહી કરી. તેમાં રશિયા, અમેરિકા, બ્રિટન અને યુરોપના અન્ય દેશો સહિત જાપાન, ઓસ્ટ્રેલિયા, ન્યૂઝિલેન્ડ, આર્જેન્ટિના અને ચીલી હતા. આ દેશોના કુલ 55 રિસર્ચ સ્ટેશન ત્યારે અસ્તિત્વમાં હતા. 2019 સુધીમાં આ સંખ્યા 54 દેશો સુધી પહોંચી છે.
વાત ટ્રીટી સુધી પહોંચી તે માટે અમેરિકા દ્વારા 1946માં થયેલું ‘ઓપરેશન હાઇજમ્પ’ પણ કારણભૂત છે. તે વખતે અમેરિકાએ અહીંયા 13 જહાજ, 33 એરક્રાફ્ટ અને 4700 સૈનિકોને મોકલીને પોતાનો દબદબો દાખવ્યો હતો. રશિયાએ પણ એ રીતે પોતાનું વર્ચસ્વ દાખવવા સૈન્ય શક્તિનો ઉપયોગ કર્યો હતો. બીજા વિશ્વયુદ્ધ દરમિયાન અહીંના રિસર્ચ સ્ટેશન પર આમને સામને ફાયરિંગ કરવાની ઘટનાઓ બની હતી. આ રીતે એન્ટાર્કટિકા જ્યાં સંશોધન સિવાય કશુંય કામ થવાનું નથી ત્યાં પણ દેશો એકબીજા પર હુમલો કરવા લાગ્યા. સૈન્યની ઘટનાઓ તો વિપરીત કુદરતી સ્થિતિના કારણે ત્યાં ન વધી પરંતુ પર્યાવરણને નુકસાનીનો દોર વધવા માંડ્યો. રશિયાએ તો તેમના બેલિન્ગશુએન સ્ટેશનની બહાર ખૂબ કચરો ઠાલવ્યો અને પૂરી જગ્યાની સુંદરતા બગાડી નાંખી. આવી ઘટનાઓ બનવા માંડ઼ી અને તે કારણે વિશેષ કરીને એન્ટાર્કટિકાના પર્યાવરણની સુરક્ષાને લઈને અન્ય કરારો થયા. તેમાં સૌથી છેલ્લે 1998માં એક ટ્રીટી થઈ તે ‘ધ પ્રોટોકોલ ઓન એન્વાયર્મેન્ટ પ્રોટેક્શન ટુ ધ એન્ટાર્કટિકા.’
આ બધા કરાર થયા છતાંય અહીંયા જે દેશોએ પોતાના બેઝ અગાઉ બનાવ્યા હતા, તેઓ અહીંના વિસ્તારને ક્લેમ કરી રહ્યા છે. નોર્વેએ અહીંના ક્વિન મોડ લેન્ડને પોતાનું ક્ષેત્ર જાહેર કર્યું છે. એ રીતે ઓસ્ટ્રેલિયાએ પણ જેર્વિસ બે ટેરીટરી પોતાના તાબામાં છે તેમ જાહેર કર્યું છે. અમેરિકા, ન્યૂઝિલેન્ડ અને દક્ષિણ આફ્રિકા દ્વારા પણ એન્ટાર્કટિકા પર પોતાના ક્ષેત્ર હોવાના દાવા કર્યા છે. હવે જ્યાં કોઈ કાયમી વસવાટ થવાની શક્યતા દેખાતી નથી ત્યાં પણ આ રીતે દેશો ક્ષેત્રો ક્લેમ કરી રહ્યા છે.
આંતરરાષ્ટ્રીય સ્તરે એન્ટાર્કટિકાના મામલે આમ ઘર્ષણ થતા રહ્યા છે. હવે તેમાં ભારતનું પણ એક સ્થાન બને છે. આપણે 1983માં એન્ટાર્કટિકાના મુદ્દે થઈ રહેલા કરારોના એક પક્ષકાર બન્યા છીએ અને તે બનવાનું મહત્ત્વનું કારણ એ કે આપણા દેશે પણ એન્ટાર્કટિકા રિસર્ચમાં સારું એવું ખેડાણ કર્યું છે. 2012માં એન્ટાર્કટિકામાં આપણી સરકારે ‘ભારતી’નામનું એક રિસર્ચ સ્ટેશન સ્થાપ્યું છે. તે પહેલાં ‘મૈત્રી’ અને ‘દક્ષિણ ગંગોત્રી’ રિસર્ચ સ્ટેશન અગાઉથી હતા જ. એન્ટાર્કટિકામાં આપણો પ્રથમ બેઝ ‘દક્ષિણ ગંગોત્રી’ હતું. આ બેઝ વિશાળ છે અને ત્યાં અનેક પર્યાવરણીય અને દરિયા સંબંધિત ઉપરાંત પવન ઊર્જા પર કામ થઈ રહ્યું છે.
આપણા દેશના આ ત્રણેય બેઝનું કાર્ય જોઈએ તો ખ્યાલ આવે કે ભારત અહીંયા મોટું હિસ્સેદાર બન્યું છે. આ માટે ભારત પણ એન્ટાર્કટિકામાં કેવી રીતે કાર્ય થવું જોઈએ અને તેના કાયદા શું હોઈ શકે તે માટે સજાગ છે. તેના પરિણામે એન્ટાર્કટિકાનું બિલ સંસદમાં રજૂ થયું. આ બિલ રજૂ થયું ત્યારે તેની પર ચર્ચા પણ થઈ. વિરોધ પક્ષના સભ્યોએ બિલની કેટલીક મર્યાદાઓ દર્શાવીને તેનો વિરોધ કર્યો. બિલની જોગવાઈમાં એવું દર્શાવવામાં આવ્યું છે કે, આ બિલ ભારતીય નાગરિક સાથે વિદેશી નાગરિકોને લાગુ થશે. આ સંબંધે વિરોધ પક્ષનું કહેવું છે કે, ‘ભારતીય કાયદો કેવી રીતે કોઈ વિદેશી નાગરિક પર લાગુ થઈ શકે?
અને કેવી રીતે કોઈ વિદેશી નાગરિકને ભારતીય દંડસહિતા હેઠળ સજા કરી શકાય?’ એ રીતે તૃણમૂલ કૉંગ્રેસના સભ્ય સૌગત રોયે બિલ વિશે કહ્યું કે, “આપણા દેશનો એન્ટાર્કટિકા પર કોઈ હક બનતો નથી અને તે આજે પણ તેની દેશ તરીકેની કોઈ ઓળખ નથી. હવે આ કિસ્સામાં સરકાર કેવી રીતે કોઈને એન્ટાર્કટિકા પર જવા અર્થે મંજૂરી લેવાની ફરજ પાડી શકે.” સરકારની આ મુદ્દે દલીલ છે કે ભવિષ્યમાં જે રીતે એન્ટાર્કટિકામાં કામ વધવાનું છે તેને ઉદ્દેશીને આ બિલ લાવવામાં આવ્યું છે અને વિશ્વના દરેક દેશ એન્ટાર્કટિકામાં કાર્ય કરવા અંગે પોતાના કાયદા ઘડી રહ્યા છે તેથી ભારતે પણ તેને અનુસરવું રહ્યું.