મોસ્કો, તા. 21 : ભારત અને રશિયાએ આજે તેમના સંબંધો સમતોલ અને સ્થિર રીતે વધુ વિસ્તૃત કરવાની પ્રતિજ્ઞા કરી હતી જ્યારે ભારતીય વિદેશ મંત્રી એસ. જયશંકર મોસ્કોમાં તેમના રશિયન સમકક્ષ સર્ગેઇ લાવરોવને મળ્યા હતા.
રશિયામાં ભારતીય નિકાસ વધારવા સહિત, બંને દેશો દ્વારા દ્વિપક્ષીય વેપાર વધારવાનો સંકલ્પ અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પની વેપાર અને ટેરિફ અંગેની નીતિઓને કારણે ભારત અને અમેરિકા વચ્ચેના સંબંધોમાં વધતી જતી તંગદિલી વચ્ચે લેવામાં આવ્યો હતો.
અમારું માનવું છે કે ભારત અને રશિયા વચ્ચેના સંબંધો બીજા વિશ્વયુદ્ધ પછી વિશ્વના મુખ્ય સંબંધોમાં સૌથી સ્થિર રહ્યા છે એમ જયશંકરે તેમના રશિયન સમકક્ષ સેર્ગેઈ લવરોવ સાથેની વ્યાપક વાટાઘાટો પછી સંયુક્ત મીડિયા બ્રીફિંગમાં કહ્યું. ભૂરાજકીય સંકલન, નેતૃત્વ સંપર્કો અને લોક ભાવના તેના મુખ્ય પ્રેરક પરિબળો છે એમ તેમણે કહ્યું. નવેમ્બર અથવા ડિસેમ્બરમાં રશિયાના પ્રમુખ વ્લાદિમીર પુતિનની ભારત મુલાકાતના વિવિધ પાસાઓને યોગ્ય ઘાટ આપવા વિદેશ મંત્રી મંગળવારે મોસ્કો પહોંચ્યા હતા. તેમની વાતચીતમાં, જયશંકર અને લાવરોવે આતંકવાદ સામે લડવાના માર્ગો પર પણ ચર્ચા કરી.
રશિયન વિદેશ મંત્રી લાવરોવ સાથેની મંત્રણાઓના કલાકો પછી જયશંકર રશિયન પ્રમુખ વ્લાદીમીર પુટિનને પણ મળ્યા હતા એમ બાદમાં આવેલા અહેવાલો જણાવતા હતા. જો કે પુટિન અને તેમની વચ્ચે શું ચર્ચા થઇ તેની વિગત તરત ઉપલબ્ધ થઇ ન હતી. અત્રે ઉલ્લેખનીય છે કે રશિયા સાથેના વેપાર, ખાસ કરીને ક્રૂડ ઓઇલની ખરીદીને કારણે અમેરિકી પ્રમુખ ટ્રમ્પે ભારત પર વધારાના ટેરિફ લાદ્યા છે જેના કારણે અમેરિકા સાથે ભારતને તનાવ સર્જાયો છે.
ભારત રશિયન ઓઇલનું સૌથી મોટું ગ્રાહક નથી : જયશંકર
વિદેશ મંત્રી એસ જયશંકરે ગુરુવારે જણાવ્યું હતું કે, ભારત ન તો રશિયન તેલનો સૌથી મોટો ખરીદનાર દેશ છે અને ન તો 2022 પછી મોસ્કો સાથે તેનો સૌથી મોટો વેપાર ઉછાળો આવ્યો છે, જે અમેરિકા દ્વારા રશિયન ખનિજ તેલ ખરીદવા બદલ ભારતીય માલ પર 25 ટકાનો વધારાનો ટેરિફ લાદ્યા બાદ કોઇ ભારતીય પદાધિકારી દ્વારા પ્રથમ સ્પષ્ટ પ્રતિભાવ હોવાનું જણાય છે.
જયશંકરે રશિયન વિદેશ મંત્રી સેર્ગેઈ લવરોવ સાથે સંયુક્ત મીડિયા બ્રીફિંગમાં એક પ્રશ્નના જવાબમાં આ ટિપ્પણી કરી હતી. અમે રશિયન તેલના સૌથી મોટા ખરીદદાર નથી. તે ચીન છે. અમે રશિયન એલએનજીના સૌથી મોટા ગ્રાહક નથી, હું ચોક્કસ કહી શકતો નથી, પરંતુ મને લાગે છે કે તે યુરોપિયન યુનિયન છે એમ તેમણે કહ્યું. આપણે એવો દેશ નથી કે જેનો 2022 પછી રશિયા સાથે સૌથી મોટો વેપાર ઉછાળો છે. મને લાગે છે કે તે દક્ષિણમાંના કેટલાક દેશો છે એમ તેમણે વધુમાં કહ્યું હતું.