Charchapatra

ભારત અને ચીનના સંબંધો

૩૧ ઓગસ્ટ અને ૧ સપ્ટેમ્બર, ૨૦૨૫ના દિવસે ટીયાનજીનમાં શાંઘાઈ કોઓપરેશન ઓર્ગેનાઈઝેશનની મીટીંગ પુરી થઈ. આ મીટીંગની સૌથી મોટી ફલશ્રુતી એ થઈ કે ભારત અને ચીન બન્ને ઘણી નજીક આવી ગયા. (સાથે રશિયા તો ખરુ જ!) ટ્રમ્પના ભારત પર ૫૦ ટકા ટેરિફને કારણે ભારત અને ચીને ભારતને સમર્થન આપ્યુ છે. શી જીનપીંગે કહ્યું કે બન્ને દેશો માટે ‘‘મિત્ર’’ બનવું એ જ યોગ્ય પસંદગી છે. બન્ને એવા મિત્રો બને કે જેમના સારા પાડોશી અને સૌહાર્દપૂર્ણ સંબંધો હોય અને બંને દેશો એકબીજાની સફળતાને ટેકો આપે તેમણે કહ્યું કે બન્ને દેશો એકબીજાના હરીફ નથી પણ ભાગીદાર છે.

શી જીનપીંગે કહ્યુ કે ભારતે અને ચીને તેમના સંબંધોને વ્યૂહાત્મક અને લાંબાગાળાના દૃષ્ટિકોણથી જોવું જોઈએ. મોદી અને શી જીનપીંગ બન્ને જણાએ વેપાર રોકાણ સંબંધો વિસ્તારવાની પ્રતિજ્ઞા લીધી. આ ઉપરાંત સરહદી મુદ્દાના વ્યાજબી પરસ્પર સ્વીકાર્ય ઉકેલ માટે પ્રતિબદ્ધતા વ્યક્ત કરી. શીજીનપીંગની બધી જ વાત સુંદર અને શ્રેષ્ઠ છે પણ ચીનના આ વચનો પર કેટલો ભરોસો કરવો? એક વાત નિશ્ચિત છે કે જેટલો ભરોસો રશિયા પર મુકાય એટલો ચીન પર તો ન જ થઈ શકે! હા, જો ચીન-ભારત-રશિયા-બ્રાઝિલ-જાપાન અને સાઉથ કોરિયા સાથે મળીને એકબીજાને મદદ કરતા રહે તો ટ્રમ્પ કદાચ થોડા ઢીલા પડે! બ્રીક્સ કરન્સી ચલણમાં આવે તો ડૉલર નિશ્ચિતરૂપે નબળો પડે!
યુ.એસ.એ  – ડો. કિરીટ એન ડુમસિયા – આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top