Business

બ્રિક્સના દેશોમાં ભારત અને ચીન

હમણાં જ પૂરી થયેલ બ્રિક્સ સમિટ દરમિયાન ભારતના વડા પ્રધાન અને ચીનના પ્રમુખની મુલાકાત ઘણી અગત્યની બની છે. ભારત અને ચીનનો જીડીપી અંદાજે ૩.૫૫ બિલિયન ડોલર અને ૧૭૮ બિલિયન ડોલર છે. જે બતાવે છે કે આટલાં વર્ષોમાં આપણા દેશ કરતાં ચીન કેટલો આગળ નીકળી ગયો છે. અલબત્ત, ચીન એક સામ્યવાદી દેશ હોવાને કારણે એ ધારે એ પ્રમાણે આર્થિક નિર્ણયો લઇ શકે છે તેમ છતાં આપણે અન્ય નાના લોકશાહી દેશોની પ્રગતિ જોઇએ તો એ પણ બતાવે છે કે આર્થિક વિકાસની દૃષ્ટિએ તેઓ ટૂંકા ગાળામાં આપણા કરતાં ઘણાં આગળ વધી ચૂક્યા છે. ભારતની આયાત નિકાસ સંદર્ભે ચીન અમેરિકા કરતાં પણ મોટો પાર્ટનર છે. જેની સાથેના દ્વિપક્ષી વેપારમાં ભારતની અંદાજે ૮૫ બિલિયન ડોલરની ખાધ છે. ચાલુ વર્ષના છેલ્લા છ મહિનામાં જ ભારતે ચીનમાંથી ૫૭ બિલિયન ડોલરની આયાત કરી છે.

ઇલેક્ટ્રીકલ વિહિકલ જેનો ભારતમાં ઘણો પ્રચાર પ્રસાર થઇ રહ્યો છે જેને માટે જરૂરી બેટરીનો ચીન લગભગ ૭૦થી ૯૦ ટકાનો હિસ્સો ધરાવે છે. જે દર્શાવે છે કે ચીન સાથેના સંબંધો સુધરે એ જરૂરી જ નહીં પરંતુ આવશ્યક છે. સાથોસાથ સમય જતાં ચીન પરની નિર્ભરતા ઓછી થાય એ માટે ભારતના સર્વસમાવેશી અર્થકારણને વધુ વેગ મળે એવા પ્રયત્નો પર પણ ધ્યાન કેન્દ્રિત કરવામાં આવે તો ચીન સાથે આજે ઘણા મુદ્દાઓ પર મૌન સેવવું પડે છે એ પરિસ્થિતિમાંથી બહાર આવી શકાય.

અન્ય નાના દેશો અત્યંત ટૂંકા ગાળામાં વિકાસ કરી શકતા હો તો દુનિયામાં સૌથી વધુ યુવાધન ધરાવતો દેશ કેમ ન કરી શકે? જરૂર છે દેશના સર્વસમાવેશી વિકાસ પર ધ્યાન કેન્દ્રિત કરવાની. આપણે આશા રાખીએ કે સત્તા પર કોઇ પણ પક્ષ હોય એ જો એના રાજકીય હિતથી પણ વધુ દેશની આર્થિક અને સામાજિક પ્રગતિને પ્રાધાન્ય આપે કે આપશે તો ચીન પરની નિર્ભરતા સમય જતાં ઓછી થઇ શકે જે ચીનની વિસ્તારવાદી નીતિ પર અંકુશ લાવવામાં પણ ઉપયોગી થઇ શકે.
સુરત  – હિતેન્દ્ર ભટ્ટ       – આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top