નવી દિલ્હી: અફઘાનિસ્તાન (Afghanistan) અને મધ્ય એશિયા (Central Asia) સુધી પહોંચવા માટે ભારત (India) અને ઈરાન (Iran) સતત સાથે મળીને કામ કરી રહ્યા છે. હવે ઈરાનના ચાબહાર પોર્ટથી (Chabahar Port) ન્હાવા શેવા અને કંડલા (Kandala) વચ્ચે સીધો કન્ટેનર (Container) શિપિંગ (Shipping ) માર્ગ સ્થાપિત કરવામાં આવ્યો છે. આ માર્ગ દ્વારા પ્રથમ કન્ટેનર સેવા 16 ફેબ્રુઆરીએ ઈરાનના શાહિદ બેહેશ્તી પોર્ટમાં પ્રવેશ કરશે.
શિપિંગ લાઇન 2017 માં શરૂ થઈ
ભારતે અગાઉ 2017માં ચાબહાર અને મુંબઈ અને મુન્દ્રા બંદરો વચ્ચે શિપિંગ લાઇન શરૂ કરી હતી. જાન્યુઆરી 2019 માં, બીજો સીધો શિપિંગ માર્ગ શરૂ કરવામાં આવ્યો હતો. તે દક્ષિણ ઈરાનમાં મુંબઈ, મુંદ્રા, કંડલા, ચાબહાર અને છેલ્લે બંદર અબ્બાસમાંથી પસાર થાય છે.
ચાબહાર પોર્ટ દ્વારા ભારત પાકિસ્તાનને બાયપાસ કરી રહ્યું છે
ભારત આ શિપિંગ માર્ગોનો ઉપયોગ અફઘાનિસ્તાન અને પર્સિયન ગલ્ફના દેશો તેમજ મધ્ય એશિયાના દેશોમાં માલ મોકલવા માટે કરી રહ્યું છે. ચાબહાર પોર્ટ દ્વારા ભારત પાકિસ્તાનને બાયપાસ કરીને અફઘાનિસ્તાન અને મધ્ય એશિયામાં માલસામાનનું પરિવહન કરી રહ્યું છે. આ સાથે અફઘાનિસ્તાનને પણ એક રીતે સમુદ્રમાં પ્રવેશ મળી ગયો છે.
ભારત ચાબહારના શહીદ બેહેશ્તી બંદર પર મોબાઇલ હાર્બર ક્રેન્સ સહિત આધુનિક લોડિંગ અને અનલોડિંગ સાધનોના ઇન્સ્ટોલેશન અને ઓપરેશનનું ધ્યાન રાખે છે. મધ્ય એશિયાના દેશો સાથે સંચાર માર્ગો વિકસાવવા માટે ગયા મહિને પ્રથમ વખત ભારત-ઈરાન-ઉઝબેકિસ્તાન ત્રિપક્ષીય બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું.
ઈરાન ચીન અને રશિયા સાથે ચાબહાર પોર્ટ પર નૌકા કવાયતથી માહોલ તંગ
થોડા દિવસ અગાઉ ચીન, રશિયા અને ઈરાન સાથે મળીને ચાબહાર બંદર પર સંયુક્ત નૌકા કવાયતની તૈયારી શરૂ કરી હોય હાલ આ વિસ્તારમાં માહોલ તંગ છે. રશિયન નૌકાદળના જહાજો સંયુક્ત દરિયાઈ કવાયતની તૈયારી માટે ઈરાનની મુલાકાત લઈ રહ્યા છે. રશિયન પેસિફિક મહાસાગર ફ્લીટનું કહેવું છે કે એક મિસાઈલ ક્રુઝર, એક સબમરીન વિરોધી યુદ્ધ જહાજ અને એક ટેન્કર દક્ષિણપૂર્વ ઈરાનના ચાબહાર બંદર પર પહોંચ્યા છે. આ જહાજો ગયા મહિને વ્લાદિવોસ્તોકથી રવાના થયા હતા.
ઇબ્રાહિમ રાયસી તાજેતરમાં વ્લાદિમીર પુતિનને મળ્યા હતા
ઈરાન અને રશિયાએ ફેબ્રુઆરી 2021માં નેવલ કવાયત પણ કરી હતી. તાજેતરના વર્ષોમાં, બંને દેશોએ મધ્ય પૂર્વ ક્ષેત્રમાં ચીન સાથે ઓછામાં ઓછી બે સંયુક્ત નૌકા કવાયત કરી છે. નવીનતમ કવાયતની તૈયારીઓ ત્યારે થઈ જ્યારે ઈરાનના રાષ્ટ્રપતિ ઈબ્રાહિમ રાઈસી રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનને મળવા મોસ્કો પહોંચ્યા. આ દરમિયાન બંને નેતાઓએ અમેરિકાના પ્રભાવને ઘટાડવા માટે સાથે મળીને કામ કરવાની વાત કરી છે. બંને દેશોએ ટકાઉ અને વ્યૂહાત્મક સહયોગના ક્ષેત્રમાં કામ કરવાની વાત કરી.
યુક્રેન યુદ્ધ પહેલા રશિયાની નૌકા કવાયત?
ઈરાન પરમાણુ કરારને લઈને અમેરિકાએ છેલ્લા ઘણા સમયથી તેહરાન પર અનેક પ્રતિબંધો લગાવ્યા છે. સમજૂતીને લઈને વિયેનામાં ફરીવાર વાતચીત થઈ રહી છે, પરંતુ મંત્રણામાં વધુ પ્રગતિ થઈ નથી. યુક્રેનને લઈને અમેરિકાએ રશિયાને પણ ધમકી આપી છે. તેણે કહ્યું છે કે યુક્રેન પર હુમલો કરવા બદલ રશિયા પર એવા પ્રતિબંધો લગાવવામાં આવશે જે તેણે પહેલા ક્યારેય જોયા નથી. આવી સ્થિતિમાં નિષ્ણાતો આ કવાયતને યુક્રેન સાથે જોડવા પર પણ નજર રાખી રહ્યા છે.