આ ઇ.સ. ૧૯૯૦ ના દાયકામાં સોવિયેટ સંઘ નબળું પડી ગયું ત્યારે તેના અનેક ટુકડાઓ થયા હતા, જેની સાથે રશિયાના અમેરિકા સાથેના ઠંડા વિગ્રહનો અંત આવ્યો હતો. રશિયાના વિઘટન પછી દુનિયામાં અમેરિકાનું એકછત્રી સામ્રાજ્ય સ્થાપિત થયું હતું. હવે ત્રણ દાયકા પછી રશિયા બળવાન બની ગયું હોવાથી તેણે અમેરિકાની દાદાગીરી સામે પડકાર ફેંક્યો છે. રશિયાએ પોતાના પડકારનો પ્રારંભ ૧૯૯૦ માં તેનાથી છૂટા પડી ગયેલા યુક્રેન પર પોતાનો દાવો કરીને કર્યો છે. કોરોનાને કારણે આર્થિક કટોકટીમાં સપડાઈ ગયેલા અમેરિકાને ઝૂકાવવા માટે ચીને રશિયા સાથે હાથ મિલાવ્યા છે. તેનાથી સંકેત મળે છે કે દુનિયામાં એક નવો વર્લ્ડ ઓર્ડર પ્રસ્થાપિત થઈ રહ્યો છે. જો ભારતે પોતાની તાકાત બતાડવી હોય તો ન્યુ વર્લ્ડ ઓર્ડરમાં પોતાની ભૂમિકા નક્કી કરી લેવી પડશે.
૧૯૯૦ ના દાયકામાં યુક્રેન રશિયાથી અલગ પડી ગયું તે પછી યુરોપના દેશોનો યુક્રેન સાથેનો વેપાર વધી ગયો હતો. યુક્રેનમાં મૂડીવાદી સરકારની સ્થાપના કરવામાં આવી હતી. યુક્રેનને નાટોમાં જોડવાની તજવીજ ચાલી રહી હતી, જેને કારણે રશિયા ખળભળી ગયું હતું. જો યુક્રેન નાટોમાં ભળી જાય તો નાટોનું લશ્કર રશિયાના સીમાડા પર આવી જાય તેમ હતું. સામ્યવાદી રશિયાએ ૨૦૧૪ માં યુક્રેનના ક્રીમિયામાં બળવો કરાવીને તેને પોતાની સાથે જોડી દીધું ત્યારથી સરહદ પર યુદ્ધ ચાલી રહ્યું છે. યુક્રેનથી અલગ થવા માંગતા બળવાખોરોને રશિયા નાણાં તેમ જ શસ્ત્રોની મદદ કરી રહ્યું છે. હકીકતમાં રશિયાના અનેક સૈનિકો બળવાખોરોના સ્વાંગમાં યુક્રેનના લશ્કર સામે લડી રહ્યા છે. હવે રશિયાએ પૂર્વ યુક્રેનમાં આવેલા ડોનેત્સ્ક અને લુહાન્સ્ક પ્રાંતોને સ્વતંત્ર દેશો તરીકે જાહેર કર્યા છે. આ પ્રાંતોનો કબજો બળવાખોરોના હાથમાં છે. હવે રશિયા સત્તાવાર રીતે ત્યાં પોતાનું લશ્કર મોકલી શકશે. તેને કારણે રશિયા અને અમેરિકા વચ્ચે અણુયુદ્ધ ફાટી નીકળે તેવી સંભાવના છે.
ડોનેત્સ્ક અને લુહાન્સ્ક પ્રાંતો રશિયાની સરહદ પર આવેલા છે. તેમને બંનેને ડોન્બાસ તરીકે પણ ઓળખવામાં આવે છે. તેમની જમીનમાં ચિક્કાર ખનિજ સંપત્તિ છે. ડોનેત્સ્ક યુક્રેનમાં લોખંડનું ઉત્પાદન કરતું મોટું કેન્દ્ર છે. તેની વસતિ આશરે ૨૦ લાખની છે. લુહાન્સ્ક શહેર અગાઉ વોરોશિલોવગ્રેડ તરીકે ઓળખાતું હતું. આ ઔદ્યોગિક શહેરની વસતિ ૧૫ લાખ જેટલી છે. ૨૦૧૪ માં યુક્રેનના રશિયાતરફી રાષ્ટ્રપતિ સામે બળવો કરીને તેમની હકાલપટ્ટી કરવામાં આવી ત્યારે રશિયાએ યુક્રેનના ક્રીમિયા પ્રાંત પર પોતાનો કબજો જમાવી દીધો હતો.
યુક્રેનના પૂર્વ ભાગમાં આવેલા ડોન્બાસ વિસ્તારમાં રશિયન ભાષા બોલનારા લોકોની બહુમતી છે. તેમણે ૨૦૧૪ ના એપ્રિલ મહિનામાં જ યુક્રેનની સરકાર સામે બળવો કરીને સરકારી મકાનો પર પોતાનો કબજો જમાવી દીધો હતો. તેમણે પોતાની જાતને સ્વતંત્ર દેશ તરીકે જાહેર કરી દીધા હતા. ત્યાર બાદ તેમણે ડોન્બાસ પ્રદેશમાં જનમત લીધો હતો, જેમાં લોકોએ રશિયા સાથે ભળી જવાની ઇચ્છા વ્યક્ત કરી હતી. રશિયાએ તે વિનંતી ન સ્વીકારીને તેમને સ્વતંત્ર દેશ તરીકે માન્યતા આપી દીધી છે.
યુરોપના દેશોનો આક્ષેપ હતો કે રશિયા ડોનેત્સ્ક અને લુહાન્સ્કના બળવાખોરોને સૈનિકોની અને શસ્ત્રોની મદદ કરે છે. રશિયાનો ખુલાસો એવો હતો કે આ બે પ્રાંતોમાં જે રશિયનો લડી રહ્યાં છે તેઓ સૈનિકો નથી પણ સ્વયંસેવકો છે. હવે રશિયાના પ્રમુખ વ્લાદિમિર પુતિને આ બે પ્રાંતોને સ્વતંત્ર દેશ તરીકે માન્યતા આપીને ૨૦૧૫ માં કરવામાં આવેલી મિન્સ્ક સંધિનો ભંગ કર્યો છે. આ સંધિ રશિયા અને યુક્રેન વચ્ચે ફ્રાન્સ અને જર્મની દ્વારા કરાવવામાં આવી હતી, જેમાં ઠરાવવામાં આવ્યું હતું કે રશિયા યુક્રેનના સાર્વભૌમત્વનો આદર કરશે. આ સંધિમાં બળવાખોરોને પણ સામેલ કરવામાં આવ્યા હતા. તેમના દ્વારા નક્કી કરવામાં આવ્યું હતું કે તેઓ હિંસાનો ઉપયોગ કરશે નહીં.
રશિયા દ્વારા ડોનેત્સ્ક અને લુહાન્સ્કને સ્વતંત્ર દેશો તરીકે માન્યતા આપવામાં આવી તેને પગલે ત્યાંનાં લોકોએ ફટાકડા ફોડ્યા હતા અને તેઓ રશિયાનો રાષ્ટ્રધ્વજ ફરકાવતા રસ્તા પર આવી ગયા હતા. રશિયાના સરકારી પ્રચાર માધ્યમો દ્વારા તેની તસવીરો બહાર પાડવામાં આવી હતી. રશિયાનાં આ પગલાંના યુક્રેનમાં ઘેરા પ્રત્યાઘાતો પડ્યા હતા. તેના નાગરિકો દ્વારા ચિંતા વ્યક્ત કરવામાં આવી હતી કે હવે રશિયા ટૂંક સમયમાં યુક્રેન પર પણ હુમલો કરશે. હવે ડોનેત્સ્ક અને લુહાન્સ્કની સરકારો દ્વારા રશિયાને મદદ માટે અરજી કરવામાં આવશે. તેને પગલે રશિયા સત્તાવાર રીતે યુક્રેનની સરહદ પાર કરીને ડોનેત્સ્ક અને લુહાન્સ્ક પ્રાંતોમાં લશ્કર મોકલી શકશે. રશિયાના પ્રમુખ વ્લાદિમિર પુતિને ડોનેત્સ્ક અને લુહાન્સ્કને માન્યતા આપતા આદેશ પર સહી કરી કે તરત જ તેમાં લશ્કર મોકલવાનો આદેશ પણ કર્યો હતો. આ લેખ તમે વાંચતા હશો ત્યારે રશિયાનું લશ્કર યુક્રેનમાં પ્રવેશી ચૂક્યું હશે. તેને કારણે યુનોની સલામતી સમિતિની તાકીદની બેઠક સોમવારે રાતે બોલાવવામાં આવી હતી. અમેરિકાની સરકારે પણ એક તાકીદનો આદેશ બહાર પાડીને ડોનેત્સ્ક અને લુહાન્સ્કમાં અમેરિકી રોકાણ પર પ્રતિબંધ જાહેર કર્યો હતો. અમેરિકા દ્વારા રશિયા પર વધારાના આર્થિક પ્રતિબંધો લાદવાની વિચારણા પણ ચાલી રહી છે.
રશિયાના દોઢ લાખ જેટલા સૈનિકો દ્વારા યુક્રેનને ચારે બાજુથી ઘેરી લેવામાં આવ્યું છે. જો રશિયા યુક્રેન પર હુમલો કરે તો યુક્રેનનું લશ્કર તેનો મુકાબલો કરી શકે તેમ નથી. જો નાટોનું લશ્કર યુક્રેનની વહારે ન આવે તો યુક્રેનનું પતન નિશ્ચિત છે. ફ્રાન્સના પ્રમુખ ઇમેન્યુઅલ મેક્રોને યુદ્ધ રોકવાના છેલ્લા પ્રયાસના રૂપમાં રશિયા અને અમેરિકાની બેઠક ગોઠવી છે, પણ જો રશિયા યુક્રેન પર હુમલો કરે તો તે બેઠક આપોઆપ કેન્સલ થઈ જશે. રશિયાની માગણી છે કે યુરોપના દેશો દ્વારા યુક્રેન સહિતના ભૂતપૂર્વ સોવિયેટ સંસ્થાને નાટોમાં જોડવું જોઈએ નહીં. યુરોપના દેશો તેવી બાંયધરી આપવા તૈયાર નથી. રશિયાની માગણી છે કે પૂર્વ યુરોપના દેશોમાં રહેલું નાટોનું લશ્કર પણ પાછું ખેંચાઈ જવું જોઈએ. નાટોના દેશો આ માગણી સ્વીકારે તેવી કોઈ સંભાવના નથી.
જો રશિયા યુક્રેન પર હુમલો કરશે તો નાટોનું લશ્કર તેની મદદે આવશે અને અમેરિકાના પ્રમુખ જો બાઇડેન પણ પોતાનું લશ્કર મોકલશે. જો તેમ થશે તો રશિયા અને અમેરિકાના લશ્કર વચ્ચે સીધી અથડામણ થઈ શકે છે. જો અણુયુદ્ધ થાય તો લાખો માનવોનો સંહાર પણ થઈ શકે છે. યુરોપના દેશો ખનિજ તેલ અને ગેસ માટે રશિયા પર મોટા પાયે નિર્ભર છે. જો યુદ્ધ થાય તો યુરોપના દેશોમાં ઇંધણની કટોકટી અને અફડાતફડી પણ પેદા થઈ શકે છે. જો ચીનનું લશ્કર રશિયાની મદદ કરવા આવી પહોંચે તો રશિયા-અમેરિકા-ચીન વચ્ચે વિશ્વયુદ્ધના ભણકારા વાગી રહ્યા છે. ઇ.સ. ૨૦૧૪ થી અત્યાર સુધી યુક્રેનના યુદ્ધમાં આશરે ૧૪,૦૦૦ સૈનિકો અને નાગરિકો માર્યા ગયા છે. જો યુદ્ધ થશે તો લાખો લોકોનો સંહાર થઈ શકે છે. દુનિયાના દેશો ચિંતાતુર નયને યુક્રેન સરહદ પર ચાલી રહેલી ગતિવિધિઓ નિહાળી રહ્યા છે. જો યુદ્ધ થાય તો ભારત સમક્ષ અમેરિકાને ટેકો આપવા સિવાય કોઈ વિકલ્પ રહેશે નહીં. રશિયાને ચીને ટેકો આપ્યો હોવાથી ભારત હવે રશિયાને ટેકો આપી શકે તેમ નથી. ભારતની બિનજોડાણવાદી નીતિની પણ કસોટી થશે.
– આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.