આઝાદીનાં 75 વર્ષના સંદર્ભે કેન્દ્ર સરકાર અમૃત મહોત્સવ ઉજવી રહી છે. દેશને આઝાદી મળી ત્યારે પણ ઉજવણી જોરશોરથી થઈ હતી. જો કે તે વેળાએ બીજી તરફ દેશના અનેક હિસ્સામાં કત્લેઆમ થઈ રહી હતી. બંગાળ એ રીતે સંવેદનશીલ ક્ષેત્ર હતું. કોમી દાવાનળે દેશને મળેલાં સ્વરાજને ગાંધીજીને મન અર્થહીન બનાવી દીધું હતું. અહિંસા, ભાઈચારા, પ્રેમ અને કરૂણાનું જાણે અસ્તિત્વ મટી ગયું હતું અને તેથી ગાંધીજી સ્વરાજની ઉજવણીમાં સામેલ થયા નહોતા. તેઓ દિલ્હીથી દૂર બંગાળમાં કોમી તોફાનને શાંત પાડવા માટે મથી રહ્યા હતા.
જે દિવસે આઝાદી મળી તે દિવસનો ગાંધીજીનો ક્રમ શું રહ્યો તે વિશે ‘પૂર્ણાહુતિ’ ભાગ-ત્રણમાં વિસ્તૃત આલેખન થયું છે. ગાંધીજીના અંતિમ દિવસોને દસ્તાવેજિત કરનારા પ્યારેલાલે તે દિવસનો પણ ગાંધીજીનો દિનક્રમ લખ્યો છે. 15 ઑગસ્ટના રોજ તેઓ કલકત્તામાં હતા. પ્યારેલાલ લખે છે : “સ્વાતંત્ર્યદિને ગાંધીજી હંમેશના કરતાં એક કલાક વહેલા એટલે કે રાત્રે બે વાગે ઊઠયા. એ મહાદેવ દેસાઈની પાંચમી સંવત્સરી પણ હતી એટલે એવા પ્રસંગોએ તેમના હંમેશના રિવાજ પ્રમાણે ગાંધીજીએ ઉપવાસ અને સવારની પ્રાર્થના પછી આખી ગીતાનો પાઠ કરાવ્યો.”
જે સ્વરાજ માટે ગાંધીજી આજીવન ઝંખ્યા તે આવ્યું ત્યારે તેની ખુશી વ્યક્ત કરી શકે તેવી તેમની સ્થિતિ નહોતી. આ દરમિયાન ગાંધીજીએ હંમેશ મુજબનો દિવસનો ક્રમ જાળવી રાખ્યો હતો અને આ ક્રમમાં મુખ્ય પ્રાર્થના હતી. આ સંદર્ભે પ્યારેલાલ લખે છે : “પ્રાર્થના ચાલતી હતી ત્યાં સંગીતના સૂરો સંભળાવા લાગ્યા. કવિવર રવીન્દ્રનાથનાં સ્વાતંત્ર્યનાં સુંદર ગીતો ગાતી ગાતી કેટલીક કન્યાઓ મકાન તરફ આવતી હતી.
આવીને તેઓ ગાંધીજીના ઓરડાની બારી બહાર ઊભી રહી. પ્રાર્થના હજી ચાલતી હતી. ભક્તિભાવથી તેમણે પોતાનું ગાન બંધ કર્યું, તેઓ પ્રાર્થનામાં જોડાઈ અને પછી ફરીથી તેમણે ગીતો ગાયાં. પછી દર્શન કરીને તેઓ ચાલી ગઈ. થોડી વાર પછી, કન્યાઓની બીજી એક ટુકડી આવી અને તેમણે એ જ પ્રમાણે ગીતો ગાયાં. આ પ્રમાણે સૂર્યોદય સુધી ચાલ્યા કર્યું – આગલા દિવસની સાંજની ધમાલ પછી દિવસનો આ સુંદર આરંભ હતો.”
ગાંધીજીની સવારની વ્યસ્તતા ખૂબ હતી અને તેમ છતાં તેઓ ક્રમ મુજબ ફરવા નીકળ્યા ત્યારે “સ્ત્રીઓ, પુરુષો અને બાળકો હજારોની સંખ્યામાં તેમની રાહ જોતાં ઊભાં હતાં. આખો દિવસ દર્શનાતુર ટોળાંઓ મકાનને ઘેરી રહ્યાં. અર્ધા અર્ધા કલાકે ગાંધીજીને દર્શન આપવા માટે બહાર આવવું પડતું હતું. પશ્ચિમ બંગાળના પ્રધાનમંડળના સભ્યો પણ તેમના આશીર્વાદ માટે આવ્યા.” આઝાદી મળ્યા પછી ગાંધીજી દેશનું ભાવિ જાણે ભાખી ચૂક્યા હોય તેમ તેમણે સૂચનો કર્યાં છે.
15 ઓગસ્ટના દિવસે જ તેમણે દેશવાસીઓને ચેતવણીના સૂરમાં જણાવ્યું હતું કે, “આજથી તમારે કાંટાળો તાજ પહેરવાનો છે. સત્ય અને અહિંસા ખીલવવા માટે સદા પ્રયત્નશીલ રહેજો. નમ્ર બનજો. ક્ષમાશીલ બનજો. બ્રિટિશ અમલે તમારી ખસૂસ કસોટી કરી છે પણ હવે તો તમારી પૂરેપૂરી કસોટી થવાની છે. સત્તાથી ચેતતા રહેજો; સત્તા દૂષિત કરનારી વસ્તુ છે. તેના ઠાઠમાઠ તથા તેની ભભકથી અંજાઈને તેના બંદીવાન ન બનશો. યાદ રાખજો કે હિંદનાં ગામડાંઓમાં વસતા ગરીબ લોકોની સેવા કરવાને તમે સત્તા પર આવ્યા છો. ઈશ્વર તમને સહાય કરે.”
બિહાર અને બંગાળમાં ખાસ કરીને કોમી આગ પ્રસરી હતી અને અગાઉ પણ તેઓ આ આગને ઠારવા પ્રયાસ કરી ચૂક્યા હતા. બદલાની ભાવના બંને પક્ષે બળવત્તર હતી. જો કે આ બધાની વચ્ચે પણ કલકત્તામાં હિંદુ-મુસ્લિમ એકતાના દૃશ્ય જોવા મળ્યા. પ્યારેલાલે આવી ઘટનાની નોંધ કરી છે. તેઓ લખે છે : “૧૫મી ઑગસ્ટે કલકત્તામાં, હિંદુ-મુસ્લિમ એકતાના પૂર્વ પ્રદર્શન દ્વારા રાષ્ટ્રીય આનંદોત્સવનાં રોમહર્ષક દૃશ્યો જોવા મળ્યાં. વહેલી સવારથી, હિંદુઓ તથા મુસલમાનોની મિક્સ ટોળીઓ મોટર લોરીઓમાં બેસીને “હિંદુમુસ્લિમ એક હો” અને “હિદમુસ્લિમ ભાઈ ભાઈ’નાં સૂત્રો પોકારતી પોકારતી શહેરના જુદા જુદા ભાગોમાં ફરવા લાગી. તે એટલે સુધી કે, મોડી રાત સુધીમાં વિરાટ ટોળાંઓએ – એમાં હિંદુઓ તથા મુસલમાનો સેળભેળ હતા – બધા રાજમાર્ગોને રૂંધી દીધા અને “હિંદુમુસ્લિમ એક હો” તથા “જય હિંદ”ના કાન ફાડી નાખે એવા પોકારો તેઓ કરતા રહ્યા. એક વરસ સુધીનાં પાગલપણાનાં કાળાં વાદળો પછી જાણે એકાએક સમજણ અને શુભેચ્છાનો સૂર્યોદય થયો હોય એમ લાગતું હતું.”
આ દાવાનળને શાંત પાડવા અર્થે એક તરફ ગાંધીજીને શાંતિદૂત તરીકે જોવાતા હતા જ્યારે બીજી તરફ તેમના પર આક્ષેપ પણ થઈ રહ્યા હતા. 14 ઑગસ્ટની એક ઘટના એ રીતે સૂચક છે. પૂર્ણાહુતિમાં આ ઘટના નોંધાઈ છે. પ્યારેલાલ નોંધે છે કે અતિશય ગંદા વિસ્તારમાં હૈદરી મેન્શન નામનું ઘર ગાંધીજીના રહેવા માટે સાફસૂફ કરવામાં આવ્યું. અહીં તેમની વ્યવસ્થા ગોઠવાઈ અને ત્યાં કેટલાંક જુવાનિયાઓએ ગાંધીજી બેઠા હતા તે ઓરડાની બારી પર ચડીને અંદર જવાનો પ્રયાસ કર્યો. તેમ કરવા ન કહ્યું ત્યારે તેઓએ પથરા ફેંક્યા જે થી તે ઓરડીના કાચ તૂટ્યા. પથરા ફેંકાતા રહ્યા. આ ઘટના વિશે આગળ પ્યારેલાલ નોંધે છે : “થોડી જ વારમાં દેખાવો કરનારાઓના પ્રતિનિધિઓને ગાંધીજીને મળવા માટે અંદર દાખલ કરવામાં આવ્યા.
તેમના પૈકીના એકે બોલવા માંડ્યું : ‘ગયે વરસે 16 ઑગસ્ટે હિંદુઓની સામે સીધાં પગલાં શરૂ કરવામાં આવ્યાં ત્યારે તો આપ અમારી વહારે ધાયા નહોતા અને હવે મુસ્લિમ વિસ્તારોમાં થોડીક જ તકલીફ પેદા થઈ ત્યારે આપ તેમની મદદે દોડી આવ્યા છો. અમને આપની હાજરી અહીં જોઈતી નથી.’ ગાંધીજીએ તેમના હંમેશના વલણ મુજબ જવાબ વાળ્યો. તેમણે કહ્યું : ‘1946ના ઑગસ્ટ પછી તો નદીમાં ઘણું પાણી વહી ગયું. મુસલમાનોએ એ વખતે કર્યું તે સર્વથા ખોટું હતું પરંતુ 1946નું વેર 1947માં વાળવાનો શો અર્થ? હું તો નોઆખલી જઈ રહ્યો હતો. ત્યાં તમારાં પોતાનાં જ ભાઈભાંડુઓ મારી હાજરી ઇચ્છે છે. …તમારે સમજવું જોઈએ કે, અહીં હું કેવળ મુસલમાનોની જ નહીં પણ હિંદુઓ, મુસલમાનો અને બીજાંઓ, સૌની એકસરખી રીતે સેવા કરવાને આવ્યો છું.”
આ રીતે બંને કોમો ઘણી જગ્યાએ ગાંધીજીને જવાબદાર ઠેરવીને ટીકા કરતાં. જો કે આ દરમિયાન પણ તેમનું શાંતિનું કાર્ય અટક્યું નહીં. તે માટે તેમણે અથાક પ્રયાસ કર્યા. આ પ્રયાસની જ અસર કલકત્તામાં અનેક જગ્યાએ મળી રહી હતી. આવી એક ઘટના નોંધતા પ્યારેલાલ લખે છે : “ગાંધીજીના મકાન આગળ ભાઈચારાનાં રોમાંચક દૃશ્યો જોવા મળ્યાં પરંતુ ગાંધીજીના ચહેરા પર ઉત્સાહની કશી નિશાની દેખાતી નહોતી. તેમનાં ચક્ષુ અંતર તરફ વળ્યાં હતાં અને તેમનો માર્ગ પ્રકાશિત કરવાને તથા હવે પછીનું પગલું તેમને દર્શાવવાને તેમના સર્જનહારના દર્શનની ખોજ કરતાં હતાં. એ દિવસે પ્રાર્થનાભૂમિ પર લગભગ ત્રીસ હજાર માણસો એકઠા થયા. મેદની અતિશય ગીચ હતી.
જે માર્ગ કાપતાં પાંચ મિનિટ થતી હતી તે કાપતાં વીસ મિનિટ થઈ. કલકત્તાના નાગરિકોએ સિદ્ધ કરેલી એકતા માટે ગાંધીજીએ તેમને ધન્યવાદ આપ્યા. તેમણે કહ્યું કે, શહેરમાં જોવા મળેલી ભાઈચારાની છલકાતી ભાવના સાચા દિલની હોય અને ક્ષણિક ન હોય તો એ ખિલાફતના દિવસોના કરતાં પણ વધારે રૂડી છે પરંતુ લાહોરમાં ગાંડપણનો દાવાનળ હજી ચાલુ જ છે એ સાંભળીને મને વિશેષ અફસોસ થાય છે. મને ખાતરી છે કે, કલકત્તાનો ઉમદા દાખલો સાચા દિલનો હશે તો એની અસર પંજાબ પર તથા હિંદના બીજા ભાગો પર થવા પામશે.”
એકતા અને બદલાની બંને લાગણી આસપાસ પ્રસરેલી હોવા છતાં ગાંધીજી પોતાનો સંદેશ આપવાનું ચૂકતા નહીં અને તેથી જ તેમણે આઝાદીને લઈને તે દિવસે કહ્યું છે કે : “હું તમને ચેતવું છું કે, હવે તમે સ્વતંત્ર થયા છો એટલે તમારી સ્વતંત્રતાનો તમારે ડહાપણભર્યા સંયમથી ઉપયોગ કરવો જોઈએ. હિંદમાં રહેનારા યુરોપિયનો પ્રત્યે, તમે તમારે પોતાને માટે અપેક્ષા રાખો એવો જ વર્તાવ તમારે રાખવો રહ્યો. તમારે સમજવું જોઈએ કે તમે તમારા પોતાના સિવાય બીજા કોઈના જ સ્વામી નથી. કોઈને પણ તેની મરજી વિરુદ્ધ કરવાની ફરજ તમે હરગિઝ ન પાડી શકો.”
15 ઑગસ્ટની રાતનો ગાંધીજીનો ક્રમ પૂર્ણાાહુતિમાં આ રીતે નોંધાયો છે : “રાત્રે ગાંધીજી શહેરમાં ફર્યા અને તેના જુદા જુદા ભાગોમાં હજી પણ ચાલી રહેલા ભાઈચારાનાં દૃશ્યો તેમણે નિહાળ્યા. શહીદ સુહરાવર્દી મોટર હાંકતા હતા. એક મહોલ્લાને નાકે એકઠા થયેલા લોકોએ તેમને ઓળખી કાઢયા અને તરત જ સેંકડો મુસલમાનો મોટરની આસપાસ ફરી વળ્યા. તેમણે “મહાત્મા ગાંધી ઝિંદાબાદ”નો પોકાર કર્યો. …કેટલાક લોકોએ તેમના પર ગુલાબજળ અને અત્તર છાંટયું અને “મહાત્મા ગાંધીકી જય”નો પોકાર કર્યો. બીજે એક સ્થળે મુસલમાન જુવાનિયાઓ તેમની મોટરની આસપાસ ટોળે વળ્યા અને હાથ મિલાવવા માટે પોતાના હાથ મોટરમાં નાખ્યા.
“ગાંધીજીએ ઉપવાસ કરીને અને રોજના કરતાં વધુ કાંતીને એ દિવસ ઊજવ્યો. ઉપવાસમાં શહીદ સુહરાવર્દી તેમની સાથે જોડાયા. મહાત્મા ગાંધીનો એગાથા હેરિસન પર પત્ર ૧૫મી ઓગસ્ટ, ૧૯૪૭ આજના બનાવ જેવા મહાન બનાવો ઊજવવાની મારી રીત – એને માટે ઈશ્વરનો આભાર માનવાની અને તેથી કરીને તેની પ્રાર્થના કરવાની – તમે જાણો છો. એ પ્રાર્થના ઉપવાસયુક્ત હોવી જોઈએ.”