રાયપુર ખાતે આજે તા. 3 ડિસેમ્બરે રમાઈ રહેલી ભારત–દક્ષિણ આફ્રિકા વચ્ચેની બીજી વનડે મેચમાં ઋતુરાજ ગાયકવાડે શાનદાર બેટિંગ કરીને પોતાની કારકિર્દીની પહેલી ODI સદી ફટકારી છે. શહીદ વીર નારાયણ સિંહ ઇન્ટરનેશનલ સ્ટેડિયમમાં રમાઈ રહેલી આ મહત્વપૂર્ણ મેચમાં ગાયકવાડે ટીમ ઈન્ડિયાને મજબૂત સ્કોર તરફ દોરી જવામાં મોટી ભૂમિકા ભજવી છે.
ગાયકવાડનું શ્રેષ્ઠ વનડે ઇનિંગ્સ
જયારે ઋતુરાજ ગાયકવાડ ક્રિઝ પર આવ્યો ત્યારે ભારતનું સ્કોર 62/2 હતું. તેણે શરૂઆતમાં સંભાળી-સંભાળી ઇનિંગ્સ ગોઠવી. તેણે 52 બોલમાં અડધી સદી પૂરી કર્યા બાદ તે વધુ આત્મવિશ્વાસી દેખાયો પછી તેણે આક્રમક રમત શરૂ કરી અને મેદાનના બધાજ ખૂણામાં શોટ્સ ફટકાર્યા.
ગાયકવાડે 77 બોલમાં પોતાની સદી પૂરી કરી જેમાં 12 ચોગ્ગા અને 2 છગ્ગા સામેલ હતા. આ તેની ODI કારકિર્દીની પહેલી સદી છે. જે તેણે પોતાની માત્ર આઠમી વનડે મેચમાં બનાવી.
ખરાબ ફોર્મ બાદ મજબૂત વાપસી
આ સદી રુતુરાજ માટે ખાસ છે. કારણ કે આ મેચ પહેલા તેણે 7 વનડેમાં ફક્ત 123 રન બનાવ્યા હતા અને તેની એવરેજ માત્ર 17.57 રહી હતી. સતત નિષ્ફળતા કારણે તેના સ્થાન ઉપર પણ પ્રશ્નો ઉઠી રહ્યા હતા પરંતુ આ ઇનિંગ્સે તેના પરનો દબાણ દૂર કર્યો અને ટીકાકારોને મજબૂત જવાબ આપ્યો છે.
ભારતની શરૂઆત નબળી રહી
શરૂઆતની મેચ દરમિયાન ભારતને ઝડપી ઝટકો લાગ્યો હતો. કારણકે રોહિત શર્મા ફક્ત 14 રન બનાવીને આઉટ થયો. ત્યારબાદ યશસ્વી જયસ્વાલ સારી શરૂઆત છતાં મોટી ઇનિંગ બનાવી શક્યો નહીં અને 22 રન પર આઉટ થયો. જોકે વિરાટ કોહલી તેની શાનદાર બેટિંગ કરી રહ્યો છે.
આ મુશ્કેલ પરિસ્થિતિમાં ઋતુરાજ ગાયકવાડે ઈન્ડિયાને સંભાળી અને મહત્વની સદી ફટકારી. અંતે ઋતુરાજ 83 બોલમાં 105 રનની શાનદાર બેટિંગ કરી આઉટ થયો.