Sports

IND vs SA Final: ભારત અને દક્ષિણ આફ્રિકાની ફાઈનલ મેચ માટે ICC ના નવા નિયમો સામે આવ્યા

ટી20 વર્લ્ડ કપ (World Cup) 2024ની ફાઈનલ (Final) મેચની સૌ કોઈ આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. ક્રિકેટના આ ફોર્મેટનો નવો ચેમ્પિયન મળશે. શનિવાર 29 જૂને રોહિત શર્માની કપ્તાનીવાળી ભારતીય ક્રિકેટ ટીમ અને એઇડન માર્કરામની કપ્તાનીવાળી દક્ષિણ આફ્રિકાની ટીમ વચ્ચે મુકાબલો થશે. દરમિયાન જે રીતે ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચેની સેમીફાઈનલ મેચમાં વરસાદે વિક્ષેપ પાડ્યો હતો તેવી જ રીતે ફાઈનલ મેચમાં પણ વરસાદની શક્યતા છે. જો વરસાદ પડે છે તો નિયમો શું હશે. કારણ કે આઈસીસીએ સેમીફાઈનલ અને ફાઈનલ માટેના નિયમોમાં કેટલાક ફેરફાર કર્યા છે. તેની જાહેરાત કરવામાં આવી છે.

ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચેની ફાઈનલ માટે રિઝર્વ ડે હશે
ભારત વિ દક્ષિણ આફ્રિકા ફાઈનલ માટે સૌથી સારી વાત એ છે કે ICC એ તેના માટે પહેલાથી જ અનામત દિવસની જાહેરાત કરી દીધી હતી. અગાઉ રમાયેલી સેમિફાઇનલ 1 માટે રિઝર્વ ડે રાખવામાં આવ્યો હતો. ભારત વિરુદ્ધ ઈંગ્લેન્ડની બીજી સેમિફાઈનલ માટે રિઝર્વ ડેની કોઈ જોગવાઈ નહોતી. આ માટે 250 મિનિટનો વધારાનો સમય રાખવામાં આવ્યો હતો. આ દરમિયાન બીજી સેમિફાઇનલ પણ પૂરી થઈ ગઈ હતી.

પહેલા દિવસે 10 ઓવરની મેચ રમાઈ ન શકે તો જ રિઝર્વ ડેનો ઉપયોગ કરવામાં આવશે
આઈસીસીએ પહેલાથી જ જાહેરાત કરી દીધી છે કે T20 વર્લ્ડ કપ 2024ની ફાઈનલ માટે રિઝર્વ ડે રાખવામાં આવ્યો છે, પરંતુ આ રિઝર્વ ડેનો ઉપયોગ ત્યારે જ કરવામાં આવશે જો મેચ પહેલા દિવસે નહીં રમાય. ICCના નિયમો અનુસાર પ્રથમ દિવસે ઓછામાં ઓછી 10 ઓવરની મેચ કરાવવાનો પ્રયાસ કરવામાં આવશે. જો કે જો કોઈ ટી-20 ઈન્ટરનેશનલ મેચ હોય તો ઓછામાં ઓછી 5 ઓવરની મેચ હોવી જરૂરી છે તો જ પરિણામ જાહેર થાય છે. પરંતુ આનાથી ઓછી ઓવરવાળી મેચનું પરિણામ જાહેર કરવામાં આવતું નથી.

T20 વર્લ્ડ કપની સેમિફાઇનલ અને ફાઇનલ મેચમાં ઓછામાં ઓછી 10 ઓવરની મેચ હોવી જરૂરી છે. એ સમજવું ખૂબ જ જરૂરી છે કે જો પ્રથમ દિવસે દસ ઓવરની મેચ પણ ન રમાય તો બીજા દિવસે એટલે કે રિઝર્વ ડે પર જ મેચ રમાશે. આટલું જ નહીં જો પહેલા દિવસે મેચ શરૂ થાય છે અને તે પછી મેચ રમી શકાતી નથી અને બીજા દિવસે જાય છે, તો મેચ ત્યાંથી શરૂ થશે જ્યાં પહેલા દિવસે રોકી હતી. ફાઈનલ માટે 190 મિનિટનો વધારાનો સમય પણ રાખવામાં આવ્યો છે એટલે કે મેચ ત્રણ કલાક અને દસ મિનિટ વધુ ચાલી શકે છે.

ફાઇનલ મેચ સવારે 10.30 કલાકે શરૂ થશે
શનિવારે મેચ સ્થાનિક સમય અનુસાર સવારે 10:30 વાગ્યે શરૂ થશે. ટોસ તેના અડધા કલાક પહેલા એટલે કે સવારે 10 વાગ્યે થશે. મેચ રિઝર્વ ડે રવિવારે પણ તે જ સમયે શરૂ થશે. ખાસ વાત એ છે કે જો શનિવાર અને રવિવારે એકસાથે દસ ઓવરની મેચ પણ નહીં રમાય તો બંને ટીમને સંયુક્ત વિજેતા જાહેર કરવામાં આવશે.

બાર્બાડોસમાં હવામાનની આગાહી
AccuWeather અનુસાર શનિવારે મેચના દિવસે વરસાદની સંભાવના છે. સ્થાનિક સમય એટલે કે બાર્બાડોસનો સમય સવારે 4 વાગ્યાથી સવારે 9 વાગ્યાની વચ્ચે વરસાદની લગભગ 50 ટકા શક્યતા છે. આ પછી સવારે 10 વાગ્યાથી એટલે કે ટોસના સમય અને બપોરે 1 વાગ્યાની વચ્ચે વરસાદની લગભગ 30 ટકા શક્યતા રહેશે. આ પછી તે ફરી વધીને લગભગ 50 ટકા થઈ શકે છે.

Most Popular

To Top