Sports

ભારતે બાંગ્લાદેશને 7 વિકેટે હરાવ્યું, વિરાટ કોહલીનો રેકોર્ડ, આં.રા. ક્રિકેટમાં સૌથી ઝડપી 26 હજાર રન બનાવ્યા

ટીમ ઈન્ડિયા વર્લ્ડ કપ 2023ની (World Cup 2023) પોતાની ચોથી મેચમાં બાંગ્લાદેશ (Bangladesh) સામે બોલિંગ કર્યા બાદ બેટિંગ કરી જીત મેળવી હતી. બાંગ્લાદેશના કેપ્ટન નઝમુલ હસન શાંતોએ ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. બાંગ્લાદેશે ભારતને (India) જીતવા માટે 257 રનનો ટાર્ગેટ આપ્યો છે. તેની સામે ભારતની ટીમે ત્રણ વિકેટ ગુમાવી 41.3 ઓવરમાં 261 રન બનાવ્યા હતા.

ટીમ ઈન્ડિયા તરફથી વિરાટ કોહલી અને કેએલ રાહુલે સારી જોડીદારી કરી ટીમને લક્ષ્ય સુધી પહોંચાડી હતી. વિરાટએ શાનદાર રમતનું પ્રદર્શન કરી 97 બોલમાં 103 રન બનાવ્યા હતા. વિરાટે વન-ડે કરિયરની 69મી ફિફ્ટી ફટકારી હતી. આ પહેલા ટીમ ઈન્ડિયાને પહેલો ઝટકો કેપ્ટન રોહિત શર્માના રૂપમાં લાગ્યો હતો. હસન મહેમુદે રોહિતને 48 રન પર આઉટ કર્યો હતો. ફક્ત બે રનથી રોહિત હાફ સદી ચૂકી ગયો હતો. ત્યારબાદ મેંહદી હસન મિરાઝે શુભમન ગિલને 53 રન પર આઉટ કર્યો હતો. ગિલે તેના વન-ડે કરિયરની 10મી ફિફ્ટી ફટકારી હતી. શ્રેયસ અય્યરની વિકેટ પણ મેહદી હસન મિરાઝે લીધી હતી. અય્યરે 19 રન બનાવ્યા હતા.

વિરાટ કોહલીએ બનાવ્યો વર્લ્ડ રેકોર્ડ
77 રન બનાવતા જ વિરાટ કોહલીએ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં પોતાના 26000 રન પૂરા કર્યા હતા. તેણે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં સૌથી ઝડપી 26 હજાર રન પૂરા કર્યા છે અને સચિન તેંડુલકર જેવા દિગ્ગજ ખેલાડીઓને પણ પાછળ છોડી દીધા છે. કોહલીએ 26 હજાર રન પૂરા કરવા માટે 567 ઇનિંગ્સ રમી છે અને સચિને આ માટે 600 ઇનિંગ્સ રમી છે. વિરાટે વન-ડે કરિયરની 69મી ફિફ્ટી ફટકારી હતી જ્યારે 48મો શતક બનાવ્યો હતો.

જણાવી દઈએ કે ટીમ ઈન્ડિયા પહેલાં જ આ ટૂર્નામેન્ટમાં ત્રણ મેચ જીતી ચુકી હતી. પ્રથમ મેચમાં ઓસ્ટ્રેલિયાને ખરાબ રીતે હરાવ્યું હતું, ત્યારબાદ અફઘાનિસ્તાન અને ત્યાર બાદ છેલ્લી મેચમાં પાકિસ્તાનને હરાવ્યું હતું. બાંગ્લાદેશ સામેની જીત સાથે ટીમ ઈન્ડિયા પોઈન્ટ ટેબલમાં ટોપ પર આવી ગયું છે. હવે ભારતની આગામી મેચ 22 ઓક્ટોબરે ધર્મશાલામાં ન્યૂઝીલેન્ડ સામે થશે.

વન-ડે વર્લ્ડ કપ 2023ની 17મી મેચ ભારત અને બાંગ્લાદેશ વચ્ચે પુણેના મહારાષ્ટ્ર ક્રિકેટ એસોસિયેશન સ્ટેડિયમમાં રમાઈ હતી. બાંગ્લાદેશે 50 ઓવર રમી 8 વિકેટ ગુમાવી ભારતને 257 રનનો ટાર્ગેટ આપી પોતાનો દાવ પૂરો કર્યો હતો. બાંગ્લાદેશના ખેલાડી લિટન દાસે સૌથી વધુ 66 રન બનાવ્યા હતા જ્યારે તન્ઝીદ હસને 51 રન કર્યા હતા. મુહંમદુલ્લાહે 46 રન બનાવ્યા હતા. ભારત તરફે રવીન્દ્ર જાડેજા, જસપ્રીત બુમરાહ અને મોહમ્મદ સિરાજને 2-2 વિકેટ મળી હતી. જ્યારે શાર્દૂલ ઠાકુર અને કુલદીપ યાદવે 1-1 વિકેટ લીધી હતી.

દરમ્યાન મેચમાં ઓલરાઉન્ડર ખેલાડી હાર્દિક પંડ્યા ઘાયલ થતા મેદાનની બહાર કરાયા હતા. દરમ્યાન હાર્દિકની બચેલી ઓવરના બાકી બોલ વિરાટ કોહલીએ નાંખ્યા હતા. કોહલીએ આઠ વર્ષ બાદ બોલિંગ કરી હતી. વર્લ્ડ કપમાં અત્યાર સુધીમાં ચાર વખત જ બોલિંગ કરી છે. 2011ના વર્લ્ડ કપમાં ઓસ્ટ્રેલિયા સામે ક્વાર્ટર ફાઈનલમાં બોલિંગ કરી હતી. શ્રીલંકા સામે ફાઈનલમાં બોલિંગ કરી હતી. ત્યારબાદ 2015ના વર્લ્ડ કપમાં ઓસ્ટ્રેલિયા સામેની સેમિફાઈનલમાં બોલિંગ કરી હતી.

Most Popular

To Top