બ્રિસબેન: T20 વર્લ્ડ કપના સુપર-12 રાઉન્ડ પહેલા આજે સોમવારે ભારત તેની પહેલી પ્રેક્ટિસ મેચ બ્રિસબેનમાં ઓસ્ટ્રેલિયા સામે રમી હતી. T20માં વિશ્વની નંબર વન ટીમ ભારત અને ડિફેન્ડિંગ ચેમ્પિયન ઓસ્ટ્રેલિયા વચ્ચે રમાયેલી પ્રેક્ટિસ મેચ પણ ભારે રોમાંચક રહી હતી. છેલ્લી બોલ સુધી કોણ જીતશે તે નક્કી નહોતું. ભારતે સોંપેલા 187 રનના ટાર્ગેટ સામે ઓસ્ટ્રેલિયાની ટીમ 180 રન જ બનાવી શકી હતી. ઓસ્ટ્રેલિયા 6 રનથી હાર્યું હતું. આખીય મેચમાં પેવેલિયનમાં બેઠેલાં મહોમ્મદ શમીએ છેલ્લી ઓવર નાંખવા મેદાનમાં આવી અને બધું ફેમ લૂંટી લીધું હતું. શમીની છેલ્લી ઓવરની છેલ્લી 4 બોલમાં 4 વિકેટ પડી હતી. આ સાથે જ ટીમ ઈન્ડિયાની 6 રનથી શાનદાર જીત થઈ હતી.
ભારતે પ્રેક્ટિસ મેચમાં ઓસ્ટ્રેલિયા સામે 20 ઓવરમાં 187 રનનો ટાર્ગેટ આપ્યો હતો.. ટોસ હાર્યા બાદ પ્રથમ બેટિંગ કરવા ઉતરેલી ભારતીય ટીમે 20 ઓવરમાં સાત વિકેટ ગુમાવીને 186 રન બનાવ્યા હતા. ભારતે ઓસ્ટ્રેલિયાને છ રનથી હરાવ્યું હતું. ઓસ્ટ્રેલિયાને છેલ્લી પાંચ ઓવરમાં 43 રનની જરૂર હતી. ત્યારે તેની આઠ વિકેટ બાકી હતી. ફિન્ચ અને મેક્સવેલ બેટિંગ કરી રહ્યા હતા. આ પછી ભુવનેશ્વર કુમારે 16મી ઓવરમાં માત્ર ચાર રન આપ્યા અને એક વિકેટ લીધી. અશ્વિને 17મી ઓવરમાં 10 રન આપ્યા હતા. અર્શદીપ 18મી ઓવરમાં બોલિંગ કરવા આવ્યો અને 13 રન આપ્યા. 19મી ઓવર છેલ્લા કેટલાક સમયથી ટીમ ઈન્ડિયા માટે સમસ્યા બની રહી છે. જો કે આ મેચમાં હર્ષલ પટેલ 19મી ઓવર ફેંકવા આવ્યો અને માત્ર પાંચ રન જ આપ્યા હતા. આ ઓવરમાં બે વિકેટ પણ પડી હતી. હર્ષલે પહેલા ફિન્ચને ક્લીન બોલ્ડ કર્યો હતો. જે ટર્નિંગ પોઈન્ટ સાબિત થયો હતો. ત્યારબાદ આ ઓવરમાં ટિમ ડેવિડ વિરાટ કોહલીની સીધા થ્રો પર રનઆઉટ થયો હતો. મોહમ્મદ શમી 20મી ઓવરમાં પ્રથમ વખત બોલિંગ કરવા આવ્યો હતો. તેને 11 રન બચાવવા પડ્યા હતા. સામે પેટ કમિન્સ અને જોશ ઈંગ્લિસ હતા.
શમીની છેલ્લી ઓવરનો રોમાંચ
- શમીએ પ્રથમ બોલ પર બે રન આપ્યા હતા.
- ફરીથી બીજા બોલ પર બે રન બન્યા.
- કમિન્સે ત્રીજા બોલ પર શોટ રમ્યો હતો. તેના પર કોહલીએ બાઉન્ડ્રી પર એક હાથે શાનદાર કેચ લીધો હતો.
- એશ્ટન અગર ચોથા બોલ પર રન આઉટ થયો હતો.
- પાંચમા બોલ પર શમીએ જોશ ઈંગ્લિસને યોર્કર પર ક્લીન બોલ્ડ કર્યો હતો.
- આ પછી શમીએ ઓવરના છેલ્લા બોલ પર કેન રિચર્ડસનને ક્લીન બોલ્ડ કર્યો હતો.
એરોન ફિન્ચની લડાયક ઈનિંગ છતાં ઓસ્ટ્રેલિયા હાર્યું
ઓસ્ટ્રેલિયા તરફથી કેપ્ટન એરોન ફિન્ચે સૌથી વધુ 76 રન બનાવ્યા હતા. આ સિવાય મિચેલ માર્શે 35 રન બનાવ્યા હતા. ભારત તરફથી મોહમ્મદ શમીએ એક ઓવર ફેંકીને સૌથી વધુ ત્રણ વિકેટ લીધી હતી. મેચનો ટર્નિંગ પોઈન્ટ હર્ષલ પટેલે ફેંકેલી 19મી ઓવરની પહેલી બોલ હતી. સેટ બેટ્સમેન્ટ એરોન ફિન્ચ આ બોલે બોલ્ડ થયો હતો. ત્યાર બાદ આ ઓવરમાં બીજી એક વિકેટ પડી હતી અને ત્યાર બાદ 20મી ઓવરમાં 4 વિકેટ પડી હતી. આમ 12 બોલમાં 6 વિકેટ પડતાં ઓસ્ટ્રેલિયા ધરાશાયી થયું હતું.
એરોન ફિન્ચ અને મિચેલ માર્શે તોફાની ઓસ્ટ્રેલિયાને સ્ટાર્ટ અપાવ્યો હતો
ઓસ્ટ્રેલિયાને પ્રથમ ઝટકો છઠ્ઠી ઓવરમાં 41 રનના સ્કોર પર લાગ્યો હતો. ભુવનેશ્વર કુમારે મિચેલ માર્શને બોલ્ડ કર્યો હતો. આ અગાઉ એરોન ફિન્ચ અને માર્શે ચારેતરફ ભારતીય બોલરોને ફટકાર્યા હતા. માર્શ 18 બોલમાં 35 રનની શાનદાર ઇનિંગ રમીને આઉટ થયો હતો. ત્યાર બાદ યુઝવેન્દ્ર ચહલે 11મી ઓવરમાં સ્ટીવ સ્મિથને બોલ્ડ કર્યો હતો. સ્મિથ 11 રન બનાવી શક્યો હતો. 11 ઓવર પછી ઓસ્ટ્રેલિયાએ બે વિકેટ ગુમાવીને 97 રન બનાવ્યા હતા. ત્યાર બાદ એરોન ફિન્ચ અને મેક્સવેલે ફટકાબાજી કરી હતી. એરોન ફિન્ચ ફિફટી બનાવ્યા હતા. જ્યારે 16મી ઓવરમાં ભુવનેશ્વરકુમારે મેક્સવેલને આઉટ કર્યો હતો. વિકેટ કિપર દિનેશ કાર્તિકે તેનો કેચ પકડ્યો હતો. મેક્સવેલે 16 બોલમાં 23 રન બનાવ્યા હતા. 16મી ઓવરમાં ઓસ્ટ્રેલિયાનો સ્કોર 148-3 પર પહોંચ્યો હતો. ત્યાર બાદ સ્ટોયનિસ લાંબુ ટકી શક્યો નહોતો. અર્શદીપે તેને આઉટ કર્યો હતો.
જોકે, 19મી ઓવરની પહેલી બોલે કેપ્ટન એરોન ફિન્ચ હર્ષલ પટેલની બોલ પર બોલ્ડ થતા ભારતે હાશકારો અનુભવ્યો હતો. આ જ ઓવરમાં વિરાટ કોહલીના લાજવાબ થ્રોના લીધે ડેવિડ રન આઉટ થયો હતો. છેલ્લી 20મી ઓવરમાં 6 બોલમાં 11 રનનો ટાર્ગેટ સોંપવામાં આવ્યો હતો.
એક જ ઓવર નાંખી શમી હીરો બની ગયો, લાજવાબ કેચ પકડી અને થ્રો ફેંકી કોહલીએ ઈમ્પ્રેસ કર્યા
આખીય મેચમાં એક પણ ઓવર નહીં નાંખનાર મોહમ્મદ શમી પાસે કેપ્ટન રોહિત શર્માએ 20મી ઓવરમાં બોલ સોંપી હતી. 20મી ઓવરની ત્રીજી બોલે બેટ્સમેને લોંગ ઓન પર ફટકારેલો શોટ બાઉન્ડ્રી ક્રોસ કરે તે પહેલાં વિરાટ કોહલીએ એક હાથથી કેચ પકડી લીધો હતો.
વીડિયો જોવા માટે અહીં ક્લીક કરો
ચોથી બોલમાં અન્ય એક બેટ્સમેન જોશ ઈંગ્લીશ રન આઉટ થયો હતો. દોઢ ઓવરમાં 4 વિકેટ પડી હતી. છેલ્લી 2 બોલમાં 7 રન જોઈતા હતા. પરંતુ 5મી બોલે મોહમ્મદ શમીએ સ્ટાર્કને 0 પર બોલ્ડ કર્યો હતો. એક બોલમાં 7 રન જોઈતા હતા, પરંતુ મોહમ્મદ શમીએ છેલ્લી બોલમાં બેટ્સમેનને બોલ્ડ કર્યો હતો ભારત જીત્યું હતું. 180 પર ઓસ્ટ્રેલિયા ઓલઆઉટ થયું હતું.
રોહિત, કોહલી અને પંડ્યા ફેઈલ: રાહુલ અને સૂર્યાની તોફાની ઈનિંગ
આ અગાઉ ટીમ ઈન્ડિયાએ શાનદાર શરૂઆત કરી હતી. રોહિત શર્મા અને રાહુલે પ્રથમ વિકેટ માટે 45 બોલમાં 78 રનની ભાગીદારી કરી હતી. પ્રથમ ચાર ઓવરમાં રોહિત ખાતું પણ ખોલાવી શક્યો ન હતો કારણ કે તેને સ્ટ્રાઈક મળી રહી ન હતી. રાહુલે અડધી સદી ફટકારી હતી, પરંતુ તે પછી તે વધુ સમય મેદાન પર ટકી શક્યો નહોતો. તે 33 બોલમાં છ ચોગ્ગા અને ત્રણ છગ્ગાની મદદથી 57 રન બનાવીને આઉટ થયો હતો. રોહિત 14 બોલમાં 15 રન બનાવીને આઉટ થયો હતો. તે જ સમયે, વિરાટ કોહલી 13 બોલમાં 19 રન જ બનાવી શક્યો હતો. હાર્દિક પંડ્યા પણ નિષ્ફળ રહ્યો હતો અને માત્ર બે રન બનાવીને આઉટ થયો હતો. દિનેશ કાર્તિક અને સૂર્યકુમાર યાદવે ભારતીય ઇનિંગ્સને સંભાળવાનો પ્રયાસ કર્યો હતો. જોકે, કાર્તિક 14 બોલમાં 20 રન બનાવીને આઉટ થયો હતો. સૂર્યકુમારે ફિફ્ટી ફટકારી હતી. તે છેલ્લી ઓવરમાં ફુલ ટોસ પર સિક્સર મારવા બદલ કેચ પકડાયો હતો.
સૂર્યાએ 33 બોલમાં 50 રનની ઈનિંગમાં છ ચોગ્ગા અને એક છગ્ગા ફટકાર્યા હતા. અશ્વિન બે બોલમાં છ રન બનાવીને આઉટ થયો હતો. તે જ સમયે, અક્ષર પટેલ છ રન બનાવીને અણનમ રહ્યો હતો. ઓસ્ટ્રેલિયા તરફથી કેન રિચર્ડસને ચાર વિકેટ ઝડપી હતી. તે જ સમયે, સ્ટાર્ક, ગ્લેન મેક્સવેલ અને એશ્ટન અગરને એક-એક વિકેટ મળી હતી.