અગાઉ એસ્સાર સ્ટીલ અને હવે આર્સેલર મિત્તલ નિપ્પોન સ્ટીલ ઈન્ડિયા કંપની દ્વારા હજીરા ગામમાં આવેલી જંગલ ખાતા હસ્તકની 38.71 અને 27.02 હેક્ટર જમીનમાં ઝેરી કેમિકલ ડસ્ટ ઠાલવવામાં આવતા કાળીધૂળ ગામોના મકાનો અને વૃક્ષો ઉપર પથરાઇ છે તેને લઇને શ્વાસોશ્વાસના પ્રશ્નો ઉભા થયાની ફરિયાદ હજીરા અને સુંવાલી ગામના ગ્રામીણો દ્વારા મુખ્યમંત્રી, ઉદ્યોગમંત્રી, વનમંત્રી અને પર્યાવરણ વિભાગ અને કલેક્ટરને કરવામાં આવી છે.
ફરિયાદમાં જણાવવામાં આવ્યું છે કે હજીરા ગામની આ જમીન પર અગાઉ એસ્સાર સ્ટીલનો કબ્જો હતો અને હવે આર્સેલર મિત્તલ નિપ્પોન સ્ટીલ ઇન્ડિયા દ્વારા કબ્જો સ્થાપિત કરી ઝેરી કેમિકલ ડસ્ટ અને વેસ્ટ ઠાલવવામાં આવી રહ્યું છે. જેને લીધે હજીરા અને નજીકના ગામોમાં રહેતા લોકોના મકાન સુધી ડસ્ટ ઉડી રહી છે.
આ ઝેરી ડસ્ટને લીધે વૃક્ષો પણ સુકાઇ રહ્યા છે. પર્યાવરણ કાર્યકર અને ચોર્યાસી તાલુકા પંચાયતના સભ્ય કલ્પેશ બી પટેલે જણાવ્યું હતું કે મૂળ જમીન પાવર પ્લાન્ટ માટે 2014માં એસ્સાર કંપનીએ માંગી હતી અને ભારત સરકાર દ્વારા ઇન પ્રિન્સિપલ એટલે કે શરતોને આધિન ફાળવણીનો નિર્ણય લેવાયો હતો.
આ શરતોમાં જેટલી જમીન કંપનીને ફાળવવામાં આવે તેનાથી ત્રણ ગણી જમીન જંગલખાતાને હાડા વિસ્તારમાં કંપની દ્વારા ફાળવવામાં આવે પરંતુ એસ્સાર સ્ટીલનો પ્રોજેક્ટ આર્સેલર પાસે આવ્યા પછી વનવિભાગને કોઇ જમીન ફાળવવામાં આવી નથી. તેને લીધે વનવિભાગે આ જમીન પર કબ્જો યથાવત રાખ્યો હોવા છતા કંપનીના સંચાલકો દ્વારા કેમિકલ ડસ્ટનુ ડમ્પિંગ કરવામાં આવી રહ્યુ છે તેને લઇને હજીરા કાઠાના ગામોના નાગરિકો અને પશુધનપર મોટો ખતરો ઉભો થયો છે.
આર્સેલર મિત્તલ નિપ્પોન સ્ટીલ કંપનીના પ્રવકતા ફોન પર ઉપલબ્ધ નહોતાં
ગ્રામીણોએ આ ડમ્પિંગ અટકાવવા અને જગ્યાની શરતોનું પાલન કરાવવા માંગ કરી છે. આ મામલે ગુજરાત હાઇકોર્ટમાં એક રીટ પીટિશન પણ દાખલ કરવામાં આવી છે.તેમ છતા કંપની દ્વારા બળજબરી કરવામાં આવી રહી છે. આ મામલે આર્સેલર મિત્તલ નિપ્પોન સ્ટીલ ઇન્ડિયાના પ્રવક્તાનો સંપર્ક કરવામાં આવતા તેઓ ફોન પર ઉપલબ્ધ નહતા.