છેલ્લા બે ત્રણ વર્ષથી યુવાનો પણ અચાનક ઢળી પડે છે અને તેને સારવાર મળે તે પહેલા જ મૃત જાહેર કરી દેવામાં આવે છે. રોજે રોજ તમામ શહેરોમાંથી ટીવી જોતા જોતા, ગરબા રમતા રમતા, ક્રિકેટ રમતા રમતા કે કામ કરતાં કરતાં હાર્ટએટેક આવતા હોવાના સમાચાર જોવા મળી રહ્યાં છે. યુવાનોમાં હાર્ટએટેકનું ચલણ વધવું એ માત્ર સમાચાર નથી પરંતુ તે ગંભીર સંકેત છે. એઇમ્સના તબીબો પણ તેના કારણ જાણવા માટે પ્રયત્ન કરી રહ્યાં છે. જો કે હજી આ કારણ મળે તે પહેલા છેલ્લા બે દિવસમાં રાજ્યમાં ત્રણ દિવસમાં હાર્ટ એટેકથી બે બાળકીના મોત થયાં છે. અમદાવાદમાં તો એક ત્રીજા ધોરણની બાળકી સ્કૂલમાં જ ઢળી પડી હતી.
એટલે નાના બાળકો જેણે દુનિયા જોઇ પણ નથી તેને હાર્ટ એટેક આવે તે વાત સીધી રીતે ગળે ઉતરે તેવી નથી અને ઉતરવી ન જ જોઇએ. નાના બાળકોમાં વધી રહેલા હાર્ટએટેકને સરકારે ગંભીર સમસ્યા તરીકે જોવું જોઇએ અને આવુ થવાના કારણો તાકિદે શોધવા જોઇએ. શનિવારે આવી જ એક ઘટના તાતીથૈયામાં બની છે. તાંતીથૈયા ગામની વી.કે.પાર્ક સોસાયટીમાં શ્રમિક પરિવારની 9 વર્ષીય પુત્રી જમી રહી હતી ત્યારે અચાનક ઢળી પડી હતી. શનિવારના રોજ તેની દવાખાને ગઈ હતી તે સમયે બાળકી જમવા બેસી હતી. જ્યારે માતા ઘરે આવી ત્યારે રિયા બેભાન હાલતમાં પડી હતી. ડોકટરે તેને મૃત જાહેર કરી હતી. પોલીસે બાળકીનું પોસ્ટમોર્ટમ કરાવ્યું જેમાં પ્રાથમિક તપાસમાં બાળકીનું લીવર પર સોજો હોવાને કારણે હૃદય પર દબાણ આવ્યું હોય હૃદય બંધ પડી ગયું હોવાનું બહાર આવ્યું હતું. આ પહેલા અમદાવાદ : અમદાવાદ શહેરના થલતેજ-વસ્ત્રાપુર વિસ્તારમાં આવેલી ઝેબર સ્કૂલમાં ધોરણ ત્રણમાં અભ્યાસ કરતી એક વિદ્યાર્થીનીનું સ્કુલમાં જ અચાનક મૃત્યુ થતાં ચકચાર મચી જવા પામી હતી.
અમદાવાદ શહેરના થલતેજ વિસ્તારમાં આવેલી ઝેબર સ્કૂલના ધોરણ ત્રણમાં અભ્યાસ કરતી આઠ વર્ષની બાળકીનું શંકાસ્પદ મૃત્યુ થયું હતું. આ સમગ્ર મામલે પોલીસે તપાસ શરૂ કરી છે. પ્રાથમિક તપાસમાં શાળા સંચાલકોના મતે બાળકીનું મૃત્યુ હાર્ટ અટેકથી થયું હોવાનું જણાવ્યું છે. જોકે આ અંગે પોલીસે વધુ તપાસ હાથ ધરી હતી. આ બાળકી શાળાએ આવી ત્યારે તેને કોઈ સમસ્યા ન હતી, પરંતુ વર્ગખંડ તરફ જઈ રહી હતી ત્યારે, અચાનક જ તેને શ્વાસ લેવામાં તકલીફ જોવા મળી હતી. અને નજીકની બેંચ ઉપર બેસી ગઈ હતી. જેની જાણ શાળાના સંચાલકને થતા તાત્કાલિક તેઓએ એમ્બ્યુલન્સ બોલાવીને નજીકની હોસ્પિટલમાં બાળકીને ખસેડી હતી, જ્યાં તબીબએ તેને મૃત જાહેર કરતા સમગ્ર શાળામાં શોકની લાગણી ફેલાઈ જવા પામી હતી. મૃતક બાળકી અમદાવાદમાં તેના દાદા દાદી સાથે રહેતી હતી અને તેના માતા-પિતા મુંબઇ રહે છે.