આજથી થોડા દાયકા પહેલા વાતાનુકુલન યંત્ર અથવા એર કન્ડીશનર મશીન એ ધનવાન ઘરોમાં, કે ખૂબ ઉચ્ચ કક્ષાની કચેરીઓ વગેરેમાં જ જોવા મળતી વસ્તુ હતી. એસીના ટૂંકા નામે ઓળખાતા એર કન્ડીશનરોનો વ્યાપ પછી વધવા માંડ્યો. આજે તો ઉપલા મધ્યમ વર્ગના ઘરોમાં આ યંત્રો હોવા એ સામાન્ય બાબત બની ગઇ છે અને કેટલાક નીચલા મધ્યમ વર્ગના ઘરોમાં પણ હવે એસી જોવા મળે છે.
મોટી કંપનીઓની કચેરીઓ, ઉચ્ચ સરકારી અધિકારીઓની કચેરીઓ કે બેન્કો જ નહીં પરંતુ હવે તો ઘણા મંદિરો અને મસ્જિદો પણ એર-કન્ડીશન્ડ બનવા માંડ્યા છે. ભારતમાં હાલ આ વાતાનુકુલન યંત્રોના કારણે વધેલા વિજળીના વપરાશ અંગે કેટલાક રસપ્રદ આંકડા બહાર પડ્યા છે તે ફક્ત આશ્ચર્ય જન્માવનારા જ નહીં પણ કંઇક ચિંતા કરાવનારા પણ છે. ઘરગથ્થુ એર કન્ડીશનરો ચલાવવા માટે ભારતમાં વિજળીની માગ ૨૦૫૦ સુધીમાં વધીને હાલના કરતા નવ ગણી થઇ જશે અને તે આજે સમગ્ર આફ્રિકા ખંડમાં જે કુલ વીજ વપરાશ છે તેના કરતા પણ વધી જશે એમ ઇન્ટરનેશનલ એનર્જી એજન્સી(આઇઇએ)એ હાલમાં જણાવ્યું છે.
પોતાના છેલ્લામાં છેલ્લા વર્લ્ડ એનર્જી આઉટલૂકમાં આઇઇએએ જણાવ્યું હતું કે આગામી ત્રણ દાયકામાં વિશ્વમાં બીજા કોઇ પણ દેશ કે પ્રદેશની સરખામણીમાં ભારતમાં ઉર્જાની માગમાં સૌથી મોટો વધારો જોવા મળશે. તેણે ભારતના ઉર્જાના પુરવઠામાં મોટા વધારાનો પણ અંદાજ મૂક્યો છે જે ૨૦૨૨માં ૪૨ એક્સાજોલસ(ઇજે) હતો તે ૨૦૩૦માં સરકારી નીતિઓના અને વિકાસના પરિદ્રશ્ય હેઠળ વધીને પ૩.૭ ઇજે થઇ જશે.
જ્યારે કે જાહેર કરાયેલી કાર્બન ઉત્સર્જન પર અંકુશ માટેની પ્રતિજ્ઞાઓની રીતે જોતા આ વપરાશ ૨૦૩૦ સુધીમાં ૪૭.૬ ઇજે અને ૨૦પ૦ સુધીમાં ૬૦.૩ ઇજે થશે. ભારતમાં ઓઇલની માગ વર્ષ ૨૦૨૨માં પ્રતિદિન પ૨ લાખ બેરલની હતી જે હાલની સરકારી નીતિઓ કે વિકાસના પરિદ્રશ્ય હેઠળ ૨૦૩૦માં ૬૮ લાખ બેરલ અને ૨૦૫૦ સુધીમાં ૭૮ લાખ બેરલ પ્રતિદિન થઇ જવાનો અંદાજ છે, જ્યારે કે જાહેર થયેલી પ્રતિજ્ઞાઓ હેઠળ તે અનુક્રમે ૬૨ અને ૪૭ લાખ બેરલ પ્રતિદિન થવાનો અંદાજ છે. આ તો ભારતમાં કુલ વિજળી અને ઇંધણના વપરાશની વાત છે, પરંતુ આજે અહીં ચર્ચા ભારતમાં એસીના વધતા વપરાશ અને તેને કારણે વિજળીના વધતા વપરાશની કરવાની છે.
ભારતમાં વાતાનુકુલન યંત્રો કે ઠંડક માટેના અન્ય સાધનોના વપરાશના સંદર્ભમાં વધતી વિજળીની માગના સંદર્ભમાં આઇઇએ દ્વારા કહેવામાં આવ્યું છે કે છેલ્લા પાંચ દાયકામાં ભારતમાં ૭૦૦ કરતા વધુ હીટવેવ્ઝ સર્જાયા છે અને તેમણે ૧૭૦૦૦ કરતા વધુ જીવનનો ભોગ લીધો છે. ભારતની ભૌગોલિક અને હવામાનની સ્થિતિને કારણે અને લોકોની વધતી આવકને કારણે ભારતમાં એરકન્ડીશનરોની માગ ૨૦૧૦થી અત્યાર સુધીમાં ત્રણ ગણી થઇ ગઇ છે અને તે પ્રતિ ૧૦૦ ઘર પર ૨૪ એકમોની થઇ ગઇ છે.
ઠંડક માટેની જરૂરિયાતની અસર વિજળીના વપરાશ પર સ્પષ્ટ દેખાય છે એમ પેરિસ સ્થિત આ એજન્સીએ જણાવ્યું હતું. વર્ષ ૨૦૧૯ અને ૨૦૨૨ વચ્ચે ભારતમાં ઠંડક માટેના સાધનો માટે વિજળીના વપરાશમાં ૨૧ ટકાનો વધારો થયો છે અને આજે ભારતના કુલ વિજળી વપરાશમાં ઠંડક માટેના સાધનો માટેની વિજળીની માગ ૧૦ ટકા જેટલી થઇ ગઇ છે. આ ઠંડક માટેના સાધનોમાં એસી ઉપરાંત એર-કૂલરો અને પંખાઓનો પણ સમાવેશ થઇ શકે છે.
ટેબલ ફેન અને સીલિંગ ફેન એ હવે ખૂબ સામાન્ય વાત બની ગઇ છે અને હવે તો ઝૂંપડપટ્ટીઓમાં પણ પંખા હોય જ છે. આ તમામ સાધનો વિજળી વાપરે છે પરંતુ એર કન્ડીશનરો વધુ વિજળી વાપરે છે. એસીનો વપરાશ વધવાની સાથે દેશમાં વિજળીનો વપરાશ પણ વધશે જે આપણે શરૂઆતમાં જ જોયું અને વિજળીનો વપરાશ વધતા વધુ વિજળી પેદા કરવી પડશે અને આપણે ત્યાં ઘણા વીજ મથકો કોલસા જેવા ઇંધણોથી ચાલે છે તે જોતા પ્રદૂષણ વધશે અને છેવટે ગરમી વધશે.
એર-કન્ડીશનર ઘરના કે કચેરીના વાતાવરણને સહ્ય બનાવે છે. ખરેખર તો તેનું કામ વાતાનુકુલન કરવાનું છે પરંતુ આપણે ત્યાં ગરમ વાતાવરણ જોતા તેને ઠંડક કરનારા યંત્ર તરીકે ગણી લેવામાં આવ્યું છે. એર કન્ડીશનરની ઘણી આડઅસરો છે. તેના વધુ પડતા વપરાશથી શારીરિક સમસ્યાઓ ઉભી થઇ શકે છે તે નુકસાન તો છે જ પરંતુ તેનો વપરાશ વધતા વિજળીનું ઉત્પાદન વધારવુ પડે જેનાથી પ્રદૂષણ વધે, જે આપણે આગળ જોયું, તે ઉપરાંત આ એર કન્ડીશનરો વાતાવરણમાં હાઇડ્રોફ્લુરોકાર્બન નામના ગ્રીનહાઉસ વાયુઓ છોડે છે જે છેવટે તો બહારના વાતાવરણની ગરમી વધારે છે. એસીના વધતા વપરાશની સાથે આ બધી ચિંતા વધારનારી બાબતો પણ જોડાયેલી છે તે કઠોર વાસ્તવિકતા છે.