જેનો ડર હતો તે ફરી થઈ રહ્યું છે. હજુ ત્રણ વર્ષ પહેલા કોરોનાની મહામારીએ આખા વિશ્વને ધ્રુજાવ્યું હતું. 2020માં શરૂ થયેલી કોરોનાની મહામારીએ સતત બે વર્ષ લાખો લોકોનો ભોગ લઈ લીધો. પછી વેક્સિન આવી અને હર્ડ ઈમ્યુનિટી આવી. આ બંનેને કારણે ભારત સહિત વિશ્વભરમાં કોરોનાના કેસની સંખ્યા ઘટવા માંડી. કોરોનાના કેસ ઘટવા માંડ્યા. મોતના આંક ઘટવા માંડ્યા. ભારતના કેટલાક રાજ્યોમાં તો કોરોનામાં મોતનો આંક શૂન્ય થઈ ગયો હતો. પરંતુ હવે ફરી કોરોના રિટર્ન થઈ રહ્યો છે.
ભારતમાં કોરોનાના કેસ જેટ ગતિએ વધી રહ્યા છે. એક જ સપ્તાહમાં કોરોનાના કેસમાં બેફામ ઉછાળો આવ્યો છે. દેશભરમાં એક્ટિવ કેસની સંખ્યા 50 હજારની નજીક પહોંચી ગઈ છે. કોરોનાનો પોઝિટિવિટીનો રેટ પણ વધીને 5થી ઉપર પહોંચી ગયો છે. છેલ્લા 24 કલાકમાં જ દેશમાં કોરોનાના 11 હજાર કેસ નોંધાઈ ગયા છે. જ્યારે 29 લોકોના કોરોનામાં મોત થયા છે. જેમ કેસ વધી રહ્યા છે તેમ તેમ એક્ટિવ કેસની સંખ્યા પણ વધી રહી છે. દિલ્હીમાં તો કોરોનાનો કેર ફરી શરૂ થઈ ગયો છે. 24 કલાકમાં જ દિલ્હીમાં કોરોનાના 1527 કેસ નોંધાઈ ચૂક્યા છે. દર 100 દર્દીમાં 28 કેસ કોરોના પોઝિટિવના આવી રહ્યા છે. 24 કલાકમાં દિલ્હીમાં કોરોનામાં બેના મોત પણ થયા છે.
દિલ્હીની સાથે સાથે હવે મહારાષ્ટ્રમાં પણ કોરોના પૂરઝડપે દોડવા માંડ્યો છે. મહારાષ્ટ્રમાં છેલ્લા 24 કલાકમાં એક દર્દીનું મોત થયું છે. મહારાષ્ટ્રમાં અત્યાર સુધીમાં કોરોનામાં મોતનો આંક 19 હજારથી પણ વધુ થઈ ગયો છે. દિલ્હીમાં વધી રહેલા કેસને કારણે ત્યાંની રાજ્ય સરકારે શાળા, કોલેજો અને ઓફિસો ઉપરાંત ભીડવાળી જગ્યા પર માસ્ક પહેરવાનું ફરજિયાત કરી દીધું છે. તમામ સ્થળોએ પ્રવેશદ્વાર પર થર્મલ સ્કેનિંગ રાખવા માટે આદેશ કરાયા છે.
જો દર્દીને શરદી, ફ્લુ જેવા લક્ષણો દેખાય તો તેને ક્વોરન્ટાઈન રહેવાની સૂચના આપી દેવામાં આવી છે. દિલ્હીમાં બસ અને મેટ્રોમાં પણ સેનિટાઈઝેશન કરવા માટે સૂચના અપાઈ છે. રેલવે સ્ટેશન અને બસ સ્ટેશન પર પણ કોવિડ પ્રોટોકોલ પાળવા માટે આદેશ કરાયા છે. સાથે સાથે કેન્ટિન અને કેફેટેરિયામાં બે મીટરનું અંતર રાખવા માટે પણ કહી દેવામાં આવ્યું છે. હાલમાં દિલ્હી અને મહારાષ્ટ્રની કોરોનાના મામલે સ્થિતિ ખરાબ થઈ રહી છે પરંતુ જે રીતે કોરોના ફેલાવાની ઝડપ વધી રહી છે તે જોતાં આગામી દિવસોમાં દેશના અન્ય રાજ્યો પણ કોરોનાના સપાટામાં આવી જાય તેવી સંભાવના છે. ખુદ કેન્દ્ર સરકાર એવું કહી રહી છે કે છેલ્લા સાત જ દિવસમાં કોરોનાના 42 હજારથી પણ વધુ કેસ નોંધાયા છે. નિષ્ણાંતોના મત પ્રમાણે, કોરોનાની ચોથી લહેર આવે તેવી સંભાવના નથી. કોરોનાના કેસ વધશે પરંતુ તેની સામે વેક્સિનથી બચાવ થઈ શકશે. પરંતુ કોરોનાના મામલે તકેદારી જરૂરી છે.
આજ વાત લોકોએ યાદ રાખવા જેવી છે. કોરોના મામલે જો તકેદારી રાખવામાં નહીં આવે તો બની શકે છે કે કોરોના ફરી જીવલેણ બને. કોરોનાના ફેલાવાને અટકાવવા માટે માસ્કના ઉપયોગની સાથે સાથે સેનિટાઈઝેશન અને સોશિયલ ડિસ્ટન્સ તો જરૂરી છે જ પરંતુ સાથે સાથે જેમણે કોરોનાની વેક્સિન લીધી નથી તેવી વ્યક્તિ દ્વારા વેક્સિન લઈ લેવામાં આવે તે હિતાવહ છે. વેક્સિનના ત્રણે-ત્રણ ડોઝ લીધા હોય તો કોરોના સામે લડત આપી શકાય તેમ છે. હાલમાં કોરોનાના કેસ વધી રહ્યા હોવાથી ફરી વેક્સિનનું ઉત્પાદન વધારવામાં આવી રહ્યું છે ત્યારે લોકોએ કોવિડ પ્રોટોકોલ જાળવવાની સાથે વેક્સિનેશન કરાવી લેવું જરૂરી છે. જો આમ નહીં થાય તો આગામી દિવસોમાં ફરી કોરોના લોકોનો ભોગ લેશે તે નક્કી છે.