Comments

ખ્રિસ્તીઓ પર વધતા હુમલા

305 attacks on Christians in Indian in first nine months of 2021, only 30  FIRs: fact-finding report - TheLeaflet

કર્ણાટકના ખ્રિસ્તી સમાજ અને તેમનાં ધર્મસ્થાનો પર સંગઠિત રીતે થયેલા હુમલા વિશે આ સપ્તાહે પીપલ્સ યુનિયન ફોર સિવિલ લિબર્ટીઝે પોતાનો હેવાલ પ્રસિધ્ધ કર્યો છે. વળી આ સપ્તાહે જ કર્ણાટકે લઘુમતીઓનો ધાર્મિક સ્વાતંત્ર્ય પર કાપ મૂકતો કાયદો જાહેર કર્યો છે. પીપલ્સ યુનિયનના હેવાલમાં મેં પણ ફાળો આપ્યો છે અને મને લાગે છે કે તનાં તારણોમાં હિસ્સેદારી કરું. આની પશ્ચાદ્ભૂ એ છે કે ધાર્મિક લઘુમતીઓ અને તેમનાં ધર્મ સ્થળો પર તેમને ચોક્કસ નિશાન બનાવી ભારતમાં હુમલા વધતા જાય છે. ડિસેમ્બર 2021 ના પહેલા બે સપ્તાહમાં મધ્યપ્રદેશ, હરિયાણા અને કર્ણાટકમાં ખ્રિસ્તીઓ પર હુમલા થયા હતા.

ખ્રિસ્તી સમાજ સામે સંગઠિત હિંસાઓ તોફાનના મામલા સાથે ધમકીઓ પણ અપાય છે અને કાયદાઓ પણ ઘડાય છે. આંતરધર્મી લગ્ન અને ધાર્મિક સ્વાતંત્ર્ય પર નિયંત્રણ મૂકતા કાયદા ભારતીય જનતા પક્ષના શાસન હેઠળનાં પાંચ રાજ્યોમાં ઘડાયા છે. કર્ણાટકની ભારતીય જનતા પક્ષની સરકાર ખ્રિસ્તીઓની ધાર્મિક પ્રવૃત્તિ અને તેમનાં ધાર્મિક સ્થળો પર નિયંત્રણ રાખવાના જ દેખીતા ધ્યેય સિવાય બીજા કોઇ પણ હેતુ વગર રાજયનાં ચર્ચોની મોજણી કરવાની દરખાસ્ત કરી રહી છે.

રાજયમાં ધિક્કારના ગુનાઓ અલગ રીતે નથી નોંધાતા અને તેથી આ બાબતમાં બહુ ઓછી સત્તાવાર માહિતી મળે છે. આ વર્ષના પૂર્વાર્ધમાં પ્રસિધ્ધ થયેલા એક હકીકત શોધન હેવાલમાં ધિક્કારજન્ય 90 કિસ્સાઓની નોંધ કરવામાં આવી છે અને ખાસ કરીને ઉત્તર ભારતમાં ખ્રિસ્તીઓ અને તેમના ચર્ચ સામે 300 થી વધુ ધિક્કારજન્ય ગુના થયા હોવાનો નિર્દેશ કર્યો છે. એસોસીએશન ફોર પ્રોટેન્શન ઓફ સિવિલ ટાઇટસ, યુનાઈટેડ ક્રિશ્ચિયન ફોરમ એન્ડ યુનાઇટેડ અગેન્સ્ટ હેઇટ દ્વારા ‘ક્રિશ્ચિયન્સ અન્ડર એટેક ઇન ઇન્ડિયા’ શીર્ષક હેઠળ બહાર પડાયેલા આ હેવાલમાં જણાવાયું છે કે પૂજા કરવા દેવાનો ઇન્કાર થાય છે.

પાદરીઓની ગેરકાયદે અટકાયત થાય છે, શ્રધ્ધાળુઓની પણ ગેરકાયદે અટકાયત થાય છે અને ખોટી ફરિયાદો થાય છે. તેની સાથે ભારતીય જનતા પક્ષ અને તેના નેતાઓ તેમજ કાર્યકરો દ્વારા ભડકાઉ પ્રવચનો થાય છે અને કાયદા ઘડાય છે. સુસભ્ય સમાજ ઘણી વાર રાજય અને સત્તાધીશ પક્ષની સહમતિથી ભારતની લઘુમતીઓ પ્રત્યે હિંસા અને દમન આચરે છે. કર્ણાટકમાં આવી જ રીતે હુમલા થાય છે. કેટલીક વાર સેંકડો લોકોનું એક સંગઠિત ટોળું ભજન-પ્રાર્થના કરતું ચર્ચમાં પ્રવેશે છે અને પછી પ્રાર્થના ચાલુ હોય ત્યારે બળજબરીથી થતી વટાળ પ્રવૃત્તિ સામે આધાર વગરના આક્ષેપો કરી સૂત્રોચ્ચાર કરે છે. તેઓ ઘણી વાર હિંસક બને છે અને પ્રાર્થના માટે ભેગા થયેલા લોકો પર હુમલા કરે છે. પોલીસને પહેલેથી ખબર હોય એવું લાગે છે પણ તે ઘણી વાર ઘટના બની જાય પછી આવતી હોય છે. ટોળું પોતાના ગુનાહિત હદ પ્રવેશ અને હિંસાનો વીડિયો ઉતારતું હોય છે પણ શ્રધ્ધાળુઓને તેમ કરતાં રોકી ગુનાનું કોઇ દૃશ્ય નોંધ રહેવા દેતા નથી.

ટોળું પોતાની ધજા, પતાકા,ખેસ અને સૂત્રોથી ધાર્મિક તફાવતને નિર્દેશ આપી સૂચિત ધૃવીકરણ પર ભાર મૂકે છે. રાજયને કે પત્રકારોને આ ઘુસણખોરી ગુનો નથી લાગતી. પત્રકારો પણ બળજબરીથી થતી વટાળ પ્રવૃત્તિથી આગળ કંઇ જોવા તૈયાર નથી. ટોળા પાદરીઓને પણ ઘણી વાર લબડધક્કે લે છે અને પોતાના ધર્મના પાલનના બંધારણીય હક્કનો ઉપયોગ કરતા આ હતભાગી ધર્મપુરુષો સામે પોલીસો ઘણી વાર મુકદ્દમો દાખલ કરે છે. રાજયની ભૂમિકા ઘણી વાર નકારાત્મક હોય છે અને પોલીસો પણ શ્રધ્ધાળુઓની નાત-જાત પૂછી તેમના અંગત જીવનમાં દખલ કરતા હોય છે. પરિણામે ઘણાં શ્રધ્ધાળુઓ ચર્ચમાં પ્રાર્થના માટે આવતા બંધ થઇ જાય છે અને કદાચ તે જ ઇરાદો હોય છે.

રાજય પોતે જ ઘણી વાર ચર્ચને તેમના બંધારણીય હક્ક ધાર્મિક પ્રવૃત્તિ અને પ્રાર્થના અટકાવવાની સૂચના આપતું હોય છે. એક કિસ્સામાં પોલીસને એ ધંધો પડયો કે ખ્રિસ્તીઓ હિંદુ તહેવારના દિવસે પ્રાર્થના માટે ભેગા થતા હતા. પોલીસ હિંસા અને ધાકધમકી રોકવાને બદલે હુમલો કરનાર અને ભોગ બનનાર વચ્ચે સમાધાન કરાવી કાયદો અને વ્યવસ્થા જાળવવા વધુ તત્પર લાગે છે. હિંસા સાથે જ્ઞાતિવાદ અને જ્ઞાતિવાદ આધારિત અપશબ્દો અને મારપીટ ભળે છે. ટોળું ધર્મસ્થાનમાં ઘૂસે પછી શ્રધ્ધાળુઓને નિશાન બનાવી હુમલા કરે છે. ઘણા કિસ્સાઓમાં રોજગારી મળતી બંધ થાય છે. સામાજિક બહિષ્કાર થાય છે. રહેઠાણ નાશ પામે છે, માન-દરજ્જો ખતમ થઇ જાય છે.

પીપલ્સ યુનિયનનો હેવાલ કહે છે કે આ ગુનાઓ કરનાર હિંદુત્વના છત્રધારી હોય છે અને તેમાં ભારતીય જનતા પક્ષના ધારાસભ્યો અને પ્રધાનો પણ સીધી રીતે સંકળાયેલા હોય છે અને મેળાપીપણામાં કોઇ કંઇ પગલાં નહીં ભરતા હોવાથી બહિષ્કાર થતો હોય છે અને ભોગ બનેલાઓ કે તેમાંથી બાકાત રહેલાઓના નોકરી ધંધા જાય છે અને ધિક્કારની લાગણી ફેલાય છે. કર્ણાટકનો આવી રહેલો કાયદો આ વલણને વેગ આપશે અને રાજય અને પોલીસને કર્ણાટકના ખ્રિસ્તીઓનો ધાર્મિક સ્વાતંત્ર્યને અટકાવવા અને રૂંધવામાં પ્રોત્સાહન આપશે. ભારતીય જનતા પક્ષના શાસન હેઠળનાં અન્ય પાંચ રાજયોમાં પણ આવું થશે, જયાં ધર્મના સ્વાતંત્ર્ય સામેના કાયદા 2018 ના વર્ષથી અમલમાં છે.
– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top