ભરૂચ: ભરૂચ (Bharuch) જિલ્લામાં અષાઢી બીજની પૂર્વ સંધ્યાથી આખરે ચોમાસાની (Monsoon) ધમાકેદાર એન્ટ્રી થઇ છે. જો કે, સોમવાર સાંજથી મંગળવાર સાંજ સુધી આઠ તાલુકામાં મેઘરાજાએ મહેર કરી હતી. સૌથી વધુ હાંસોટ અને ઝઘડિયા તાલુકામાં દોઢ ઇંચ અને અંકલેશ્વર અને ભરૂચ તાલુકામાં એક ઇંચ વરસાદ (Rain) પડ્યો હતો. ભરૂચ જિલ્લાના સાતપુડા તળેટીમાં ત્રણ ડેમોમાં (Dam) ઉનાળાના લો-લેવલ કરતા નોંધપાત્ર પાણીની આવકમાં વધારો થયો છે. જો કે, અષાઢી બીજની આગલી રાતથી સતત છ દિવસ મેહુલિયાએ મહેર કરી હતી.સોમવાર સાંજે 6થી મંગળવારે સાંજે6 વાગ્યાના 24 કલાકમાં ભરૂચ જિલ્લામાં આઠ તાલુકામાં વરસાદ ખાબક્યો હતો.
- ધોલી ડેમમાં 0.5 સેન્ટીમીટર, સૌથી વધારે પીંગોટમાં 3 મીટર અને બલદેવા ડેમમાં 2.77 મીટર પાણીની આવક થઈ
સાતપુડા વિસ્તારમાં આવેલા ત્રણ ડેમોમાં ઉનાળાની ઋતુમાં લો લેવલ પાણી થયા બાદ મેઘરાજાની મહેર બાદ નોંધપાત્ર વધારો થયો હતો. ઉનાળામાં ધોલી ડેમમાં 132.30 મીટર લો-લેવલ પાણી હતું. જે હાલમાં 132.35 મીટર થતાં 0.5 સેન્ટીમીટર પાણીનો વધારો થયો હતો. ઉનાળામાં પીંગોટ ડેમમાં ૧૩૦.૮૦ મીટર લો-લેવલ પાણી હતું. જે હાલમાં વધીને ૧૩૩.૮૦ મીટર થતાં ૩ મીટર પાણી વધ્યું હતું. તેમજ ઉનાળામાં બલદેવા ડેમમાં ૧૩૧.૫૫ મીટર લો-લેવલ પાણી હતું. જે હાલમાં વધીને ૧૩૪.૩૨ મીટર થતા ૨.૭૭ મીટર પાણીની આવક વધી હતી.
ડેડિયાપાડા તાલુકામાં દોઢ ઇંચ, ગરૂડેશ્વર અને તિલકવાડામાં બે-બે મી.મી. વરસાદ નોંધાયો
રાજપીપળા: નર્મદા જિલ્લામાં છેલ્લા ૨૪ કલાક દરમિયાન સૌથી વધુ ડેડિયાપાડા તાલુકામાં ૩૯ મી.મી. અને સૌથી ઓછો ગરૂડેશ્વર અને તિલકવાડા એમ બંને તાલુકામાં બે-બે મી.મી. વરસાદ નોંધાયો છે. આ સિવાયના જિલ્લાના સાગબારા તાલુકામાં ૨૦ મી.મી. અને નાંદોદ તાલુકામાં ૫ મી.મી. વરસાદ સાથે નર્મદા જિલ્લામાં આજદિન સુઘી સરેરાશ કુલ ૧૬૫ મી.મી. વરસાદ નોંધાયો હોવાના અહેવાલ નર્મદા જિલ્લા પૂર નિયંત્રણ કક્ષ તરફથી પ્રાપ્ત થયા છે.
જિલ્લામાં ચાલુ વર્ષના મોસમના કુલ વરસાદની આજદિન સુધીની પરિસ્થિતિ જોઇએ તો ડેડિયાપાડા તાલુકાએ ૨૭૮ મી.મી. વરસાદ સાથે જિલ્લામાં મોખરાનું સ્થાન જાળવી રાખ્યું છે. જ્યારે ગરુડેશ્વર તાલુકો ૧૮૩ મી.મી. સાથે દ્વિતીય સ્થાને, તિલકવાડા તાલુકો ૧૮૨ મી.મી. સાથે તૃતીય સ્થાને, સાગબારા તાલુકો ૧૩૫ મી.મી. સાથે ચોથા ક્રમે અને નાંદોદ તાલુકો ૪૭ મી.મી. વરસાદ સાથે પાંચમાં સ્થાને રહ્યો છે. આ જિલ્લાના વિવિધ ડેમોની સપાટીની પરિસ્થિતિ જોઇએ તો નર્મદા ડેમ ૧૧૪.૧૫ મીટર, કરજણ ડેમ ૧૦૨.૮૬ મીટર, નાના કાકડીઆંબા ડેમ-૧૮૦.૪૦ મીટર અને ચોપડવાવ ડેમની સપાટી ૧૭૯.૦૦ મીટર રહેવા પામી છે.