નડિયાદ: વધતી જતી મોંઘવારીની સીધી અસર સામાન્ય જનતાની સાથે સાથે હવે ધાર્મિકસ્થળો ઉપર પણ પડવા લાગી છે. મોંઘવારીને પગલે યાત્રાધામ ડાકોરમાં આવેલ શ્રી રણછોડરાયજી મંદિર ટ્રસ્ટ દ્વારા લાડુપ્રસાદના ભાવમાં વધારો ઝીંકવામાં આવ્યો છે. ખેડા જિલ્લાના સુપ્રસિધ્ધ યાત્રધામ ડાકોરમાં રાજાધિરાજ શ્રી રણછોડરાયજી ભગવાનનું મંદિર આવેલ છે. મંદિરમાં દર્શનાર્થે આવતા શ્રધ્ધાળુઓ મંદિરમાંથી ૧૦ રૂપિયામાં વેચાતા લાડુપ્રસાદની ખરીદી કરતાં હોય છે. જોકે, હવે મંદિર પ્રશાસન દ્વારા લાડુપ્રસાદના ભાવમાં વધારો કરી દેવામાં આવ્યો છે.
બે નંગ સુધી લાડુપ્રસાદની ખરીદી કરવા પર ભાવ યથાવત રાખવામાં આવ્યો છે. પરંતુ બે કરતાં વધુ લાડુ પ્રસાદીની ખરીદી પર ભાવ વધારો લાગુ પડશે. હવે ૩ લાડુપ્રસાદની ખરીદી કરનારને ૫૦ રૂપિયા ચુકવવા પડશે. મંદિર પ્રસાશન દ્વારા એકાએક ઝીંકવામાં આવેલા ભાવ વધારાને શ્રધ્ધાળુઓએ અયોગ્ય ગણાવ્યો છે.અત્રે ઉલ્લેખનિય છે કે ડાકોરમાં દર પૂનમ ઉપરાંત અગિયારસ, રવિવાર, ધાર્મિક તહેવારોના દિવસે મોટી સંખ્યામાં ભક્તો ઠાકોરજીના દર્શન માટે ઉમટી પડે છે.