ગાંધીનગરઃ રાજ્ય સરકારના કર્મચારીઓ માટે ખુશખબર આવી છે. સાતમા પગારપંચનો લાભ મેળવતા સરકારી કર્મચારીઓને કેન્દ્રના સ્તરે મોંઘવારી ભથ્થામાં વધારો કરવાનો નિર્ણય રાજ્ય સરકારે લીધો છે.
મોંઘવારી ભથ્થામાં 3 ટકાનો વધારો જાહેર કરાયો છે. આ વધારો 1 જુલાઈ 2024થી લાગુ પડશે. જુલાઈથી ડિસેમ્બર સુધીનું એરિયર્સ ડિસેમ્બરના પગારમાં એટલે કે જાન્યુઆરીમાં આપવામાં આવશે. આ જાહેરાતના પગલે પેન્શનર્સ અને કર્મચારીઓને જુલાઈથી મૂળ પગારના 53 ટકા મોંઘવારી ભથ્થું મળશે.
સાડા ચાર લાખ કર્મચારીઓને ફાયદો
મોંઘવારી ભથ્થામાં વધારાના પગલે રાજ્ય સેવાના અને પંચાયત સેવા તથા અન્ય મળી કુલ 4.45 લાખ સરકારી કર્મચારી તથા 4.63 લાખ પેન્શનર્સને લાભ થશે. જુલાઈ 2024થી નવેમ્બર 2024 સુધીના મળવાપાત્ર મોંઘવારી ભથ્થાના પગારની તફાવતની રકમ ડિસેમ્બરના પગાર સાથે જાન્યુઆરીમાં રોકડમાં ચુકવવામાં આવશે. 50 પૈસા અને તેનાથી વધુ પૈસાની ચૂકવણી સંપૂર્ણ રૂપિયા તરીકે થશે. 50 પૈસા કરતા ઓછી રકમને ગણતરીમાં લેવાશે નહીં.